તૃપ્તિબેન ૫૪ વર્ષની નાની વયે ૨૬ મે, ૨૦૧૬ ના રોજ વિદાય થયા. તેમના જવાથી સાથે નારીવાદી આંદોલન, પર્યાવરણીય ચળવળ અને માનવ અધિકાર માટે લડનારી જમાતે એક મહત્ત્વના કાર્યકર ગુમાવ્યા છે. અન્યાય અને હિંસાના ભોગ બનેલા તેમ જ શોષિત લોકોની પડખે ઉભા રહી નિર્ભયપણે અવાજ ઉઠાવનાર તૃપ્તિબેન પોણા બે વર્ષથી ફેફસાના કૅન્સર સામે હિંમતપૂર્વક ઝઝુમતા હતા.
તૃપ્તિબેને આમ તો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરેલો હતો, પણ તેમણે પોતાનો જીંદગીનો પૂર્ણ સમય તેમ જ શક્તિ નારીવાદી આંદોલનને સમર્પણ કર્યો હતો. આજના વિકાસની અવધારણા, પર્યાવરણ પરની અસરો, સામ્પ્રદાયિક તનાવ, જાતિવાદ, મજૂરોના પ્રશ્નો તેમ જ માનવાધિકાર સાથે નારીવાદી આંદોલનને જોડવાનું કામ કર્યું.
ઠાકોરભાઈ શાહ જેવા જાણીતા મજૂર સંગઠક તેમ જ જાહેર જીવનમાં પ્રવૃત્ત એવા સુર્યકાંતાબેન જેવા માતા-પિતાને કારણે વિવિધ આંદોલનમાં નાની વયે જ તૃપ્તિ જોડાઈ ગઈ હતી. તૃપ્તિ સામાજીક કાર્યમાં પોતે પણ જોડાઈ તેને માટે તેના માતા-પિતાનો આભાર માનતી. તેના જ શબ્દોમાં કર્મશીલતા તો તેને વારસામાં મળી હતી, “કોઈ જાતનો અન્યાય ન સહન કરવો એ હું મારા પિતા પાસેથી શીખી, જેમણે તેમની પત્રકારની નોકરી અને ગાંધીવાદી ફિલસૂફી છોડીને અન્યાય સામે લડવાનુ શરૂ કર્યું અને માર્કસવાદ-ટ્રૉટ્સકીવાદ સ્વિકારી મજૂર સંગઠક બન્યા. તેમની સાથે અને કમ્યુનિસ્ટ લીગના અન્ય યુવા મિત્રો સાથે મેં સિત્તેરના દાયકાથી ગુજરાતની બધી મહત્ત્વની ચળવળો માં ભાગ લીધો. નારીવાદી આંદોલનમાં જોડાવાના મૂળમાં આ અનુભવો રહેલા છે.”
લોકઆંદોલનમાં જોડાવાનો પહેલો લાભ તૃપ્તિને ૧૯૭૩માં ૧૧ વર્ષની વયે મળ્યો. તૃપ્તિ અને અન્ય પાંચ બહેનોને સરકારી બાળઘરમાં ત્રણ દિવસ માટે પૂરવામાં આવ્યા કારણ પુખ્ત વયના લોકો સાથે તેઓ પણ વડોદરાથી શરૂ થયેલ દૂધના ૧ રૂ.ના ભાવ વધારા સામેના વિરોધમાં જોડાયા હતા. ત્યાર બાદના નવનિર્માણ આંદોલન અને કટોકટી વિરૂદ્ધની ચળવળોમાં પણ તે જોડાઈ. બાલમંદિરથી જ સયાજી વિશ્વવિદ્યાલયના વાતાવરણમાં ભણનાર તૃપ્તિ યુનિવર્સિટી કાળથી જ મહિલાઓના પ્રશ્નોમાં કાર્યરત થઈ અને નારીવાદી ચળવળને તેણે જીવન સમર્પણ કર્યું.
અઢાર વર્ષની ઉંમરે તૃપ્તિ કમ્યુનિસ્ટ લીગમાં સક્રિય થઈ, જે વિશ્વભરમાં સ્વાયત્ત નારીવાદી આંદોલનોને પ્રેરે છે. કમ્યુનિસ્ટ લીગના ડૉ. વિભુતી પટેલે તૃપ્તિને બહુ નજીકથી માર્ગદર્શન આપ્યું અને જાણીતા નારીવાદી સમાજશાસ્ત્રી ડૉ. નીરા દેસાઈની પણ તેના યુવા માનસ પર તેમ જ નારીવાદી કાર્યો પર અસર રહી.
