ઉના તાલુકાના દલિતો પર ગુજારેલ અત્યાચાર: પોલિસે મુકપ્રેક્ષક બનીને આરોપીઓને બચાવવા જાણી જોઇને બેદરકારી દાખવી

ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામના દલિતો પર ગુજારેલ અત્યાચારનો સંપૂર્ણ વિગતોનો દલિત અધિકાર મંચની ફેક્ટ ફાઈન્ડીંગ કમિટીનો અહેવાલ:
કમિટી મેમ્બર 

૧. કૌશિક પરમાર –સામાજિક કાર્યકર
૨. ડૉ. નીતિન ગુર્જર- વરિષ્ઠ સામાજિક અગ્રણી
૩. સુબોધ પરમાર- વિદ્યાર્થી અને સામાજિક કાર્યકર
૪. કિરીટ રાઠોડ- સામાજિક કાર્યકર અને અગ્રણી
૫. કાન્તીભાઈ પરમાર- સામાજિક અગ્રણી અને કાર્યકર
૬. જગદીશ પરમાર- સામાજિક કાર્યકર
૭. કાન્તીભાઈ મકવાણા- સામાજિક અગ્રણી
૮. બળદેવભાઈ પરમાર- સામાજિક અગ્રણી

૧૧/૦૭/૨૦૧૬ ના રોજ કહેવાતા ગતિશીલ ગુજરાત રાજ્યમાં નિર્દોષ દલિતો પર ગુજારેલ પાશવી અત્યાચારના બનાવની હકીકતની સંપૂર્ણ વિગતો :

ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાથી આશરે 20 કિમી ના અંતરે આવેલા મોટા સમઢીયાળા ગામની સીમમાં નિર્દોષ દલિત યુવાનો તા. ૧૧/૦૭/૨૦૧૬ ના રોજ જયારે મૃત ગાયનું ચામડું ઉતારતા હતા ત્યારે જીવતી ગાય કાપો છો એમ કહીને ગૌરક્ષાની આડમાં ગુંડાગર્દી કરીને પોતાનો ધંધો ચલાવતા લોકોએ તાલીબાની સ્ટાઈલમાં નિર્દોષ દલિતો ઉપર ક્રૂર અને પાશવી અત્યાચાર કરી સખત માર મારેલ. હાલમાં જયારે આ બનાવે આખા ગુજરાતમાં ચકચાર મચાવી છે અને ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે સમગ્ર ઘટનાને બારીકાઈથી જાણવી ખુબ જ જરૂરી બની જાય છે.

તા. ૧૬/0૭/૨૦૧૬ ના રોજ કૌશિક પરમાર, કાન્તીભાઈ પરમાર, કિરીટ રાઠોડ, સુબોધ પરમાર, જગદીશ પરમાર, બળદેવભાઈ પરમાર અને ડૉ. નીતિન ગુર્જર ની બનેલી એક કમિટી રૂબરૂ મુલાકાત લઇ સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોચવા મહેસાણા- અમદાવાદ થઈ ઉના ખાતે પહોચેલ.

આ દરમિયાન ભોગ બનનારા પૈકી ફરિયાદી નામે વશરામભાઇ બાલુભાઈ સરવૈયા સહિત અન્ય બે લોકોની તબિયત બગડતા વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ મોકલેલ. સૌ પ્રથમ કમિટી દ્વારા ૧૭/૦૭/૨૦૧૬ ની રાત્રે આશરે ૧૨:૩૦ થી સવારે ૩:૪૦ સુધી ભોગ બનનાર લોકો અને તેમની સાથે રહેલા લોકો તથા રાજકોટના સ્થાનિક લોકો પાસેથી બનાવની હકીકતોનો તાગ મેળવવાનો પ્રયત્ન કરેલ અને ફરિયાદની F.I.R મેળવીને અભ્યાસ કરેલ. F.I.R નં. 0ફ.૧૨૭/૧૬, તા. ૧૧/૦૭/૨૦૧૬ ના રોજ સાંજે ૧૯/૩૦ એ દાખલ થયેલ જેમાં I.P.C કલમ ૩૦૭, ૩૯૫, ૩૨૪,૩૨૩, ૫૦૪, જીપી એક્ટ કલમ ૧૩૫ અને એટ્રોસીટી ૩(૨) ૫ મુજબની કલમો લગાવેલ. ભોગ બનનાર અને એમના સગા જોડે વાતચીત કરતા તેમજ તેમના દ્વારા બતાવવામાં આવેલ વાયરલ થયેલ વિડીયો ઉપરાંત વધુ વિડીયો જોતા જાણવા મળેલ કે બનાવના જે વિડીયો વાયરલ થયેલા એ તો થોડા અંશમાત્ર જ હતા.

