ઉર્વીશ કોઠારી/
હિઝ્બુલ મુજાહિદ્દીનના યુવાન ત્રાસવાદી બુરહાનને ભારતીય સૈન્યે ઠાર માર્યા પછી, કાશ્મીર વધુ એક વાર અશાંત બન્યું છે. બુરહાનને વીરગતિ પામેલા નાયક જેવું સન્માન આપતો લોકજુવાળ ઊભો થયા પછી કાશ્મીરમાં અસ્થિરતાનું નવું પ્રકરણ શરૂ થયું હોય એવું લાગે છે.
કાશ્મીરની સમસ્યાના ગુંચવાયેલા છેડા છૂટા પાડવાનું કે તેની ઓળખ કરવાનું પણ આસાન નથી. તેમાં ઇતિહાસ, ધર્મ, રાજકારણ, પ્રાદેશિક અસ્મિતા, અત્યાચારો, સુશાસનનો અભાવ, રાષ્ટ્રિય એકતા જેવી વિસ્ફોટક બાબતોની ભયાનક ભેળસેળ થયેલી છે.
મુસ્લિમ બહુમતી ધરાવતા રજવાડા તરીકે કાશ્મીર પાકિસ્તાન સાથે ભળી જાય, તેની સામે શરૂઆતના તબક્કે સરદાર પટેલને કશો વાંધો ન હતો. કાશ્મીરના મહારાજા હરિસિંહ કાશ્મીરને સ્વતંત્ર રાખવા ઇચ્છતા હતા, જે શક્ય ન હતું. સરહદી કબાઇલીઓની સાથે વેશ બદલીને પાકિસ્તાની સૈન્યે કાશ્મીર પર આક્રમણ કર્યું. તેમણે શ્રીનગર કબજે કરી લીધું હોત, પણ એ લોકો લૂંટફાટમાં અટવાયા. દરમિયાન મહારાજાએ દબાણ નીચે, અમુક શરતોને આધીન ભારત સાથે જોડાવાના કરાર કર્યા, જેમાંની એક શરત કાશ્મીરના ભાવિનો આખરી ફેંસલો પછીથી નક્કી કરવાની હતી.
ભારત સાથે ઔપચારિક જોડાણ થતાં ભારત કાશ્મીરમાં લશ્કર મોકલી શક્યું અને શ્રીનગરને બચાવી શક્યું. આ કાર્યવાહીમાં પાકિસ્તાને કાશ્મીરનો મોટો હિસ્સો પચાવી પાડ્યો. આ ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો હતો, જે સૈન્યબળથી કે મંત્રણાથી ઉકેલી શકાત. પરંતુ પંડિત નેહરુએ તેને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઇ જઇને આંતરરાષ્ટ્રિય બનાવ્યો. (રાષ્ટ્રસંઘની સલામતી સમિતી-સિક્યોરીટી કાઉન્સિલને સરદાર પટેલ કટાક્ષમાં ‘ઇનસિકયોરિટી કાઉન્સિલ’ કહેતા હતા) સંયુક્ત રાષ્ટ્સંઘે કાશ્મીરમાં લોકમત યોજવા કહ્યું. પંડિત નેહરુએ આંતરરાષ્ટ્રિય મંચ પરથી લોકમત યોજવાનો વાયદો પણ કર્યો. એ સંભવતઃ કાશ્મીરના મુસ્લિમોમાં શેખ અબ્દુલ્લાની લોકપ્રિયતા પર મુસ્તાક હશે. કેમ કે, શેખ ત્યારે કાશ્મીરના ભારતમાં જોડાણની તરફેણમાં હતા.
લોકમત યોજવા માટે બન્ને દેશોએ પોતપોતાનાં સૈન્યો ખસેડવાનાં થાય. એ કામ પરસ્પર વિશ્વાસ વિના અઘરું હતું. એટલે લોકમત યોજવાનું પાછું ઠેલાતું રહ્યું.
