શું એન.એસ.જીનું સભ્યપદ કે રઘુરામ રાજનની વિદાય એ જ દેશની ખરી સમસ્યાઓ છે?

મેહુલ મંગુબહેન*/ 

દેશની આબરુ એન.એસ.જીની મેમ્બરશીપ કે રઘુરામ રાજનની ટર્મ રિન્યુ ન થઈ એમાં નથી જતી પણ બળાત્કારનો ભોગ બનેલી આદિવાસીની છોકરીની લાશ હાઈકોર્ટનાં આદેશથી બહાર કાઢવી પડે એમાં જાય છે, પારુલ યુનિવર્સીટિકાંડથી જાય છે અને ડેલ્ટા મેઘવાલનાં રેપ-મર્ડર કેસથી જાય છે…

***

આ લખાય છે ત્યારે એફ.બી પર બ્રેકઝિટ, પીએમ સ્પીક ટૂ અર્નબ, બે ખાનગી કંપનીઓના સમાચાર અને એવુ બધુ ટ્રેન્ડ કરે છે. એફબી વિશે અજાણ લોકો એમ સમજે કે આ વિષય હાલ સૌથી વધારે હિટ છે, ચર્ચાઈ રહ્યાં છે. ઈ સ્વર ગણાય કે વ્યંજન એમ પૂછો તો માથુ ખંજવાળે એવી હોંશિયારી ધરાવતા લોકો ઈકોનોમિકસ અને રધુરામ રાજન પર એકે અંગ વગરની ડિબેટ કરી રહ્યાં દેખાય છે. જો કોઈ માણસને ઈન્ટરનેટનાં સથવારે ઓરડામાં બંધ કરી દીધો હોય તો એ તો બિચારો એમ જ સમજે કે જગતની અને ભારતની મુખ્ય સમસ્યા આ જ છે. પણ એવું ખરેખર હોતુ નથી.

પ્રજાસત્તાક ભારતમાં નાગરિક અને પ્રચલિત અર્થમાં પ્રજા કે રૈયત જે ગણો તે તેની મુખ્ય સમસ્યા એ છે કે તેને પોતાની ખરી સમસ્યાઓની ખબર જ નથી. પ્રજાને કોઈ દુઃખ નથી એવું સાબિત કરવા માટે રાજારજવાડાઓમાં ખૂબ મહેતન કરાતી હતી. સ્તૃતિઓ ગવાતી હતી. આપણો પરચમ કેવો લહેરાય છે એનાં ગાણાં ગવાતા હતાં. પછી, આપણે મોંઘેરી લોકશાહી સ્થાપી પણ મૂળ સમસ્યાઓથી આપણે બેધ્યાન રહ્યાં કાં તો બેધ્યાન રાખવામાં આવ્યા. આજે પણ અમુક અપવાદોને બાદ કરતાં તમામ રાજકીય પક્ષો નાગરિક સમાજ તેની મૂળ સમસ્યાઓ વિસરી જાય અેમ ઈચ્છે છે અને એ મુજબ જ વર્તે છે.

આને ઘ્રૂવીકરણ કહેવાય છે. આ ધ્રુવીકરણ કોમી પણ હોય અને વિકાસલક્ષી પણ હોય. દલિત-આદિવાસી-લઘુમતી તરફી પણ હોય અને તેનું વિરોધી પણ હોય. સાદી રીતે કહીએ તો લોકો પોતાનો પ્રોબ્લેમ ભૂલી જાય અને અલગ જ વાતને પોતાનો પ્રોબ્લેમ માનવા માંડે. અને વળી, આવા પોબ્લેમની આસપાસ જે કંઈ ઘટના બને તેને લીધે દેશને નીચાજોણું થયું છે એમ પણ સમજે. જેમકે, રઘુરામ રાજનની વિદાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની આબરુનાં ધજાગરા. કબુલ, જે રીતે એ ઘટના બની એમાં દેશનું માન વધે એવું તો કંઈ નથી પણ શું એન.એસ.જીનું સભ્યપદ કે રઘુરામ રાજનની વિદાય એ જ દેશની ખરી સમસ્યાઓ છે? કોણ વંદેમાતરમ બોલ્યુ અને કોણ ન બોલ્યુ એ કે પછી સલમાનખાનનો વિવાદ કે ઊડતા પંજાબનો વિવાદ એ સમસ્યાઓ છે?