જે ઘટના બની છે તે ઘટના સ્થળે નિર્દોષ યુવકો અને એમના પરિવારજનોને કુલ ૩૫ થી ૪૦ લોકો માર મારતા દેખાય છે જેમાં અમુક વ્યક્તિઓ વાતચીત દરમિયાન એકબીજાના નામ પણ ઉચ્ચારે છે. આ વિડીયો જોતા અને ત્યાં ઉપસ્થિત પરિવારજનો તથા ભોગ બનનાર જોડે વાતચીત દરમિયાન માલુમ પડ્યું કે જે F.I.R દાખલ થઇ છે તેમાં ઘણી બધી કલમો ખૂટે છે. તેથી રેંજ IG ને ઉદ્દેશીને કલમોનો વધારો કરવા માટેની અરજી તૈયાર કરેલ જેમાં IPC એક્ટની કલમો ૩૪, ૩૬૪, ૩૫૫, ૧૨૦ B, ૫૦૬ (૨), ૧૪૧, ૧૪૨, ૧૪૩,૧૪૪,૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને એટ્રોસીટી એકટની ૩(૧) (d), ૩ (૧) (e), ૩(૧) (i), ૩ (૧) (r), ૩ (૧) (s), ૩ (૧) (w) (i) (ii) મુજબની કલમો ઉમેરવા રજૂઆત કરેલ અને ઘટનાના બીજા વિડીયોની એક DVD બનાવીને જુનાગઢ જવા રવાના થયેલ.

તા. ૧૭/૦૭/૨૦૧૬ ના રોજ સવારે આશરે ૭:૧૫ ની આસપાસ જુનાગઢ સિવિલમાં પહોંચી બપોરે ૧૨ વાગ્યા સુધી ભોગ બનનાર પૈકી બાલુભાઈ, કપીલાબેન અને એમના પુત્ર સાથે ચર્ચા કરેલ જેમાં નીચે મુજબની ચોંકાવનારી હકીકતો જાણવા મળેલ.

સૌ પ્રથમ અત્રે એ જાણવું એ ખુબ જ જરૂરી છે કે મુખ્ય ફરિયાદીના પિતા બાલુભાઈ સરવૈયા મૃત પશુઓના ચામડાના વ્યવસાય સાથે ખુબ જ લાંબા સમયથી જોડાયેલા છે અને આસપાસના ગામમાં કોઈ પશુનું મૃત્ય નીપજે તો તેનો નિકાલ કરી એના ચામડાનો વ્યવસાય પણ તેઓ જ કરે છે.

ગામના હાલના સરપંચ પ્રફુલભાઈ કોરાટ યેનકેન પ્રકારે બાલુભાઈને વિવિધ રીતે હેરાન પરેશાન કરે છે, એમનું મકાન તોડી પાડવા અવારનવાર નોટીસો પણ આપે છે. લગભગ છ(૬) માસ અગાઉ સરપંચ સાથે સામાન્ય બોલાચાલીમાં સરપંચ પ્રફુલ્લભાઈએ ધમકીભર્યા સ્વરમાં બાલુભાઈને જણાવેલ કે “તું હાલ જે ધંધો કરે છે તે બંધ કરી દેજે, તારી મારેલી ગાય ગમે ત્યારે જીવતી થશે અને ત્યારે તને ભારે પડી જશે”. જોકે, સરપંચ પ્રફુલ્લભાઈની વાતનો બાલુભાઈને અંદાજ ન આવતા ગંભીરતાથી લીધેલ નહિ.