મથુરા બળાત્કાર કેસ ફરી ખોલાવવા માટે જે રાષ્ટ્રીય આંદોલન શરૂ થયું જેમાં કાયદામાં સુધારાની માગણી કરવામાં આવી ત્યારે, તૃપ્તિ નારી શોષણ વિરોધી સમિતી, વડોદરાની સભ્ય હતી. મહિલાઓ પર થતા અત્યાચારો તરફ મહિલા રાજકારણીઓની ઉદાસીનતાથી નિરાશ થયેલ તૃપ્તિએ મુંબઈમાં યોજાયેલ સ્વાયત્ત મહિલા આંદોલનોના ૧૯૮૦ના પહેલા સંમેલનમાં સૌથી યુવા કાર્યકર તરીકે ભાગ લીધો. આ અનુભવે તેણે નક્કી કર્યું કે વડોદરામાં પણ એવા સ્વાયત્ત મહિલા જૂથની જરૂર છે જે બિનરાજકીય હોય અને અન્ય મુદ્દાઓ કરતા સ્ત્રીઓના પ્રશ્નોને પ્રાધાન્ય આપી કામ કરે. આવુ સંગઠન ઉભુ કરવા પાછળ તેણે બાકીનું જીવન વિતાવ્યુ.
સમવિચારી મિત્રોની થોડા વર્ષોની મહેનતનું પરિણામ તે સહિયર (સ્ત્રી સંગઠન) જેમાં મુખ્યત્ત્વે સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીનીઓ હતી. આ ૧૯૮૪ની સાલ હતી. લાંબા ચિંતનને પરિણામે બહેનો દ્વારા બહેનો માટે આ સંગઠનની શરૂઆત થઈ, જેના લાંબા ગાળાનુ ધ્યેય હતુ અસમાનતા રહિત, અન્યાય રહિત, અત્યાચાર રહિત સમાજ ઊભો કરવો, જેમાં મહિલાઓને સમાન સ્થાન અને માનવ તરીકેનુ સન્માન મળે. સાંપ્રદાયિકબળો અને દરેક જાતના રૂઢિવાદને નકારતા, સમાનતા અને ભેદભાવ-રહિત સમાજના સિદ્ધાંત સહિયરની બધી જ પ્રવૃત્તિના કેન્દ્રમાં રહ્યા.
સહિયર (સ્ત્રી સંગઠન) વડોદરાનું નારીવાદી સંગઠન છે અને તૃપ્તિબેન તેના સ્થાપક સભ્યોમાંના એક હતા. સહિયર મહિલાઓના અધિકારો તેમ જ મહિલાઓના મુદ્દે સમાજમાં કાર્યરત છે. તૃપ્તિબેને શેરી નાટક, કાર્યાશાળાઓ, પ્રશિક્ષણ, સહભાગી સંશોધન અને પ્રકાશનમાં આગળ પડતો ભાગ લીધો હતો. મહિલાઓ અને કિશોરીઓના કાઉન્સેલીંગ તેમ જ તેમને કાનૂની સહયોગ પૂરો પાડવાનું કામ પણ તેમણે કર્યુ.
તૃપ્તિબેનની નિસ્બત માત્ર મહિલાઓના પ્રશ્ને જ નહોતી. તેમણે જાહેર પ્રશ્નો જેવા કે પર્યાવરણ, માનવાધિકાર, કોમવાદ જેવા મુદ્દાઓમાં મહિલાઓના પ્રશ્નો અને મંતવ્યો સાંકળવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. વિદ્યાર્થીકાળથી તૃપ્તિબેન અનેક સંસ્થાઓ અને સંગઠનો સાથે જોડાયેલા રહ્યા અને તેના દ્વારા તેમણે સામાજીક જાગૃતિના ઘણા કામો કર્યા. પર્યાવરણ સુરક્ષા સમિતિ તેવું જ એક જૂથ છે જેની સાથે તૃપ્તિ પહેલેથી સંકળાયેલી રહી.