દરમિયાન, ભારતના બંધારણમાં ૩૭૦મી કલમ અંતર્ગત કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો, જેમાં સૈન્ય, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર જેવી મૂળભૂત બાબતો સિવાય કાશ્મીરને સ્વાયત્તતા આપવામાં આવી હતી. ૧૯૫૧માં કાશ્મીરમાં પહેલી ચૂંટણી યોજાઇ અને ભારતતરફી શેખ અબ્દુલ્લા ચૂંટણી જીતી ગયા. સંયુક્ત રાષ્ટ્રસંઘે આ ચૂંટણી સામે નારાજગી જાહેર કરી અને કહ્યું કે આવી ચૂંટણીઓ લોકમતનો વિકલ્પ બની શકે નહીં. માટે, લોકમત યોજવાનું તો હજી ઊભું જ રહે છે.
ત્યાં સુધી શેખ અબ્દુલ્લાના જોરે આશ્વસ્ત પંડિત નેહરુને લોકમતનો વાંધો ન હતો. પણ ચૂંટણીવિજય પછી થોડા સમયમાં શેખે કાશ્મીરની આઝાદીનો રાગ આલાપવાનું શરૂ કર્યું. એ ઘડીથી પંડિત નેહરુએ મનોમન લોકમતના વિકલ્પ પર ચોકડી મૂકી દીધી હશે. કારણ કે શેખના ટેકા વિના લોકમત યોજાય તો મુસ્લિમ બહુમતીને કારણે પરિણામ અચૂક ભારતના વિરોધમાં જાય. અલબત્ત, લોકમત ટાળવા માટે આગામી એકાદ દાયકા સુધી સત્તાવાર રીતે ભારત દ્વારા અપાતું એક કારણ એવું હતું કે ભારત સેક્યુલર-ધર્મનિરપેક્ષ દેશ છે અને કાશ્મીરમાં લોકમત યોજાય તો તેમાં ધર્મ અચૂક કેન્દ્રસ્થાને રહે, જે ભારતની ધર્મનિરપેક્ષતાને અનુરૂપ નથી.
૧૯૫૬માં જમ્મુ-કાશ્મીરની વિધાનસભાએ રાજ્યના અલગ બંધારણનો સ્વીકાર કર્યો. (તે પહેલાં વંકાયેલા શેખ અબ્દુલ્લાને બરતરફ કરીને જેલભેગા કરવામાં આવ્યા હતા) તેમાં કાશ્મીરને ભારતનો અવિભાજ્ય હિસ્સો જાહેર કરવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્રસંઘની નારાજગીની અવગણના કરીને પંડિત નેહરુની સરકારે કહી દીધું કે હવે પછી કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેણે ભારત સાથે જોડાવું કે પાકિસ્તાન સાથે, એ મુદ્દે લોકમત યોજવાનો પ્રશ્ન રહેતો નથી. આ વચનભંગ બદલ પાકિસ્તાન-અમેરિકા સહિત ઘણા દેશો અને પ્રસાર માધ્યમોએ નેહરુની કડક ટીકા કરી, પણ તેમણે નમતું જોખ્યું નહીં.
આમ, કાશ્મીર માટે ‘આઝાદી’ની માગણી ૧૯૫૦ના દાયકાથી થતી રહી છે, પરંતુ તેના અર્થો સતત બદલાતા અને વધુ ઘેરા થતા રહ્યા છે. બબ્બે યુદ્ધો છતાં એંસીના દાયકા સુધી આઝાદીની માગણી ઘણી હદે રાજકીય હતી. તેમાં ત્રાસવાદ કે ભારતીય સૈન્યના દમન જેવી બાબતો ભળેલી ન હતી. એટલે પ્રજાના એક સમુહની ‘આઝાદ’ થવાની માગણીની વચ્ચે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ એવી હતી કે સંખ્યાબંધ હિંદી ફિલ્મોનાં શૂટિંગ કાશ્મીરમાં થઇ શકે અને પ્રવાસન ઉદ્યોગ ફૂલેફાલે.