તા. ૧૧/૦૭/૨૦૧૬ ના રોજ બાલુભાઈ પર બાજુના ગામ બેડીયામાંથી ફોન આવેલ અને આહીર નાજાભાઈ દાનાભાઈની ગાય પર સિંહે હુમલો કરીને મારી નાખેલ છે તેમ જણાવી ત્યાંથી મૃત ગાય લઇ જવા કહેલ. ત્યાંથી ગાય લઈને સમઢીયાળા પરત આવ્યા બાદ થોડી વારમાં બાજુના જ ગામ મોતીસરા માંથી પણ જીવાભાઈ કોળીનો ફોન આવેલ અને પોતાની ગાય મરી ગઈ છે તેમ જણાવેલ. તેથી બાલુભાઈ સરવૈયાએ પોતાના દીકરાને મરેલી ગાયો લઇ આવવા જણાવેલ. આમ વારાફરતી બંને ગામોમાંથી બાલુભાઈ સરવૈયાના પુત્ર વશરામભાઇ સરવૈયા મૃત ગાયો લઇ આવેલ અને મોટા સમઢીયાળાથી થોડે દુર અવાવરું જગ્યાએ સીમમાં આશરે ૧૦ વાગ્યાની આસપાસ સરવૈયા વશરામભાઈ, રમેશ સરવૈયા, બેચરભાઈ સરવૈયા તથા અશોકભાઈ સરવૈયા લાવેલ મૃત ગાયોનું ચામડું ફાડતા હતા.

આ દરમિયાન ભોગ બનનારના જણાવ્યા અનુસાર એક ૪ વ્હીલર ગાડી આવેલ અને આ લોકોને જોઇને તરત જ નીકળી ગયેલ. બાદમાં થોડી જ વારમાં બે ૪ વ્હીલર અને ૩૦ થી ૩૫ જેટલા ૨ વ્હીલરનો મોટો કાફલો લાકડી અને લોખંડની પાઈપો વડે એક સાથે ધસી આવેલ અને “સાલાઓ જીવતી ગયો કાપો છો” એમ કહીને અત્યંત ગંદી ગંદી ગાળો બોલવા લાગેલ અને લાકડીઓ પાઈપોથી માર મારવા લાગેલ. ગડદાપાટું સહીત અત્યંત ગંદી ગાળો સાથે તમામ લોકો એ માર મારેલ છે. જો કે આ દરમિયાન ભોગ બનનાર તમામ લોકો એ વારંવાર જણાવેલ કે આ મૃત ગાયો છે અને અમારો આ ધંધો છે. પણ તેઓએ તેમની કોઈ વાત ધ્યાને લીધી નહિ અને ક્રૂર રીતે મારવાનું ચાલુ જ રાખેલ.

આ સમગ્ર ઘટના દરમિયાન ગામના એક દેવીપુજકભાઈએ બાલુભાઈ સરવૈયાને ફોન કરીને જણાવેલ કે ઘણા બધા માણસો સાથે મળીને તમારા છોકરાઓને મારે છે અને મોટી સંખ્યામાં છે. તેથી બાલુભાઈ અને તેમની પત્ની પોતાના દીકરાઓને બચાવવા ઘટનાસ્થળે જવા રવાના થયેલ જ્યાં બે હાથ જોડીને તેમના દીકરાઓને ન મારવા અને આ મૃત પશુઓને ફાડવાનો તેઓ વર્ષોથી ધંધો કરે છે અને આ મૃત ગાયો છે તેમ જણાવેલ. એટલામાં બાલુભાઈના સગા દેવશીભાઈ ઘટના સ્થળે આવ્યા અને જેમની ગાય મારી ગઈ હતી તે બાજુના ગામવાળા નાજાભાઈ દાનાભાઈ ને પણ સાથે લઇ ગયેલ. ઘટનાસ્થળે આવીને નાજાભાઈ એ જણાવેલ કે “આ ગાય મારેલી છે અને મારી છે” પરંતુ કહેવાતા ગૌરક્ષકો એ બાલુભાઈના સગા દેવશીભાઈ અને મૃત ગાયના માલિક નાજાભાઈ બંને ને ગાળો બોલી માર મારી ત્યાંથી જતા રહેવા જણાવેલ. આટલા વિરામ બાદ ફરીથી ત્યાં ઉપસ્થિત તમામ નરાધમોએ પાશવી અત્યાચાર ગુજારવાનું ફરી ચાલુ કરેલ. લગભગ દોઢ કલાક સતત આ લોકોને ઘટના સ્થળે સતત આ લોકોને મારવામાં આવ્યા. બાદમાં સરવૈયા વસરામભાઈ, સરવૈયા બેચરભાઈ, સરવૈયા અશોકભાઈ, સરવૈયા રમેશભાઈના ખમીસ કાઢીને ફરી મારવાનું ચાલુ કરેલ અને ચારેયને જબરદસ્તીથી પોતાની ગાડીમાં બેસાડી ઉના લાવવા માટે નીકળેલ. આ દરમિયાન બાલુભાઈ ને પણ એમની ગાડીમાં બેસાડવા પ્રયત્ન કરેલ પરંતુ તેમને ખુબ જ પ્રતિકાર કરતા આ લોકોએ તેમને માથા પાઈપ ફટકારી લોહીલુહાણ કરેલા અને બાલુભાઈની પત્ની વચ્ચે આવતા એમને પણ મારેલ અને બાલુભાઈ બેભાન થઇ જતાં એમને લઇ જવામાં નિષ્ફળ નીવડેલા.

