કિરીટ રાઠોડ*/
૧૫ મી ઓગસ્ટ ૨૦૧૬ એટલે સ્વતંત્ર દિનના ૬૯ વર્ષ થવાના ગણતરીના દિવસો બાકી છે. આ દિને દેશના નરેન્દ્રભાઈ મોદી, પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપરથી પોતાની મનની વાત મુકશે. પણ ખુબ દુઃખ સાથે કહેવું પડે છે કે આઝાદીના ૬૯ વર્ષો પછી ગુજરાતમાં દલિત સમાજ “આભડછેટ” અને “અત્યાચાર” ની ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ નથી.
ઉના દલિત અત્યાચારના બનાવમાં આજદિન સુધી અને થાનગઢ હત્યાકાંડના બનાવ સમયે ગુજરાતના ચાલુ મુખ્યપ્રધાન હોવા છતાં થાનગઢના પીડિત દલિત પરિવારો માટે પોતાના મનની વાત ક્યાં કારણથી કહી શક્યા નથી તેનું વ્યાજબી કારણ આ દેશના ૧૬ કરોડ દલિતો જાણવા માંગે છે.
ગુજરાત સરકાર દ્વારા બંધારણીય અધિકારના ભંગના બનાવોમાં દલિત સમાજને ન્યાય અપાવવામાં ભેદભાવ ભર્યું વલણ દાખવેલ હોવાનું સાબિત થાય છે. ગઈ તારીખ ૨૨ અને ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ગામે પોલીસે ફાયરીંગ કરીને (૧). પંકજ અમરસિહ સુમરા (૨). મેહુલ વાલજીભાઈ રાઠોડ (૩). પ્રકાશ બાબુભાઈ પરમાર. આ ત્રણ દૂધમલ દલિત યુવાનોની જાહેરમાં નિર્મમ હત્યા કરવામાં આવ્યાની ધટનાને ચાર વર્ષ વીતવા છતાં ભોગ બનેલ દલિત યુવાનોના માતા-પિતા તેમજ કુટુંબી જનો, ન્યાયથી વંચિત રહ્યા હોઈ, ગુજરાતની વર્તમાન સરકારે, પટેલો પોતાના અને દલિતો પારકા જેવો ધાટ ઘડાયો છે.
તાજેતરમાં પટેલ અનામત આંદોલનના તોફાનોમાં પોલીસ અત્યાચારમાં માર્યા ગયેલા મૃતકોના પરિવારોને લાખો રૂપિયા ભા.જ.પ.સરકારના પટેલ મુખ્યમંત્રી દ્વારા ખાસ કિસ્સા તરીકે આપ્યા અને વધુમાં પટેલ સમાજ ઉપર તોફાનો દરમ્યાન થયેલ કેશો પણ પાછા ખેચ્યાની જાહેરાત કરીને પટેલ પ્રેમ બતાવ્યો પણ થાનગઢના ત્રણ દલિત યુવાનોના મોતમાં આજદિન સુધી કેમ દલિત પ્રેમ જોવા મળતો નથી. શું અમે આ દેશના નાગરિક નથી?
ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી કરતી ભા.જ.પ સરકારમાં થાનગઢ હત્યાકાંડની ઉચ્ચકક્ષાની તપાસ સમિતનો અહેવાલ ૧-૫-૨૦૧૩ રજુ થયેલ છે. પણ કમનસીબે ત્રણ ત્રણ વર્ષથી આ અહેવાલ મુખ્યમંત્રીના કાર્યાલયમાં ધૂળ ખાય છે.
ગુજરાતમાં દલિતો ઉપર દર વર્ષે ૧૧૦૦ અત્યાચારોના બનાવ બને છે જેમાં અનામત ઉપર ચુંટાયેલ ૧૩ દલિત ધારાસભ્યો અને ૨ સંસદસભ્યો સહીત શાષક પક્ષ અને વિરોધ પક્ષની મૌન ભૂમિકા જોવા મળે છે, જે ખુબજ દુખની બાબત છે.
માંગણીઓં:
- થાનગઢ હત્યાકાંડની નોંધાયેલ ફરીયાદોની તપાસ તાત્કાલિક CBI ને સોપો.
- ગુન્હા રજી નં ૭૨/૨૦૧૨ અને ૭૩/૨૦૧૨ ની ફરિયાદની “સી” સમરી રદ કરો.
- થાનગઢ હત્યાકાંડની ફરિયાદ ૭૧/૨૦૧૨ નો કેશ સુરેન્દ્રનગરની કોર્ટમાંથી અમદાવાદ સેશનકોર્ટમાં ટ્રાન્સફર કરો.
- થાનગઢ હત્યાકાંડ કેશના ઝડપી નિકાલ માટે ખાસ કોર્ટ બનાવો અને ખાસ સરકારી વકીલની નિમણુક તાત્કાલિક કરો.
- ચાર વર્ષથી પડતર રહેલ થાનગઢ હત્યાકાંડનાં કેસનો નિકાલ છ માસમાં નિકાલ કરી દોષિતોને સજા આપો.
- થાનગઢ હત્યાકાંડનો તપાસ અહેવાલ મૃતકના પરિવારને આપી જાહેર કરો. અહેવાલમાં કરેલ ભલામણ મુજબ કાર્યવાહી કરો.
- પટેલ અનામત આંદોલન સમયે પટેલ સમાજ ઉપર થયેલ કેશો પાછા ખેચ્યા, તો હવે ઉના દલિત અત્યાચારના આંદોલનમાં અને થાનગઢ આંદોલનમાં સમગ્ર રાજ્યમાં દલિત સમાજ ઉપર થયેલ પોલીસ કેશો દિન-૧૦ માં પાછા ખેચો.
