![]() |
ગુલબર્ગ સોસાયટ |
પ્રશાંત દયાલ*/
અંતે બાબુને સજા થઈ……..
બાબુ મારો જુનો મીત્ર લગભગ 15 વર્ષ જુનો એટલે કે ગોધરાકાંડ પહેલાનો તે મારી ઓફિસે આવતો.. બાબુ બહુ ખતરનાક છે.. તેવુ અનેક કહેતા પણ તે મને જયારે પણ મળ્યો ત્યારે સાલસ લાગ્યો.. આ ઉપરાંત તે મને સંવેદનશીલ પણ લાગતો.. જો કે અમે મળતા અને ચ્હા-પાણી પી છુટા પડતા.. તે સિવાય અમારી મીત્રતા કયારેય આગળ વધી નહીં.. છતાં દુનિયાના કેટલાંક ચહેરા તમને વગર કારણે ગમવા લાગે તેમ તે મને ગમતો અને આજે પણ…હા તે જયા રહેતો ત્યાં તેની છાપ ખુબ જ ગુસ્સાવાળા યુવક તરીકેની..
હું ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં હતો તે વખતે ગુલબર્ગ સોસાયટી ટ્રાયલ શરૂ થઈ.. એક દિવસ મેં સાંભળ્યુ કે બાબુ મારવાડી પણ ગુલબર્ગ સોસાયટી સળગાવવામાં હતો.. મગજ સન્ન થઈ ગયુ.. બાબુએ લોકોને જીવતા સળગાવી મુકયા… મન માનતુ ન્હોતુ…કોર્ટનું તેને સમન્સ આવ્યુ… મેં બાબુને તે આવુ કેમ કર્યુ તેવુ કયારેય પુછયુ નહીં… પણ તે થોડા દિવસ પછી મને મળવા ટાઈમ્સ ઓફ ઈન્ડીયાની ઓફિસે આવ્યો… તેણે આવતા જ મારી આંખોમાં જોઈને કહ્યુ દાદા ખોટી વાત છે… મેં કોઈ ગુનો કર્યો નથી… મે મારી જીંદગીમાં કયારેય ગુલબર્ગ સોસાયટી જોઈ પણ નથી… પછી તે અવારનવાર આવતો અને આ જ વાત કરતો..
એક માણસ તરીકે અને બાબુના મીત્ર તરીકે મારા મનમાં સતત દ્વંધ ચાલતો.. મારા અંદરનો માણસ કહેતો કે જો બાબુએ કોઈ નિદોર્ષની હત્યા કરી હોય તો તેને અચુક સજા થવી જોઈએ.. પણ મારી અંદરનો બાબુનો મીત્ર કહેતો કે બાબુ આવુ કરે જ નહીં.. અને તે છુટી જાય તો સારૂ… પણ મીત્ર તરીકેની મારી જે લાગણી હતી તેનો કોઈ પુરાવો….મહિનાઓ અને વર્ષો પસાર થવા આવ્યા.. સુપ્રીમ કોર્ટનો સ્ટે હોવાને કારણે ચુકાદો આવતો ન્હોતો… અંતે ચુકાદાની તારીખ નક્કી થઈ 2 જુન..
ચુકાદાના ત્રણ જ દિવસ પહેલા બાબુનો ફોન આવ્યો.. દાદા મળવુ છે… અને તે મળવા મને ટાઈમ્સ ઈન્ડીયાની ઓફિસ નીચે ચ્હાની કીટલી ઉપર આવ્યો.. મારી સાથે મારા મીત્ર અને ટાઈમ્સના કોર્ટ રીપોર્ટર સઈદખાન પણ હતો.. સઈદ પણ મારા કારણે બાબુના સંપર્કમાં આવ્યો હતો.. અને તેમની વચ્ચે પણ મીત્રતા હતી..બાબુએ ફરી પોતે નિદોર્ષ હોવાની વાત કરી.. તેના વિસ્તારમાં અનેક યુવકો બાબુ મારવાડીના નામે ઓળખતા હોવાને કારણે પોતે ભળતા નામની સજા ભોગવી રહ્યો હોવાનું તેનું કહેવુ હતુ…
ક્રાઈમ રીપોર્ટીંગમાં વર્ષો નિકળી ગયા હોવાને કારણે મનને શંકા કરવાની આદત થઈ જાય છે. બાબુ જે કહી રહ્યો હતો કે તે અંગે મારા મનમાં પણ શંકા હતી.. અને માની લો કે તે સાચો હોય તો તેની હું કઈ રીતે મદદ કરી શકુ તે અંગે પણ લાચારી હતી.. પણ આ વખતે તેણે પહેલી વખત ખરેખર તે કેવી રીતે આરોપી બન્યો તેની વાત કરી.. કોર્ટમાં તેની વિરૂધ્ધ જુબાની આપનાર ગુલબર્ગની રહેવાસી સાયરાની પણ વાત કરી.. બાબુના કહેવા પ્રમાણે તે તોફાન વખતે ગુલબર્ગ સોસાયટી ગયો જ ન્હોતો તેને કોઈ સાક્ષી ઓળખી બતાવે અથવા તેની સામે જુબાની આપી તેવો પ્રશ્ન જ ન્હોતો. પણ ટ્રાયલ દરમિયાન એક બાબુ નામનો યુવક ટોળામાં હતો તેવો ઉલ્લેખ થતાં. પોલીસે સાયરાને પુછયુ કે બાબુ કોણ છે.. સાયરાના કહેવા પ્રમાણે તેણે એક બાબુ અંગે સાંભળ્યુ હતું પણ તે તેને ઓળખતી નથી.