ચાર નિર્દોષ દલિત યુવકોને ગાડીમાં બેસાડી ઉના તરફ લઇ જતા હતા ત્યારે વચ્ચે પોલીસની ગાડી મળેલ. પોલીસની ગાડી અને કહેવાતા ગૌ રક્ષકોની ગાડી સામસામે મળતા ઉભી રહેલ અને એકબીજા સાથે વાતચીત કરેલ જેમાં કહેવાતા ગૌ રક્ષકોએ જણાવેલ કે અમો આમને ઉના લઇ જઈએ છીએ અને સમા પ્રત્યુતર માં પોલીસે જણાવેલ કે અમો ઘટના સ્થળે જઈને આવીએ છીએ. આ સમગ્ર વાત જોતા સ્પષ્ટપણે જણાઈ આવે છે કે આ ઘટનામાં પોલિસ પણ સંડોવાયેલી છે.

ત્યારબાદ આ બધાને ઉના લઇ ગયેલા અને ઉનામાં ગાડીની પાછળ (ગાડી નં. DD.03.F.1294) પ્રેસિડેન્ટ, ગીર સોમનાથ જીલ્લા શિવ સેના લખેલ પોતાની ગાડીની પાછળ બાંધી નિર્દોષ દલિતોને નાગરિકોના માનવ સન્માન અને માનવ ગૌરવ હણાય તેવી રીતે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઇ આ નિર્દયી હિંદુ તાલીબાનોએ યુવકોને જાહેરમાં મારતા મારતા ઝુલુસ કાઢેલ અને માનવ ગૌરવ પર ઘટક હુમલો કરતા કરતા છેક ઉના પોલિસ સ્ટેશન સુધી લઇ ગયેલા અને છેક પોલિસ સ્ટેશન ના લોક અપ સુધી આ ચારેય દલિતો ને લઇ ગયેલા.

આ દરમિયાનમાં ઈજાગ્રસ્ત બાલુભાઈ અને એમની પત્નીને સારવાર અર્થે લઇ જવા 108 એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચે છે અને ઈજાગ્રસ્તોને ઉના લઇ જવાની જગ્યાએ ગીર ગઢડા લઇ જવા પોલિસ જણાવે છે પરંતુ બાલુભાઈ અને તેમની પત્નીએ ઉના લઇ જવાનું કહેતા પોલિસ અધિકારી કંચનબેન બલુભૈના પત્ની કુંવરબેન ને ધમકાવે છે અને અભદ્ર ભાષામાં વાત કરે છે.

આ તરફ ઉનામાં દલિતોને મારેલ છે તેવી લોકોમાં જાણ થતા દલિતોના ટોળા ભેગા થતા આ કહેવાતા ગૌ રક્ષકો ભાગી ગયેલા અને સમગ્ર મામલો બીચકયો હતો. કોઇપણ ગુન્હો ન હોવા છતાં દલિત યુવકોને લોક અપ માં પૂરવામાં આવેલ અને મોડી સાંજે દબાણ ઉભું થતા માત્ર છ (૬) કહેવાતા ગૌ રક્ષકો ૧) પ્રમોદગીરી રમેશગીરી રહે.સીમર તા. ઉના ૨) બળવંત ધીરુભાઈ રહે. ઉના ૩) રમેશ ભગવાનભાઈ રહે. સામતેર ૪) રાકેશ રહે. ઉના ભીમપરા ૫) રસિક રહે. ઉના ભીમપરા ૬) નાગજી ડાહ્યાભાઈ આહીર રહે. બેડીયા તા. ગીર ગઢડા સામે ગુન્હો દાખલ કરેલ.