એંસીના દાયકાના અંતભાગમાં ચિત્ર બદલાયું. ચૂંટણીઓ અને લોકશાહી છતાં, રાજ્ય તરીકે કાશ્મીર પછાત જ રહ્યું. નાગરિકી સુવિધાઓ અને રોજગારીની તકોની બાબતમાં ત્યાં ભાગ્યે જ કશી પ્રગતિ થઇ. તેના કારણે સ્થાનિક લોકોમાં બેદિલી જાગે એ સ્વાભાવિક હતું. આવી બેદિલી બીજાં રાજ્યોમાં પણ હોઇ શકે. પરંતુ એ રાજ્યોમાં ભારતથી અલગ થવાની માગ ઉઠવાનો સવાલ ન હતો. કારણ કે તેમના માટે એવો કોઇ વિકલ્પ કે એ માગણીનો કશો આધાર ન હતો.
કાશ્મીરની સ્થિતિ જુદી હતી. ત્યાં અલગ પડવાની- આઝાદ થવાની વાત સદંતર ઓસરી હોય એવું કદી બન્યું ન હતું.
લોકશાહી સરકારોના કુશાસનથી ઊભા થયેલા અસંતોષમાં પાકિસ્તાની દોરીસંચાર અને અફઘાનિસ્તાનમાંથી નવરા પડેલા હથિયારધારી મુજાહિદો (‘ધર્મયોદ્ધા’) ભળ્યાં. અફઘાનિસ્તાનમાં ઘૂસેલા રશિયન સૈન્ય સામે અમેરિકાએ જ (ઓસામા બિન લાદેન સહિતના) મુજાહિદોને આધુનિક હથિયાર આપ્યાં હતાં. ૧૯૮૯માં રશિયન સૈન્યને અફઘાનિસ્તાનમાંથી નીકળવું પડ્યું. એટલે અમેરિકન શસ્ત્રો અને પાકિસ્તાનનો ટેકો ધરાવતા મુજાહિદોએ કાશ્મીરને નિશાન બનાવ્યું. ત્યાર પછી ત્રાસવાદનો, ભારતવિરોધી-હિંદુવિરોધી હિંસાનો અને ભારતીય સૈન્ય દ્વારા દોષીની સાથોસાથ નિર્દોષો પર અત્યાચાર-હિંસાના વિષચક્રનો સિલસિલો શરૂ થયો. એ સાથે કાશ્મીર સમસ્યાનું આખું પરિમાણ બદલાઇ ગયું, જેના માટે જવાહરલાલ નેહરુને દોષ આપી શકાય આપી શકાય એમ ન હતો.
બે છેડાના અંતિમવાદ વચ્ચે જીવતા સામાન્ય કાશ્મીરીઓને હંમેશાં એવો ધોખો રહ્યો કે ભારત કાશ્મીરની જમીનને ભારતનું અવિભાજ્ય અંગ ગણે છે, પણ કાશ્મીરના નાગરિકોને ભારતના નાગરિકો સમકક્ષ ગણવાને બદલે, તેમની સાથે ઓરમાયું વર્તન રાખે છે. ત્રાસવાદીઓના મુકાબલા માટે સૈન્યને અમર્યાદ સત્તા આપતો કાયદો થયા પછી સૈન્યે પણ ન કરવા જેવું ઘણું કર્યું છે.
ભારતીય દૃષ્ટિકોણથી જ નહીં, કોઇ પણ દૃષ્ટિકોણથી કાશ્મીરીઓની આઝાદીની માગણી અવાસ્તવિક લાગે છે. કારણ કે આજુબાજુમાં ચીન-પાકિસ્તાન હોય ત્યારે ‘આઝાદી’ મળે તો પણ ટકાવવી અશક્ય છે. પરંતુ એ લાગણી-માગણીને સૈન્યબળથી કચડી શકાય એમ નથી. પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવની ખાઇ પુરાય તથા કાશ્મીરીઓને ભારતીય નાગરિક તરીકેના ગૌરવનો અહેસાસ થાય, એ જ લાંબા ગાળાનો, મુત્સદ્દીગીરી માગતો, અઘરો છતાં ટકાઉ ઉકેલ જણાય છે.
—
સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.in/