ટ્રાયલ દરમિયાન એક દિવસ બાબુ કોઈ કામે ભદ્ર કોર્ટમાં આવ્યો હતો..જયા ગુલબર્ગની તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ હતા , તેમની સાથે સાયરા પણ હતી.. પોલીસે બાબુને જોતા જ સાયરાને ઈશારો કરી આ બાબુ છે તેવુ જણાવ્યુ હતું.. આમ બાબુના કહેવા પ્રમાણે સાયરાએ પહેલી વખત તેને ભદ્ર કોર્ટમાં પોલીસના ઈશારો જોયો.. ત્યાર બાદ ગુલબર્ગની ટ્રાયલ દરમિયાન સાયરાએ બાબુને કોર્ટમાં ઓળખી બતાવ્યો.. વાત ગંભીર હતી કાયદાની સમજને કારણે ત્યારે મને લાગ્યુ કે બાબુને સજા થશે..
બાબુ વાત કરીને નિકળ્યો એટલે સઈદે મારી સામે જોતા કહ્યુ બાબુને સજા ના થાય તો સારૂ… મને સઈદના આ અભિપ્રાયની આશ્ચર્ય થયુ.. બાબુ મારો મીત્ર હોવા છતાં જો તે આરોપી હોય તો તેને સજા થાય તેવો મારો મત હતો.. મેં આશ્ચર્ય સાથે સઈદ સામે જોયુ… સઈદે કહ્યુ મને ખબર નથી કે બાબુ ઘટના સ્થળે હતો કે નહીં.. પણ બાબુ પોલીસ તપાસની જે વાત કરી રહ્યો છે તે સાચી છે. જે દિવસે પોલીસ ભદ્ર કોર્ટમાં સાયરાને લઈ આવી ત્યારે હું કોર્ટમાં હાજર હતો.. સાયરા બાબુને ઓળખતી જ ન્હોતી..પણ પોલીસે દુરથી તેને બાબુ બતાડયો હતો… આમ આ કેસનો મહત્વનો સાક્ષી કોર્ટમાં કેવી રીતે ખોટુ બોલ્યો તે સાંભળી આશ્ચર્ય થયુ.. પણ સાયરાનું એક નિવેદન બાબુની જીંદગી બદલી નાખવામાં મહત્વનું સાબીત થવાનું હતું.
બાબુ વર્ષોથી મારી સામે પોતાની નિદોર્ષતાની વાત કરતો હતો.. તેનો એક પુરાવો મને મળ્યો હતો.. જો કે હું કોઈ મદદ કરી શકુ તેમ ન્હોતો.. છતાં હું જે બાબુને ઓળખુ છે.. તે ગુનેગાર નથી તેવા એક નાનકડા અહેસાસે મનને ટાઢક આપી.. પણ હજી કોર્ટનો ચુકાદો બાકી હતો..
2 જુન હું કોર્ટમાં પહોંચ્યો.. કોર્ટમાં ચીક્કર ગરદી હતી.. મારી નજર આરોપીના ટોળા વચ્ચે બાબુને શોધી રહી હતી. મેં બાબુને જોયો તે એસી કોર્ટમાં પણ પરસેવો રેબઝેબ થતો હતો ,, મે મારી બાજુમાં ઉભા રહેલા સઈદને બાબુ તરફ ઈશારો કર્યો.. તેણે કહ્યુ તે મને પુછતો હતો દાદા આવ્યા નથી… થોડી વારમાં જજ ડાયસ ઉપર આવ્યા પહેલા નિદોર્ષ આરોપીના નામ બોલ્યા.. તેમાં બાબુનું નામ ન્હોતુ.. પછી સજા થયેલા આરોપીના નામ બોલ્યા જેમાં બાબુનો ઉલ્લેખ હતો. સાયરાના એક ખોટા નિવેદને બાબુની જીંદગી બદલી નાખી. મેં તેને સામે જોયુ જો કે તેની નજર મારી સામે ન્હોતી.
કોર્ટ કાર્યવાહી પુરી સજા પામેલા કેદીઓને લઈ પોલીસના વાહનો જેલ તરફ જવા નિકળ્યા.. બાબુ કેદી વાનમાં છેલ્લી બારીએ બેઠો હતો.. મેં તેને જોયો.. પણ તેની સાથે વાત કરવાની મારી હિમંત ન્હોતી.. કારણ મારૂ કોઈ આશ્વાસન તેને કામ આવવાનું ન્હોતુ…સો ગુનેગાર ભલે છુટી જાય પણ એક નીદોર્ષને સજા ના થવી જોઈએ, તેવુ કાયદો કહે છે.. પણ કાયદાની આ પરિભાષા બાબુના કેસમાં કાયદા પોથી પુરતી સિમીત જ રહી ગઈ.
બાબુને હું ફરી મળીશ.. મળતો રહીશ.. પણ હવે બાબુની જીંદગીનો એક મોટો હિસ્સો જેલમાં જ પસાર થશે..બાબુની દિકરી સાત વર્ષની અને દિકરો બાર વર્ષના છે. તેમનો ઈંતઝાર મારા કરતા પણ લાંબો હશે.. કારણ તે તેમના પપ્પા છે.. દરેક બાળક માટે તેના પપ્પા તેના સુપરમેન જ હોય છે….
—
*પીઢ પત્રકાર. સ્રોત: https://www.facebook.com/prashant.dayal.75