આ સમગ્ર ઘટના જાણ્યા બાદ જુનાગઢ સિવિલમાં સારવાર લઇ રહેલા બાલુભાઈ સરવૈયા, તેમના પત્ની કુંવરબેન અને દીકરા રમેશ સાથે વાતચીત કરી તેમના ઈન્ટરવ્યું લઇ તેની DVD તૈયાર કરેલ.

બાદમાં ફરિયાદ માં વધુ કલમોનો ઉમેરો કરવાની અરજી સાથે સમગ્ર હકીકતોની બનાવેલી DVD જોડીને જુનાગઢના રેંજ IG બ્રિજેશકુમાર ઝા ની સાથે આશરે ૫૦ મિનીટ સુધી મીટીંગ કરીને સમગ્ર બનાવ અંગે રજૂઆત કરી અરજી અને DVD રજુ કરી ત્યાંથી ઉના પો.સ્ટે. જવા રવાના થયેલ અને ત્યાં પણ વધુ કલમો ઉમેરવાની અરજી સાથે સમગ્ર ઘટનાની DVD આપેલ.

સમઢીયાળાની ગામની મુલાકાત:

બાદમાં બીજા દિવસે તા. ૧૮/૦૭/૨૦૧૬ ના રોજ સમઢીયાળા ગામની મુલાકાત દરમિયાન બાલુભાઈ સરવૈયાના ઘરની મુલાકાત લીધી અને અણુ,જાતિના વિસ્તારમાં ફર્યા. જેમાં જાણવા મળેલ કે ગામની કુલ વસ્તી આશરે ૩૦૦૦ જેટલી છે જેમાં દલિતોના આશરે ૨૫ જેટલા મકાનો છે. આ સિવાય પટેલોના ૨૫૦ ઘર, કોળીના ૪૫ ઘર, વાળંદોના ૧૬ ઘર અને દરબાર તથા આહિરના ૨-૨ ઘર છે. દલિતો સંપૂર્ણરીતે ખેતમજુરી પર નભે છે જેમાં ૧૫૦ રૂપિયા મજૂરીનો દર ચાલે છે. ગામમાં એક પણ દલિતોના ઘરે શૌચાલય નથી. ભોગ બનનાર અશોકભાઈ બીજલભાઈ સરવૈયાના ઘરની મુલાકાત દરમિયાન તો દારુણ ગરીબી જોવા મળી. અશોકભાઈના પરિવાર પાસે પોતાનું મકાન પણ નથી અને ભાડે રહે છે. જે મકાનમાં રહે છે તે મકાનનો દરવાજો પણ નથી બારી પણ નથી, લાઈટ નથી કે પાણીના નળની પણ વ્યવસ્થા નથી અને ઘરમાં પ્લાસ્ટર પણ નથી. ઘરમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા વાસણો છે.

ગામમાં આજેપણ ભારોભાર આભડછેટ છે. ગામમાં બધાનું સ્મશાન એક જ છે માત્ર દલિતોનું સ્મશાન જ અલગ છે. દલિતોને માર્યા પછી પણ જાતિવાદ નડે છે. ગામના સામુહિક ભીજ્નના પ્રસંગોમાં દલિતોને સ્થાન નથી, મંદિર પ્રવેશ નથી, પાયાની સુવિધાઓનો દલિત વિસ્તારમાં સદંતર અભાવ છે. દલિતો અત્યંત ગરીબીમાં જીવે છે તેમ છતાં BPL યાદીમાં કે કાર્ડ લેવામાં હજી પણ સફળ થયા નથી. ગ્રામ પંચાયતમાં કોઈ અનામત ની સીટ પણ ફાળવાઈ નથી. ગામમાં હાલ કો.ઓપ્ટ સભ્યથી માત્ર કાગળ પર જ સામાજિક ન્યાય સમિતિ બનાવેલ છે જેમાં ચેરમેન નો અવાજ પણ કોઈ સાંભળતું નથી. આમ, ગામના સમગ્ર દલિતો અત્યંત દયનીય સ્થતિમાં જીવે છે.
આ સમગ્ર મામલામાં અમારી મુખ્ય વસ્તુઓ નીચે મુજબ છે જે દલિતોને પુરતો અને નિષ્પક્ષ ન્યાય અપાવવા માટે ખુબ જ જરૂરી છે.

