અક્ષરધામ કેસ: લાંબો જેલવાસ વેઠીને નિર્દોષ સાબિત થાય તેવી વ્યક્તિઓના સામાજિક પુન:સ્થાપનની જવાબદારી કોણ લેશે?

મેહુલ મંગુબહેન/

કેટલીક ઘટનાઓમાં રહસ્ય એ જ નિયતિ બની જાય છે. કોઈ સર્વમાન્ય સત્ય ન તો પ્રસ્થાપિત થઈ શકે છે ન તો તેને અંગત રીતે તારવી શકાય છે. આ કેમ બન્યું, કેવી રીતે બન્યું, શું કામ બન્યું કે કોના થકી બન્યું એનો પુરો તાળો કદી મળતો નથી. ખેર, અક્ષરધામ કેસ પૂરતો જાણીતો છે એટલે એની ડિટેઈલ ટૂંકમાં જ પતાવી દઈએ. 2002માં ગાંધીનગર સ્થિત પ્રખ્યાત અક્ષરધામ મંદિર પર આંતકવાદી હુમલો થયો. 32 લોકોનાં મોત થયાં. સ્વાભાવિક રીતે આ હુમલાને ગુજરાતનાં 2002ની પ્રતિક્રિયા તરીકે જોવામાં આવ્યો.

કેસ ચાલ્યો. 2006માં પોટા કોર્ટે છ આરોપીઓ પૈકી ત્રણને ફાંસી અને બાકીનાંને આજીવનથી લઈને પાંચ વર્ષ સુધીની સજા કરી. આ સજા સામે અપીલ થઈ અને ગુજરાત હાઈકોર્ટે સજા બહાલ રાખી. ન્યાયિક પ્રક્રિયાનાં અગ્રતાક્રમ મુજબ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો. 16 મે 2014નાં રોજ સુપ્રીમ કોર્ટે અારોપો ફગાવી દીધા અને તમામને નિર્દોષ ઠેરવીને તપાસકર્તા સંસ્થા યાને કે પોલીસની આકરી ઝાટકણી કાઢી.

એ વેળા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ કેસમાં પ્રોસિક્યુશન ( મતલબ સરકારની)ની વાર્તા દરેક તબક્કે પડી ભાંગે છે. મતલબ, એની સાથે એકપણ તબક્કે સહમત થવાનું અદાલતને મુનાસીબ ન લાગ્યુ. કેસનું રહસ્ય ઠેરનું ઠેર રહ્યું અને તમામ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. હવે, કહાની મે ટ્વીસ્ટ છે. નિર્દોષ જાહેર થયેલા છ લોકોએ 11 વર્ષ જેટલાં લાંબા જેલવાસ બદલ વળતર માટે દાવો કર્યો અને એમને નિર્દોષ ઠેરવનારી સુપ્રીમ કોર્ટે એ દાવો ફગાવી દીધો. ડોન્ટ યૂ ફીલ અનઈઝી? શોકિંગ?

અક્ષરધામનો કેસ આખો જ અન્યાયની હારમાળા બની રહ્યો છે. તપાસસંસ્થાઓ કોઈ સામે ગુનો પૂરવાર ન કરી શકી એટલે માર્યા ગયેલા નિર્દોષ લોકો અને જવાનોને પણ ન્યાય ન મળ્યો. જેમની સામે કાયદાકીય કાર્યવાહી થઈ એ લોકોએ દોષિત કે નિર્દોષ સાબિત થાય ત્યાં સુધી 11 વર્ષનો લાંબો જેલવાસ તેમણે વેઠવો પડયો. 11 વર્ષે સુપ્રીમ કોર્ટે નિર્દોષ ઠેરવ્યા પણ વળતર આપવાનો ઇનકાર કર્યો. આ કેસમાં ગુજરાત સરકારે તપાસકર્તા સંસ્થાઓનાં મનોબળ પર અસર થશે તેમ કહીને અને પોટા તેમજ હાઈકોર્ટનો ચુકાદો ટાંકીને વળતર આપવાનો ઇનકાર કર્યો હતો.

સામાન્ય નિયમ એવો છે કે એકવાર ઉપલી અદાલત ચુકાદો આપી દે એટલે નીચલી અદાલતનો ચુકાદો બાતલ થઇ જાય છે. આ નિયમનું શું થયું તે સુપ્રીમ કોર્ટ જાણે અથવા તો ગુજરાત સરકાર. વળી, સરખી તપાસ ન કરનારી તપાસસંસ્થાઓની ફિકર પણ કેવી થઇ આવી ! આ કેસની એક રસપ્રદ વાત એ પણ છે કે સુપ્રીમ કોર્ટે તમામ લોકોને મુક્ત કંઈ ફક્ત શંકાનાં ફાયદાના આધારે મતલબ બેનિફિટ ઓફ ડાઉટને આધારે નહોતા કાર્ય પણ તપાસકરનારી સંસ્થાઓની એકે વાર્તા ગળે નહિ ઉતરવાને લીધે કર્યા હતા.