ઓનલાઈન જગતથી જરા બ્રેક લઈને, વોત્સેપ કે એફબીને આરામ આપીને વિચારવાનો મુદ્દો આ છે. જો વિચારી ન શકાય તો તમારી આસપાસ જે સ્ત્રી નજીક દેખાય એને પૂછજો કે, બેન આ દેશની સમસ્યા શું છે?

એન.એસ.જીનું છોગુ ન મળે એમાં દેશની આબરુ નથી જતી પણ ડેલ્ટા મેઘવાલ નામની દલિત વિદ્યાર્થીની લાશ ફેફસામાં એક બુંદ પાણી વગર ટાંકીમાંથી મળી આવે એમાં જાય છે. બસ્તરની 21 વર્ષની આદિવાસી છોકરી મડકમ હિંડમેની લાશને હાઈકોર્ટની દરમિયાનગીરીથી બહાર ખોદી કાઢવી પડે એમાં જાય છે. પારુલ યુનિવર્સિટીનાં બળાત્કારકાંડમાં જાય છે. દહેજ ન આપી શકવાને કારણે છોકરીનાં સાસરિયા એના શરીરે ગંદી ગાળોનાં છૂંદણા છુંદાવી દે અને કપાળે મેરા બાપ ચોર હૈ એવી ફિલ્મી લાઈન લખાવી દે એમાં દેશની આબરુ ચોક્કસ જાય છે. દેશમાં દર કલાકે છેડતી, અપહરણ, બળાત્કાર, સામૂહિક બળાત્કાર, કૌટુંબિક હિંસા, અપમૃત્યુ, દહેજ, એસિડ એટેક વગેરે સહિત 26 બનાવો નોંધાય છે એ આપણી અસલી સમસ્યા છે.

ગત અઠવાડિયે લખ્યુ હતું કે 1 લાખ 45 બાળકો ગંભીર કુપોષણથી પીડાય છે એ આપણી સમસ્યા છે અને એનો અર્થ સીધો અર્થ એ પણ કે એટલી માતાઓ પણ ગંભીર કુપોષણથી પીડાય છે કેમકે આ દેશની પરંપરા છે સ્ત્રી બધાને જમાડીને જમે છે. આ આપણો પ્રોબ્લેમ છે. પર્યાવરણનો કચ્ચરઘાણ વળી ગયો છે અને ખેડૂતો આત્મહત્યાઓ કરવા મજબુર બને છે એ આપણી અસલી સમસ્યા છે. જેમને મળવાપાત્ર છે એવા આદિવાસીઓ અને દલિતો ખેતમજૂરો-ભાગિયા તરીકે કૂટાય છે અને જમીનો રાતોરાત બીજે જ ગાયબ થઈ જાય છે એ આપણી મૂળ સમસ્યા છે.

પોલીસથી લઈને શિક્ષક સુધી ફિક્સપગારી રિવાજમાં પૈસા બચાવતી સરકાર ખુદનાં દેશની અંદર લોબિઈંગ માટે કરોડોનાં ઠેકાઓ આપે અને ઈવેન્ટ મેનેજમેન્ટમાં ડૂબેલી રહે એ આપણી અસલી સમસ્યા છે. ભણી ન શકતા બાળકો અને ભણ્યા બાદની બેરોજગારીની લાંબી કતાર એ દેશની સમસ્યા છે. તળિયાનાં પણ તળિયા દેખાય એવી આરોગ્ય સેવાઓ અને રોગિષ્ઠજનો એ આપણી અસલી સમસ્યા છે.