૧. સમગ્ર બનાવની ઊંડી તપાસ માટે હાઈકોર્ટના સીટીંગ જજના વડપણ હેઠળ એક તપાસ પંચ નીમવામાં આવે.
૨. સમગ્ર ઘટનામાં ૩૫ થી ૪૦ લોકો અત્યંત ક્રૂર રીતે દલિતોને માર મારતા દેખાય છે તેની તાત્કાલિક ઓળખ કરી તમામ ની ધરપકડ કરી તેમના દ્વારા ઉપયોગ કરાયેલ તમામ વાહનોની જપ્તી લેવામાં આવે.
૩. ગુજરાત રાજ્યમાં ગૌ હત્યા ની અટકાયત કરવા માટે પહેલેથી જ કાયદો અમલમાં હોવા છતાં બની નેઠેલી આવી ગૌરક્ષક ના નામે ગુંડાગર્દી કરતી તમામ ગૌરક્ષક સમિતિઓ ને ગેરકાયદેસર જાહેર કરી તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકવામાં આવે.
૪. જે ગૌરક્ષકોને આરોપી બનાવેલ છે તે ગૌરક્ષા ની આડમાં ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે તેવું અમારા ધ્યાનમાં આવેલ છે તેથી આની સઘન તપાસ કરી (ગૌરક્ષાના નામે કાયદો હાથમાં લઇ માનવતા વિરુદ્ધનો ક્રિમીનલ ગુન્હો આચરેલ હોઈ) આ સંસ્થાનું રજીસ્ટ્રેશન તાત્કાલિક રદ કરી તેની સમગ્ર સંપત્તિને સરકાર દ્વારા ટાંચમાં લેવામાં આવે.
૫. આશરે છ માસ અગાઉ ગામના હાલના સરપંચ પ્રફુલભાઈએ બાલુભાઈને જે ધમકી આપેલ તે જોતા એમની સંડોવણી પણ નકારી શકાય તેમ નથી તો એમની પણ સઘન તપાસ કરવામાં આવે.
૬. ઉના પો. સ્ટે. તમામ પોલિસ સ્ટાફના મોબાઈલ ફોન અને તમામ આરોપીઓના મોબાઈલ ફોન સહીત ગામના હાલના સરપંચ ના પણ છેલ્લા એક માસના CDR ની વિગતોની તપાસ કરવામાં આવે.
૭. સમગ્ર કેસની ઊંડી તપાસ કરી એટ્રોસીટી એક્ટ (નવા સુધારા) – 2015 મુજબ ૬૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે.
૮. કેસ ચલાવવા માટે ખાસ સરકારી વકીલની નિમણુક કરવામાં આવે.
૯. આ બનાવમાં નિર્દોષ દલિત યુવકોને ઉના બસ સ્ટેશનથી મારતા મારતા પોલિસ લોક અપ સુધી લઇ જઈને ફેંકી દીધેલ છે અને આ સમગ્ર ઘટના દરમિયાન પોલિસે મુકપ્રેક્ષક બનીને આરોપીઓને બચાવવા જાણી જોઇને બેદરકારી દાખવી છે તેથી સંડોવાયેલા તમામ પોલિસ અધિકારીઓને આરોપી બનાવવામાં આવે.
૧૦. સમગ્ર બનાવમાં પ્રાથમિક તપાસના અંતે PI, ASI અને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરેલ છે તેથી સાબિત થાય છે કે તેઓએ પોતાની ફરજમાં જાણી જોઇને બદઈરાદાપૂર્વક બેદરકારી દાખવી છે. આ તમામ સસ્પેન્ડેડ પોલિસ અધિકારી વિરુદ્ધ IPC કલમ ૧૬૬(A) અને ૨૧૭, ૨૧૮ તથા નવીન સુધારેલ એટ્રોસીટી એક્ટ ૨૦૧૫ ની કલમ- ૪ મુજબ રાજ્ય સરકાર જાતે ફરિયાદી બની FIR દાખલ કરે.
૧૧. તમામ ભોગ બનનાર અને સાક્ષીઓનું ક્રી. પો. કોડ કલમ ૧૬૪ મુજબનું નિવેદન તપાસ અધિકારી દ્વારા નોંધાવવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે.
૧૨. પ્રસ્તુત ઘટનામાં માનવ ગરિમાનું ખુલ્લેઆમ ભયંકર રીતે હનન થયેલ હોઈ અને પરિવારના કમાનાર વ્યક્તિઓ કમાઈ શકે તેમ ન હોઈ સ્પે. કેસમાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વચગાળાનું રાહત તરીકે ૧૦/૧૦ લાખનું વળતર આપે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s