કિરીટ રાઠોડ, પ્રમુખ, દલિત અધિકાર મંચ, વિરમગામ, જીલ્લો અમદાવાદ, દ્વારા આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય, ને ખુલ્લો પત્ર:
- વિષય – પૂર્વ દલિત મંત્રી દ્વારા થાનગઢ હત્યાકાંડના બનાવમાં CBI તપાસની ભલામણ નો પત્ર ગૃહ મંત્રીના કાર્યાલય તેમજ ગૃહ વિભાગની ઓફીસમાંથી ગુમ થયેલ રેકર્ડ અંગે ગૃહ મંત્રીના કાર્યાલય તેમજ ગૃહ વિભાગના જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવા બાબત
૧૫ મી ઓગસ્ટ ૨૦૧૬ એટલે સ્વતંત્ર દિનના ૬૯ વર્ષ થવાના ગણતરીના દિવસો બાકી છે. આઝાદીના ૬૯ વર્ષો પછી ગુજરાતમાં દલિત સમાજ “આભડછેટ” અને “અત્યાચાર” ની ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ નથી.
ગુજરાત સરકાર દ્વારા બંધારણીય અધિકારના ભંગના બનાવોમાં દલિત સમાજને ન્યાય અપાવવામાં ભેદભાવ ભર્યું વલણ દાખવેલ હોવાનું સાબિત થાય છે. કેમ કે ગઈ તારીખ ૨૨ અને ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ગામે પોલીસે ફાયરીંગ કરીને (૧). પંકજ અમરસિહ સુમરા (૨). મેહુલ વાલજીભાઈ રાઠોડ (૩). પ્રકાશ બાબુભાઈ પરમાર આ ત્રણ દૂધમલ દલિત યુવાનોની જાહેરમાં નિર્મમ હત્યા કરવામાં આવ્યાની ધટનાને ચાર વર્ષ વીતવા છતાં ભોગ બનેલ દલિત પરિવારો ન્યાયથી વંચિત છે. આપના ગુજરાતમાં પૂર્વ દલિત મંત્રીની ભલામણમાં કોઈ કાર્યવાહી ન કરી આપની ભા.જ.પ સરકાર માટે દલિત સમાજ હોઈ કે દલિત મંત્રી હોઈ બંન્ને માટે પારકા જેવો ધાટ ઘડાયાની હકીકત નીચે મુજબ છે.
આ બનાવમાં ગુજરાતના દલિત સમાજ દ્વારા રેલી – ધરણા – આવેદનપત્રો આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર દલિત સમાજ દ્વારા આ બનાવની તપાસ CBI ને સોપવામાં આવે તેવી મુખ્ય માંગણી હતી. જેથી અમોએ પૂર્વ દલિત કેબીનેટ મંત્રી (ફકીરભાઈ વાઘેલા), સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરને થાનગઢ હત્યાકાંડની તપાસ CBI દ્વારા થાય તેવી રજૂઆત કરી હતી. જેથી પૂર્વમંત્રી દ્વારા તા-૩૦/૧૦/૨૦૧૨ ના રોજ પૂર્વ ગૃહ મંત્રી (પ્રફુલભાઈ પટેલ), ગાંધીનગરને ઘટતું કરવા ભલામણ કરી હતી.
પૂર્વ કેબીનેટમંત્રીની CBI ની ભલામણ અંગે શું કાર્યવાહી થઇ તે જાણવા અમોએ તા- ૨૯-૦૫-૨૦૧૫ ના રોજ ગૃહ વિભાગમાં RTI હેઠળ માહિતી મેળવવાની અરજી કરી જેમાં ખુબ જ ચોકાવનારી માહિતી બહાર આવી છે…
- તા-૧૫-૦૭-૨૦૧૫ ના રોજ (નયનાબેન પટેલ) ઉપસચિવ(મ), ગૃહ વિભાગ, ગાંધીનગર જણાવે છે કે અમારી અરજીના મુદ્દાનં (A) અને (B) ની માહિતી ઉપલબ્ધ નથી
- તા-૧૬-૦૯-૨૦૧૫ ના રોજ ગૃહ વિભાગમાં આ અંગે કોઈ રેકર્ડ ઉપલબ્ધ નથી તેવું પ્રકાશ પટણી, નાયબ સચિવ(મહેકમ), ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા લેખિત જણાવવામાં આવેલ છે. તેમજ સાથે ચાલુ ગૃહમંત્રી (રજની પટેલ) ના કાર્યાલય દ્વારા ફાઈલ નોટીંગ આપવામાં આવી જેમાં લખ્યા મુજબ અરજીમાં ઉલ્લેખિત તા-૧૧-૧૦-૨૦૧૨ તથા ૩૧-૧૦-૨૦૧૨ ના પત્રો અગાઉના તત્કાલીન માન. રા.ક. મંત્રીશ્રી, ગૃહના સમયગાળાના હોઈ, તે અંગે અત્રેથી કોઈ વિગત/કાગળો આપી શકાય એમ નથી. (સહી કરનાર – સુધીર તા-૧૫-૦૭-૨૦૧૫) તેવું કાગળ પણ આપેલ છે.
ઉપરોક્ત હકીકતને ધ્યાને રાખી અમો દલિત સમાજના ન્યાયના હિતમાં નીચે મુજબની માંગણી કરીએ છીએ કે ભા.જ.પ સરકારના પૂર્વ દલિત મંત્રી દ્વારા થાનગઢ હત્યાકાંડના બનાવમાં CBI તપાસની ભલામણ નો પત્ર ગૃહ મંત્રીના કાર્યાલય તેમજ ગૃહ વિભાગની ઓફીસમાંથી ગુમ થયેલ રેકર્ડ અંગે ગૃહ મંત્રીના કાર્યાલય તેમજ ગૃહ વિભાગના જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવી.
નકલ રવાના:
1. રમણભાઈ વોરા – કેબીનેટ મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર.
2. મુખ્યસચિવ, મુખ્યસચિવનું કાર્યાલય, ગાંધીનગર.
3. અધિક મુખ્ય સચિવ, કમલ દયાની (IAS), સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર
4. શ્રી શંકરસિહ વાઘેલા, વિરોધ પક્ષના નેતા, ગાંધીનગર.
5. તમામ દલિત(અનુસુચિત જાતિ) ધારાસભ્ય અને સંસદસભ્યોને ખાસ નમ્ર વિનતી કે પૂર્વ દલિત મંત્રીની ભલામણ મુજબ રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરેલ ન હોઈ દલિત સમાજ અને ડો. બાબા સાહેબનું અપમાન થયું છે એવુ માનતા હોઈ તો થાનગઢ હત્યાકાંડની તપાસ CBI ને સોપવામાં આવે તેવી ભલામણ સાથેનો પત્ર મુખ્યમંત્રીને મોકલશો. જેની એક નકલ મને મોકલાવશો તેવી વિનતી કરું છું.