મેહુલ મંગુબહેન*/
વૈશ્વિક પોષણ અહેવાલમાં દેશમાં વ્યાપ્ત કુપોષણનું આક્રંદ સંભળાય છે. ગુજરાતનાં 1.45 લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત છે, પ્રજનનવય ધરાવતી દેશની અડધોઅડધ મહિલાઓ એનિમિયાથી પીડાય છે.
ગુજરાતે કુપોષણને નાથવા માટે કોઈ લક્ષાંક નક્કી નથી કર્યા તે વાત હતાશાજનક છે આજકાલ “દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ” ની રસપ્રદ જાહેરાતો અનેક માધ્યમોમાં છલકાઈ રહી છે. વૈશ્વિક સ્તરે ન્યૂક્લિયર સપ્લાય ગ્રૂપનાં સભ્ય બનવા માટેની તનતોડ મહેનત વિદેશ મંત્રાલય અને ખુદ વડાપ્રધાન કરી રહ્યાં છે.
બેશક, એન.એસ.જી મેમ્બર્સની કલગી આવકાર્ય ગણાય પણ તાજેતરમાં પ્રકાશિત વૈશ્વિક પોષણ અહેવાલ એ “ન્યૂક્લિયર ભારત” કરતાં પણ “ન્યૂટ્રિશિયન ભારત” રચવાની તાતી જરૃરિયાત છે તેમ કહે છે. અલબત્ત, ભારત ન્યૂક્લિયર તો ઈંદિરા ગાંધીના સમયથી છે જ અને એ દિશામાં ધસમસ વધુને વધુ આગળ વધી રહ્યું છે પણ પેલુ માયકાંગલુ, બિમાર, અશકત ભારત ઠેરનું ઠેર રહે છે. આટઆટલો વિકાસ થાય છે તો એ જાય છે કયાં એવો સવાલ પણ થઈ શકે.
હવે જરા વિગતે સમજીએ કે વૈશ્વિક પોષણ અહેવાલ એ શું બલા છે અને એ કહેવા શું માગે છે. ગ્લોબલ ન્યૂટ્રિશિયન રિપોર્ટ એ વિશ્વ આરોગ્ય સંસ્થા જે ટૂંકમાં ડબલ્યુ.એચ.ઓ તરીકે ઓળખાય છે તેની સંલગ્ન સંસ્થા છે. આ સંસ્થા પ્રતિવર્ષ જગતભરમાં પોષણ બાબતે લેવાતા પગલાઓનો અભ્યાસ કરે છે અને તેનો રિપોર્ટ રજુ કરે છે. 2016નો અહેવાલ કહે છે કે ગુજરાતમાં 1.45 લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત છે. આ આંકડાની સામે સરકાર કુપોષણને નાથવા માટે પ્રતિબદ્ધ કામગીરી કરી રહી છે તેવી દલીલ તરત જ કરી શકાય એમ છે પણ સબુર.
આ અહેવાલ એમ પણ કહે છે કે સમગ્ર ભારતમાં ફકત બે રાજયોએ કુપોષણને નાથવા માટે યોગ્ય રીતે લક્ષાંક નક્કી કર્યા છે. આખા દેશમાં જે બે રાજયોએ ચોક્કસ માપી શકાય એવા સ્પષ્ટ લક્ષાંકો નક્કી કર્યા છે એ છે ઓરિસ્સા અને ઉત્તરપ્રદેશ. એમાં આપણું ગતિશીલ ગુજરાત કયાંય નથી. મહિલા અને બાળકોનાં કુપોષણ બાબતે ગુજરાતમાં તો આવું કંઈ છે જ નહીં એમ માનવામાં આવતું હતું એ વાત ફકત પાંચ-સાત વર્ષ જૂની છે. તત્કાલીન મુખ્યમંત્રીએ તો વળી મહિલાઓ ફિગર કોન્શિયશ હોવાને કારણે કુપોષણથી પીડાય છે એવી વાત પણ કરી દીધી હતી.
બેક ટૂ ધ પોઈન્ટ. ગુજરાતનું મિશન સ્ટેટમેન્ટ તો છે પણ લક્ષાંક જ નક્કી ન હોય તો કુપોષણનું ચક્ર કેવી રીતે અને કયારે અટકશે એ પણ નક્કી ન જ થાય. બીજી એક ગંભીર નોંધ મહિલા અને બાળવિકાસ મંત્રાલય તથા આરોગ્ય મંત્રાલય વચ્ચે સંકલનનો અભાવ છે. ઘણા વીરબહાદુરો આવા વૈશ્વિક અહેવાલોને વિદેશી માપદંડો મુજબનાં ગણીને હસી કાઢતા હોય છે. હશે, વ્યકિત તરીકે એવું કોઈ કરે એ બરાબર પણ રાજયની તો આ જવાબદારી છે. ભારતે વિશ્વ આરોગ્ય સંમેલનમાં દસ્તાવેજ પર સહી કરેલી છે અને આ અહેવાલને તે તુચ્છકારી શકે નહીં પણ હકીકત એ છે કે સરકાર આવા અહેવાલોને ગાંઠતી નથી હોતી.
ગુજરાતનાં હે્લ્થ કમિશ્નર 2014માં લોન્ચ કરવામાં આવેલા કુપોષણ મુકત ગુજરાત મહાઅભિયાનનો હવાલો આપીને આ વૈશ્વિક અહેવાલ જૂના આંકડાઓ આધારિત છે તેમ કહી દીધું હતું. હકીકત એ છે કે નામજોગ વિશેષણો લગાવી દેવાથી જેમ કોઈ વ્યકિત મહાન નથી બની જતી તેમ અભિયાનની આગળ “મહા” લગાવી દેવાથી તે મહાઅભિયાન ન બની જાય. માપી શકાય એવા,
પામી શકાય એવાં સ્પષ્ટ લક્ષાંકો નક્કી કર્યા વગર સ્ત્રીઓ અને બાળકોનાં કુપોષણની આ લડાઈ જીતી શકાય એમ નથી એ સરકારે સમજવું પડશે. જો એમ નહીં થાય તો થોડો સમય “દેશ બદલ રહા હૈ” ની જાહેરાતો વાગશે અને ફરી પાછા આપણે ઠેરનાં ઠેર આવીને ઊભા હોઈશું. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે એ વાતને ચરિતાર્થ કરવા માટે આજે એ સ્વીકારવાની જરૃર છે કે આજનું ભારતનું અને ગુજરાતનું બાળક કુપોષિત છે અને વિકાસની દોટમાં તે સૌથી વધારે વંચિત છે.
—
*mmehul.sandesh@gmail.com