દિગરાજસિંહ ગોહિલ/
સૌરાષ્ટ્રના ઉનામાં મરેલા ઢોરની ચામડી ઉતારતા દલિતોને ક્રુરતાપૂર્વક માર મારવાની અમાનવીય ઘટના એટલા માટે ચર્ચામાં રહી કેમ કે તેના પુરાવા તરીકે વીડિયો સામે આવ્યો અને સોશિયલ મીડિયા દ્વારા લોકોએ જાણ્યું કે ઓહ ખરેખર આવો અત્યાચાર…. વાસ્તવમાં દલિતો પર આનાથી પણ ક્રુર અત્યાચારની ઘટનાઓ અવાર નવાર સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં બાકી વિસ્તારોમાં બને છે. દલિત સમાજમાં જન્મ ભલે ન લીધો હોય પણ તેમની સાથે પળાતો આભડછેટનો અનુભવ બહુ જ નજીકથી મે પણ કર્યો છે.
ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના દલિતો મજૂરી સાથે સંકળાયેલા છે. કેમ કે તેમને કહેવાતા સવર્ણોએ મજૂરીમાંથી ઉપર આવવા જ નથી દીધા. જે દલિતોએ ઉનામાં ક્રુરતા પૂર્વકના મારને સહન કર્યો તેઓ વર્ષોથી આ પ્રકારના અત્યાચાર વચ્ચે જ જીવી રહ્યા છે. અમદાવાદના દલિત પર આ પ્રકારનો જૂલમ ગુઝારતા વિચાર કરવો પડે પણ ગ્રામીણ વિસ્તારનો દલિત હજુ વધુ દબાયેલો અને ડરથી થરથરે છે કે ક્યાંક સવર્ણો મારા ઘરે આવીને મારી મા દિરકીઓને ઉઠાવી જશે તો….. મજૂરી ક્યાં કરવા જઇશ…. અંતે તો સવર્ણો પર જ આર્થિક રીતે નભેલો છે દલિત એટલે આ ભય તેને સતત ડરાવતો રહે છે.
ગુજરાતના અનેક ગ્રામીણ વિસ્તારોમાં સવર્ણોએ દલિતોને મળેલી જમીન વર્ષોથી પચાવી પાડી છે. આ જમીન પર કબજો તો દુર તેની નજીક દલિતોને ભટકવા પણ નથી દેવાતા. દલિતોને ડર છે કે જો આ જમીન પાછી લેવા જઇશું તો જમીન પાછી તો નહીં મળે ઉલટા સવર્ણોના અત્યાચારથી બચવા ગામ છોડી દેવું પડશે.
ખેતીની જમીનો મોટાભાગે સવર્ણોના કબજામાં છે. ત્યા દાડીયુ એટલે કે મજૂરી દલિતો કરે છે. મજૂરી કરવા દલિતોની મહિલાઓ ને દિકરીઓ પણ મજબુર છે. એક સમયે મામૂલી 50 રુપિયામાં આખો દિવસ કામ કરાવાતું. વળી ખુલ્લા ખેતરોમાં ધોમ ધકતા તડકામાં બરડા કાળા થઇ જાય, માથુ ફાટી જાય તેવી સ્થિતિમાં મજૂરી બદલ માત્ર મામલુ 50 રુપિયા અપાતા, આજે પણ આ જ પ્રકારની મજૂરી દલિતો કરવા મજબૂર છે. બસ માત્ર થોડુ ઘણુ વળતર વધ્યું.
કેટલાક દલિત ખેત મજૂરો સવર્ણ માલિકો પાસેથી લોન લે છે, જેને સૌરાષ્ટ્રમાં ઉપાડ કહેવાય છે. આ ઉપાડ લીધા બાદ તેને ભરપાઇ કરવો મુશ્કેલ થઇ જાય છે. બાદમાં માનસીક ત્રાસ આ દલિત ખેત મજૂરને આપવાનું શરુ થાય છે. તેમની મહિલાઓ સાથે મજબૂરીનો લાભ લઇને બળાત્કાર પણ થાય છે. અંતે લોનનું ભારણ વધી જવાથી આ દલિત ખેત મજૂર આત્મહત્યા કરી લે છે.
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ધુળેટી, હોળીનું મહત્વ છે. ગ્રામીણ વિસ્તારોમાં જે હોળી પ્રગટાવાય છે તેમાં છાણા ને લાકડા વગેરેનો ઉપયોગ થાય છે. આ પદાર્થોમાં જીવાત પણ હોય છે, જ્યારે હોળી પ્રગટાવાય ત્યારે આ જીવાત પણ નાશ પામે છે. ગ્રામીણ વિસ્તારમાં આજે પણ એવી માન્યતા છે કે જે લોકો આ હોળી પ્રગટાવે તેને આ જીવાતની હત્યાનું પાપ લાગે છે. માટે ગામના ગરીબ ચમારને આ કામ માટે આગળ કરાય છે. જો દલિત આ હોળી પ્રગટાવવા ન આવે તો ગામના લોકો તેની સાથેનો વ્યવહાર બંધ કરી દેવાની ચીમકા આપે છે.