માનનીય સુપ્રીમ કોર્ટે વળતર ફગાવતા કહ્યું કે, આમ નિર્દોષ ઠરેલાને વળતર આપવાથી ખોટું ઉદાહરણ જશે અને તેને લીધે આવી અનેક અરજીઓનું પુર આવશે. યેસ માય લોર્ડ હિયર ઈઝ ધ પોઈન્ટ. કંઈ સમજાય છે વાચકદોસ્તારો?

અક્ષરધામ કેસ કે ૧૧ વર્ષે નિર્દોષ જાહેર થનારા આરોપીઓ અને એમનો ધર્મ ભૂલી જાવ ઘડીભર. દેશની અદાલતોમાં આવા તો કેટકેટલા કેસ ચાલતા હશે. કોઈને ગુનામાં સંડોવી દેવા એ હિન્દી ફિલ્મની પોલીસ માટે જેટલું સહેલું હોય છે એટલું જ વાસ્તવમાં પણ હોય છે, ખાસ કરીને જયારે તે વ્યક્તિ ગરીબ-વંચિત સમુદાયનો હોય. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ખેદજનક એટલા માટે છે કે તેનાથી રાજકીય ગણતરીઓથી થતી ધરપકડો અને તેવા કેસના ભોગ બનેલા લોકો પર માઠી અસર થશે.

ભવિષ્યમાં આવી ધરપકડ કે લાંબા અકારણ જેલવાસનો ભોગ બનેલા નાગરિકોની જવાબદારી પરથી રાજય હાથ ઊંચા કરી લેશે. ખરેખર તો અક્ષરધામ કેસમાં તપાસકર્તા અધિકારીઓનાં વેતનમાંથી વળતર ચુકવવું જોઈએ, અલબત્ત આવા વળતરના હકદાર પેલા છ નિર્દોષ જાહેર થનાર લોકો જ નથી માર્યા ગયેલા લોકોનાં પરિવારજનો પણ છે કેમકે આખરે કોઈ દોષિત ઠર્યુ નથી તો ન્યાય તેમને પણ ક્યાં મળ્યો છે?

સુપ્રીમની દલીલ સાચી માનીએ તો પણ વળતર ન ચુકવવુ એ પૂર્ણ ન્યાય નથી જ નથી અને એ કોઈ પક્ષે માનવઅધિકારનું રક્ષણ પણ નથી. ખરેખર તો આ એક ન્યાયિક સુધારણાનો પણ મુદ્દો છે. રાજ્ય સરકાર માટે આત્મચિંતનનો પણ મુદ્દો છે કેમકે આવા અનેક કેસમાં સ્પષ્ટ નીતિની જરૂરિયાત છે. આરોપ પુરવાર થાય તો અપરાધીની સુધારણા માટે જેલ છે પણ લાંબો જેલવાસ વેઠીને નિર્દોષ સાબિત થાય તેવી વ્યક્તિઓના સામાજિક પુન:સ્થાપનની જવાબદારી કોણ લેશે?

પૂર્ણ સ્વરાજ એ પૂર્ણ શાંતિથી બનશે અને પૂર્ણ શાંતિ એક તસુ પણ અધુરો ન હોય એવા પૂર્ણ ન્યાયથી જ આવી શકે છે. આપણી ન્યાયપ્રક્રિયામાં જે ઢીલાશ છે તેને લીધે અનેક કેસમાં ન્યાયનું ગળુ ઘોંટાય છે અને સરવાળે અન્યાયની ભાવના કયાંકને કયાંક રહી જ જાય છે. એ પણ યાદ કરવું ઘટે કે અનેક જનસંગઠનો ટાડા અને પોટા જેવા કાયદાઓમાં થયેલી ગેરકાયદે અટકાયતો બદલ ભોગ બનનારને વળતર આપવાની માગ લાંબા સમયથી કરી રહ્યાં છે.

અલબત્ત, આવી માગણીઓ માનવઅધિકારની વાત ગણાય છે અને એમ કહેનારાને ગાળ દેવાની ફેશન છે, છતાં માનવઅધિકારવાદી હોઈએ કે વિરોધી રાજનાં તાબામાં રહેનારો રેલો કયારે કોનાં પગ નીચેથી જમીન હટાવી લે તેની કલ્પના કરી શકાતી નથી. ઘરાક મુજબ કાટલા બદલાય તો ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાનાં સર્વોચ્ચ મૂલ્યોવાળી લોકશાહી ક્ષીણ જ થાય એમાં કોઈ બેમત નથી. આવી ઘટનાઓ બાબતે રાજયની સ્પષ્ટ નીતિ ઘડાયેલી હોય અને બીજી બધી વાતની જેમ સબકુછ સુપ્રીમ ભરોસે ન રહી જાય તેવી આશા રાખીએ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s