પુજય મોરારીબાપુ,
મારી ઉમંર ત્યારે લગભગ દસ વર્ષની હશે, આ વાત લગભગ ચાલીસ વર્ષ પહેલાની કરી રહ્યો છુ, મેં તમને પહેલી વખત અમદાવાદના નવરંગપુરા હોમગાર્ડ ગ્રાઉન્ડમાં જોયા હતા, ત્યારે કથા સાંભળવા માટે બહુ ઓછા લોકો આવ્યા હતા, હું પણ મારા દાદા સાથે આવ્યો હતો, જો કે મારો સ્વાર્થ કથા કરતા દાદા કઈક ખાવાની વસ્તુ લઈ આપે તે વધુ હતો. ઓછા માણસોમાં પણ તમે સુંદર કથા કરતા હતા, ત્યાર પછી કદાચ મેં તમને રૂબરૂમાં જોયા નથી, હા ટીવીમાં જયારે પણ તમારો અવાજ સંભળાય અથવા તમને જોઉ તો થોડીવાર તો તમને સાંભળવા આજે પણ ચોક્કસ રોકાઈ જઉ છુ.
ખબર નહીં કેમ પણ તમે જે રીતે કથા કરો છો તે રીત મને ગમે છે,કથા કહેતી વખતે તમે ખુદ પણ રામાયણનું એક પાત્ર હોવ તેવો મને ભાસ થાય છે., સીતામૈયાની વાત કરતા તમારી આંખમાં આંસુ આવે , ત્યારે મારી પાંપણો ભીની થાય છે. તમે મને કોઈ પણ કારણ વગર ગમો છો, પણ હું જેને પસંદ કરૂ છુ તેવા મોરારીબાપુ કંઈ જ બોલે નહીં તેને લઈ છેલ્લાં કેટલાય દિવસોથી મારૂ મન ગુચવાયા કરતુ હતું, આખરે મેં તમને તટસ્થ અને નીખાલસ ભાવે પત્ર લખવાનો નિર્ણય કર્યો.
બાપુ મેં તમને સાંભળ્યા છે તમારી ઉપર ભગવાન રામનો જેટલો પ્રભાવ છે, એટલો જ મહાત્મા ગાંધીનો છે તેવુ કહીશ તો ખોટો પડીશ નહીં તેવો વિશ્વાસ છે. તમે હમણાં સુધી કેટલી કથાઓ કરી મને ખબર નથી, પણ પહાડોમાં, દરિયામાં, મંદિરોમાં અને મઠોમાં કલબોમાં અને જંગલોમાં ભારતમાં અને વિદેશોમાં કદાચ વિશ્વનો કોઈ ખુણો બાકી હશે નહીં, બાપુ તમે સંવેદનશીલ સંત છો, હજારો વર્ષ પહેલા લખાયેલુ રામાયણ તમને રડાવી શકે છે, પણ તમારા ભાવનગરના તલગાજરડાથી માત્ર સવાસો કિલોમીટર દુર ઉનામાં દલિતોને ક્રુરતાપુર્વક મારવામાં આવે છે ત્યારે તમે શાંત કેવી રીતે બેસી શકો…સમાજ ઉપર તમારી પક્કડ છે, ઈશ્વરને લોકોએ જોયો નથી, પણ તમે જયારે કથા સંભળાવો છો ત્યારે લોકો તમને ઈશ્વરના દુત તરીકે સાંભળે છે. ત્યારે તમને કહેતા સારૂ લાગતુ નથી છતાં કહુ છુ બાપુ તમારી જવાબદારી અનેક ઘણી વધી જાય છે.
બાપુ પણ તમે અને મેં જે ઈશ્વરને કયારેય જોયા નથી તેની વાત કરી છીએ ત્યારે આપણી આંખ સામે દલિતો ઉપર એક ચોક્કસ જાતીમાં જન્મ લેવાને કારણે મારવામાં અને રોજ મૃત્યુ સમાન ધીક્કાર મળે ત્યારે પણ તમે કઈ બોલતા નથી. તમે સાહિત્યના પણ માણસ છો, તમારે ત્યાં દર વર્ષે મોટી સંખ્યામાં વિધ્વાન સાહિત્યકારોનો મેળાવડો થાય છે. મને તેમનું પણ આશ્ચર્ય છે. તે બધા જ તમારી જેમ શાંત છે. બાપુ તમારે બોલવુ પડશે તમે જે રામ રાજયની વાત કરો છો, તે આપણાથી અનેક ઘણુ દુર જઈ રહ્યુ છે. તમારે સમાજના તમામ પીડીતો માટે બોલવુ પડશે., તમારી આંખોએ તેમના માટે ભીની થવુ પડશે અને તમારે સમાજ અને સરકાર બન્નેને વઢવુ પણ પડશે, નહીંતર રામ રાજય ઉપર રાવણ રાજ હાવી થઈ જશે જયાં તમારી કથાનો કોઈ અર્થ સરસે નહીં.
તમે તો શાંત છો, ગુજરાતમાં જેમના નામના મોટા મંદિરો અને આશ્રમો છે તેઓ પણ કઈ બોલતા નથી તેમને પણ પોતાના મંદિરોની સંખ્યામાં વધારો કરવામાં અને લાઈટ સાઉન્ડ શો કરવામાં જ રસ છે. આ ઉપરાંત વારે તહેવારે ગુજરાત આવતા બાબા રામદેવ અને શ્રીશ્રી રવિશંકર પણ ભુગર્ભમાં જતા રહ્યા છે, ખેર બાપુ તેમના અંગે હું કઈ ખાસ કહેતો નથી, પણ તમે તો અમારા ગુજરાતી સંત છો. સંતને કોનો ડર , કારણ તે તો બધાથી પર હોય છે.
બાપુ ફરી વિનંતી કરૂ છુ, તમે કંઈક કહો, માણસને માણસ થવાની સલાહ આપો નહીંતર પેઢીઓ સુધી કથા કરવાનો કોઈ અર્થ નથી.કથાકાર થયા તે પહેલા તમે એક શિક્ષક હતા, તોફાની છોકરાઓને સોટી પણ ફટકારતા હશો આજે ફરી તમારે વંઠી ગયેલા સમાજ માટે ધર્મની સોટી ઉપાડવી પડશે, નહીંતર ગુજરાતીઓ માણસાઈની પરિક્ષામાં નાપાસ થઈ થશે જેની જવાબદારી તમારી અને તમારા જેવા સંતોની રહેશે.
આપનો
પ્રશાંત દયાળ
—
સૌજન્ય: http://pdgujarat.blogspot.in/
वाह, बहुज सारी रीते लख्यु अने सौनु पण घ्यान खेच्यु. तमारा प्रयत्न अने कोशिसने सफलता मले एवी दुआ छे.
Good show. Keep it up. For walking alone in the darkness one torch is enough. So keep on walking.