- પટેલ અનામત આંદોલન સમયે પોલીસ અત્યાચારમાં પટેલ સમાજના મૃતક યુવકોને ચૂકવેલ લાખોની સહાયની યોજના મુજબ ઉના દલિત અત્યાચારના આંદોલન અને થાનગઢ આંદોલનમાં સમગ્ર રાજ્યમાં દલિત સમાજ ઉપર પોલીસ અત્યાચારના ભોગ બનેલ પીડિત પરિવારોને સહાય ચૂકવો.
ઉપરોક્ત માંગણીઓમાં ભા.જ.પ સરકાર જો તાત્કાલીક નિર્ણય નહિ કરે તો સમગ્ર દલિત અને શોષિત સમાજ વર્ષ ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં મતની તાકાતનો પરચો બતાવશે.
આજથી થાનગઢ હત્યાકાંડના પીડિત પરિવારો ગાંધીનગર ખાતે અચોક્ક મુદતના ધરણા ઉપર ઉતરેલ છે.
- તારીખ – ૦૧/૦૮/૨૦૧૬
- સ્થળ – ઉપવાસી છાવણી, ઘ -૩, ગાંધીનગર.
થાનગઢ હત્યાકાંડના બનાવોને લગતી અગત્યની માહિતી
- ૨૨/૯/૨૦૧૨ – પ્રવીણભાઈ હમીરભાઈ દ્વારા પાંચ આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ગુ.ર.નં – ફસ્ટ ૬૩/૨૦૧૨ મુજબ ફરિયાદ કરી. સુરેન્દ્રનગર સ્પે.એટ્રો કેશ નં -૪૩/૧૪ છે. કેશ કોર્ટમાં પેન્ડીંગ છે
- ૨૩/૯/૨૦૧૨ – કે.પી.જાડેજા (P.S.I) દ્વારા ૮ દલિતો ને ૨૦૦ જેટલા દલિત સમાજના ટોળા વિરુદ્ધ I.P.C ની કલમ – ૩૦૭ અને અન્ય કલમો હેઠળ ગુ.ર.નં – ફસ્ટ ૬૮/૨૦૧૨ મુજબ ફરિયાદ કરી. આ કેશ ચોટીલા કોર્ટમાં પેન્ડીંગ છે.
નોંધ- આ કેશમાં ફરિયાદી અથવા સાહેદોને દલિત સમાજના ટોળાઓએ સમગ્ર બનાવ દરમ્યાન પોલીસ, હોમગાર્ડ અથવા અન્ય કોઈનું ખૂન કરવાની કોશિષ કરેલાનું તેમજ સરકારી માલ મિલકતને નુકશાન કરી આગ લગાડવાનો પ્રયાસ કર્યાનું તપાસ દરમ્યાન જણાયેલ ન હોઈ CID ક્રાઈમ દ્વારા IPC – ૩૦૭ જેવો ગંભીર ગુનો બન્યો ન હોઈ આ કલમ રદ કરવાનો રીપોર્ટ આપેલ છે.
- ૨૩/૯/૨૦૧૨ – સી.આર.કોટડ (Dy.s.p). લીમડી દ્વારા ૧૫ દલિતો વિરુદ્ધ I.P.C ની કલમ – ૩૦૭ અને અન્ય કલમો હેઠળ ગુ.ર.નં – ફસ્ટ ૬૯/૨૦૧૨ મુજબ ફરિયાદ કરી.
નોંધ – આ બનાવમાં એક દલિત વ્યક્તિની ધરપકડ કરીને ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ છે. અને હાલ કોર્ટમાં કેશ પેન્ડીંગ છે. બાકીના આરોપી પડવાના બાકી હોવાનું પોલીસ કહે છે.
- ૨૬/૯/૨૦૧૨ – અમરશીભાઈ લાખાભાઈ સુમરા (મૃતક પંકજના પિતા) દ્વારા કે.પી.જાડેજા સહીત ૫ આરોપીઓ વિરુદ્ધ I.P.C ની કલમ – ૩૦૨ અને અન્ય કલમો હેઠળ ગુ.ર.નં – ફસ્ટ ૭૧/૨૦૧૨ મુજબ ફરિયાદ કરી.
નોંધ – આ ફરિયાદના આરોપી બી.સી. સોલંકી (PSI) ની ધરપકડ હજુ સુધી કરેલ નથી. આ બનાવ સ્પે. એટ્રો કેશ નં – ૧૮/૨૦૧૪ થી સુરેન્દ્રનગર કોર્ટમાં પેન્ડીંગ છે.
- ૨૬/૯/૨૦૧૨ – વાલજીભાઈ બેચરભાઈ રાઠોડ (મૃતક મેહુલના પિતા) દ્વારા કે.પી.જાડેજા સહીત ૫ આરોપીઓ વિરુદ્ધ I.P.C ની કલમ – ૩૦૨ અને અન્ય કલમો હેઠળ ગુ.ર.નં – ફસ્ટ ૭૨/૨૦૧૨ મુજબ ફરિયાદ કરી. જેમાં પોલીસે તપાસના અંતે “સી” સમરી ભરી છે.
- ૨૬/૯/૨૦૧૨ – નટુભાઈ આલાભાઇ પરમાર (મૃતક પંકજના કાકા) દ્વારા કે.પી.જાડેજા સહીત ૫ આરોપીઓ વિરુદ્ધ I.P.C ની કલમ – ૩૦૨ અને અન્ય કલમો હેઠળ ગુ.ર.નં – ફસ્ટ ૭૨/૨૦૧૨ મુજબ ફરિયાદ કરી. જેમાં પોલીસે તપાસના અંતે “સી” સમરી ભરી છે.
આયોજક: થાનગઢ હત્યાકાંડના પીડિત પરિવારો.