ઘણીવાર એમ બનતું હોય છે આવી બધી રીતે વિચારીયે તો લોકો વિચારનારને ડફોળ કહી દે છે અને ભલુ હોય તો એને વિકાસવિરોધી પણ ગણાવી દેવામાં આવે પણ જો ઘડીભર વિચારીએ તો ખરો વિકાસ જ આ કરવાનો છે ને? ફ્લાયઓવર્સ, બુલેટટ્રેન્સ કે મેટ્રો એ વિકાસનો માપદંડ હોઈ જ ન શકે. જોકે, આ સંઘર્ષ કંઈ આજનો નથી. રોટી, કપડા, મકાન, જ્ઞાન, સુરક્ષા અને ખુદના સન્માનની લડાઈ રૈયત તરીકે પણ લોકો લડતા હતાં, ભારત ગણરાજયનાં નાગરિક તરીકે પણ લડે છે અને ભવિષ્યમાં પણ લડતાં રહેવાનાં જ. રાજયસભા ટીવી દ્ભારા પ્રસારિત સંવિધાન સિરિયલનાં પ્રથમ એપિસોડમાં જ એક રસપ્રદ સીન આવે છે.

દેશના નિર્માણ અને ભાગલાની એક કટોકટીની ઘડીમાં સ્વાભાવિક જ રીતે સહુ વ્યથિત અને અસમંજસમાં પણ હતાં. બંધારણસભાની બેઠક બાદ બાબુ જગજીવનરામ અને કેટલાક સભ્યો ગાંધીજીને મળવા જાય છે. આગળ સંવાદ વાંચો.
ગાંધીજી ઃ ( જગજીવનરામને આવકારતા) આવો જગજીવન બાબુ, આપણે ભલેને દુનિયાનું સૌથી સુંદર બંધારણ ઘડી કાઢીશું પણ જો એને અમલમાં લાવનારા લોકો નહીં હોય તો એ બેકાર સાબિત થશે.

બાબુ જગજીવનરામ ઃ બાપુ, મને પુરો વિશ્વાસ છે કે આપણા દેશમાં એવા સારા આદમી-ઔરતોની કોઈ કમી નથી, એ લોકો બંધારણને કારગર કરી દેખાડશે. અમે તો તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ.

ગાંધીજી ઃ બાપુનાં આર્શીવાદ તો કાયમ તમારી સાથે જ છે પણ આજે હું તમને એક તાવીજ આપીશ જે કદાચ તમને યોગ્ય બંધારણ ઘડવામાં મદદ કરશે.

બાજુ જગજીવનરામ ઃ બાપુ, તમે અને તાવીજ ? મને તો એમ કે તમે તંત્ર-મંત્ર-યંત્રમાં વિશ્વાસ નથી રાખતા.
ગાંધીજી ઃ ( હસીને ) પણ આ મંત્રમાં મને પુરો વિશ્વાસ છે. જયારે પણ પોતાની જાતને શંકાથી ધેરાયેલી જુઓ તો આ પરિક્ષા અપનાવજો. સૌથી દીન-હીન, ગરીબ, નિર્બળ માણસ જેને તમે જોયો હોય એનો ચહેરો યાદ કરજો અને પોતાની જાતને પૂછજો જે હું કરવા જઈ રહ્યો છું એનાથી શું એનું કંઈ ભલુ થશે ? આ પગલાથી એને કંઈ પ્રાપ્ત થશે? આના લીધે શું એ પોતાના ભાગ્ય કે જીવનને સુધારી શકશે કે નહી ? કાં પછી એમ કહો જેમનું પેટ પણ ખાલી છે અને પણ દિલ પણ ખાલી છે એવા તન-મનની ભૂખથી તડપી રહેલા આવા કરોડોને સ્વરાજ મળશે કે નહીં ? પછી જોજો, તમારી બધી શંકાઓ છુમંતર થઈ જશે.

આ સીન પતે ત્યારે બાબુ જગજીવનરામ ભીની આંખે વિદાય લે છે. કરૃણતા એ છે કે અડધોઅડધ મહિલાઓ સહિત દેશનાં કરોડોની આંખો હજીયે રોજે ભીની હોય છે. એટ ધ એન્ડ, આંખ બંદ કરીને અને મગજ ખુલ્લુ મૂકીને વિચારી શકાય તો વિચારો કે આ દેશની સમસ્યા શું છે! સ્ટે ટ્યૂન, નેકસ્ટ વીક…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s