શહેરોમાં જ્યારે સલૂનની દુકાનોમાં જાવ ત્યારે કદાચ તમને કોઇ તમારી જાત નહીં પૂછે. પણ ગ્રામીણ ગુજરાતમાં આજે પણ જે સલૂનની દુકાનમાં સવર્ણો દાઢી,વાળ કપાવે છે ત્યાં દલિતોને પ્રવેશવાની સ્પષ્ટ મનાઇ છે. જો કોઇ દુકાનદાર દલિતોની દાઢી બનાવે કે વાળ કાપે તો આવા દુકાનદારને ત્યાં સવર્ણો આવવાનું બંધ કરી દે છે.
ગ્રામ પંચાયતમાં એક કર્મચારી રાખવો જરુરી હોય છે. સામાન્ય રીતે આ કર્મચારી પાસે પંચાયતને લગતા કામ કરાવાતા હોય છે પણ સવર્ણોના શાસન વાળા ગામડામાં આ કર્મચારી તરીકે ચમાર કે દલિતને જ પસંદ કરાય છે. તેમની પાસે ગામમાં મરેલા કુતરા કે અન્ય ઢોરને ખેંચીને ગામની બહાર લઇ જવાનું, તેને દાટવાનું કામ કરાવાય છે.
લગ્ન એ ઉમંગ ને આનંદનો પ્રસંગ છે. કેટલાક લગ્ન પ્રસંગોમાં આખા ગામને જમાડવામાં આવે તો કેટલાકમાં આમંત્રીતોને. સવર્ણો દ્વારા લગ્ન પ્રસંગે દલિતોને ખાસ આમંત્રણ અપાય છે એ યાદ કરાવવા કે તમે દલિત છો અને અમારી સામે તમારી આ જ હેસિયત છે. આમંત્રીત દલિતો માટે જમવાના વાસણ તો સવર્ણોથી અલગ હોય જ છે, ઉપરાંત તેને દુર બેસાડવામાં આવે. વળી જ્યારે ભોજન પીરસવામાં આવે ત્યારે પીરસનારો સવર્ણ એ વાતની કાળજી રાખે કે ક્યાંક આ દલિતના વાસણને અડી ગયો તો પણ હું અભડાઇ જઇશ.
ગ્રામીણ વિસ્તારોમાં દલિતો, સવર્ણો અન્ય વર્ગોના રહેણાંક વિસ્તાર અલગ અલગ હોય છે. સવર્ણોના વિસ્તારોમાં એક સમયે દલિતો પ્રવેશ કરતા તો પોતાના જુતા માથે ઉપાડવા પડતા, એવુ નથી કે આજે આવુ નથી. સવર્ણોના કબજા વાળા મંદિરોથી લઇને રહેણાક વિસ્તારોમાં દલિતો પ્રવેશતા ડરે છે. અરે પ્રવેશવાનું દુર રહ્યું જો કોઇ દલિત ભુલથી સવર્ણની સામે આખો ઉઠાવી જુવે તો તેને માર મારવામાં આવે છે.
ઉત્તર ગુજરાતમાં પશુપાલનનો વ્યવસાય સવર્ણો દ્વારા અને જાણે સવર્ણો માટે જ હોય તેવી સ્થિતિ છે. અહીં મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં દલિતો સવર્ણો પર નભે છે. વળી સવર્ણો દ્વારા આ દવિતોને દુધ આપવા માટે પણ કેટલાક દિવસ નક્કી કરેલા છે. જેમ કે બીજના દિવસે દલિતો સવર્ણોના ઘરે દુધ લેવા જાય તો તેમને ના પાડી દેવાશે. એવી માન્યતાઓ છે કે જો આ દિવસોમાં દલિતોને દુધ અપાશે તો પશુઓ દુધ આપવાનું છોડી દેશે.
ગુજરાતમાં દિવાળી અને સાથે નવા વર્ષની ઉજવણી બહુ હર્સોલ્લાસ સાથે થાય છે. વહેલી સવારે લોકો એકબીજાને ભેટે છે, હાથ મિલાવે છે અને શુભેચ્છા પાઠવે છે. સવર્ણોની દલિતો પ્રત્યેની માનસીક સુગ આ દિવસે જાહેરમાં જોવા મળે છે. દલિતો પોતાની માયાને કારણે દિવાળી અને નવા વર્ષની શૂભેચ્છા સવર્ણોને પાઠવશે પણ સામેપક્ષે સવર્ણ દલિતને ભેટવાની વાત તો દુર રહીં તેની સાથે હાથ પણ નહીં મિલાવે, દુરથી જ એક હાથ ઉચો કરી લેશે.
દલિતો મર્યા બાદ પણ આભડછેટનો સામનો કરે છે. સવર્ણોના પ્રભુત્વ વાળા ગામડામાં બે સ્મશાનો હોય છે. એક સ્મશાન ગામના સવર્ણો દ્વારા બનાવવામાં આવ્યું હોય છે, જ્યાં દલિતો પોતાના સ્વજનના મૃતદેહના અંતીમ સંસ્કાર નથી કરી શકતા. એટલે બીજુ સ્મશાન દલિતોએ જાતે ગામથી દુર બનાવેલું હોય છે. એટલે જીવતા જીવ તો ઠીક મર્યા બાદ પણ દલિતોની સાથે આભ઼ડછેટ પળાય છે.
—