પર્યાવરણ સુરક્ષા સમિતિના ભાગ રૂપે તૃપ્તિ તેની સંશોધન અને વિષ્લેશણ ક્ષમતાઓ વાપરીને પર્યાવરણના હ્રાસમાં વિકાસના નામે થતા જમીન સંપાદનમાં આદિવાસીઓના વિસ્થાપન અને તેમની પરના અત્યાચાર પર પણ ધ્યાન દોર્યું. તૃપ્તિબેને ચીંધેલ અનેક મુદ્દાઓ બદલાતા વાતાવરણમાં નોંધ લેવાઈ છે, જે તેની સમજની ઊંડાઈ દર્શાવે છે. તૃપ્તિની ગહન સમજણ અને કાર્યલક્ષી અભિગમ કેટલાક કોર્ટ કેસોમાં પરિણમી, જે પર્યાવરણીય આંદોલનનો મહત્ત્વનો હિસ્સો છે. તૃપ્તિબેન પી.યુ.સી.એલ. અને રૅડીકલ સોશીયલીસ્ટ સાથે પણ સંકળાયેલા રહ્યા.
તૃપ્તિબેને તેમની મહિલાઓના પ્રશ્ન અંગેની સંવેદનશીલતા અને કૌશલ્યનો ઉપયોગ અનેક આંદોલનો માટે કર્યો. જેમ કે નર્મદા બંધ સામેનુ આંદોલન, મીઠી વિરડીના અણુમથક સામે, ગુજરાતના ઔદ્યોગિક પ્રદુષણ સામે, ૨૦૦૨ની ગુજરાતની હિંસા સામે હોય, કે પછી સરકાર દ્વારા બસ્તિઓ તોડવા સામે હોય. તૃપ્તિબેને સ્ટૅચ્યુ ઑફ યુનિટી, ગરુડેશ્વર આડબંધ તેમ જ વિશ્વામિત્રી રીવરફ્રન્ટ જેવા પ્રકલ્પોમાં થનારા પર્યાવરણીય નિયમ ભંગ, તેનાથી ઉદ્ભવનારા રોજગારીના પ્રશ્નો અને તેનાથી થનારા વિનાશને પડકારવાનું કામ હિંમત પૂર્વક કર્યું.
તૃપ્તિબેનનો સયાજીરાવ વિશ્વવિદ્યાલય સાથેનો શૈક્ષણિક સંબંધ પણ ચાલુ જ રહ્યો. તે એક શિક્ષિકા, સંશોધક, મહિલા અધ્યયન સંશોધન કેન્દ્રમાં શૈક્ષણિક સંયોજક અને વાણિજ્ય તેમ જ સમાજસેવા વિભાગો સાથે જોડાયેલા રહ્યા. તૃપ્તિબેને તેમની વિદ્વત્તાનો ઉપયોગ કર્મશીલતા દ્વારા છેવાડાના માનવી માટે કર્યો. પછીએ સંસ્થાઓ માટે તાલિમ માર્ગદર્શિકા બનાવતા હોય, મુલ્યાંકન હોય, પ્રશિક્ષણ હોય, દરેકમાં તેમણે તેમની વિદ્વત્તા અને ક્રાંતિકારી કર્મશીલતાના દર્શન કરાવ્યા.
તૃપ્તિબેનનો પી.એચડી. સંશોધનનો વિષય હતો “અસંગઠિત ક્ષેત્રમાં મહિલાઓની આર્થિક પરિસ્થિતિ -વડોદરા શહેરનું એક અધ્યયન”, જે તેમણે ૨૦૦૦ના મે માસમાં પૂરુ કર્યું. તૃપ્તિબેનનું લેખન અવિરત ચાલતુ રહ્યું અને સ્વાયત મહિલા આંદોલનમાં તેમનો વિશ્વાસ પણ અડગ રહ્યો. ચાર હિસ્સામાં “નારી આંદોલન નો ઈતિહાસ” લખવાનો તેમને ખૂબ સંતોષ હતો. આ પુસ્તકો ઉન્નતિ અને સહિયરે સાથે મળી પ્રકાશિત કર્યા (૨૦૧૧) હતા.
તૃપ્તિબેનને છેલ્લા દિવસોમાં વિશ્વામિત્રી રીવરફ્રન્ટ પ્રકલ્પમાં થઈ રહેલ પર્યાવરણના નુકસાન, જૈવવિવિધતાના હ્રાસ, રોજગારી ખતમ થવા અંગે અને કાયદાના ભંગની ભારે ચિંતા રહી. છેલ્લા શ્વાસ સુધી તેમને થતુઃ બહેનોના અધિકારની વાત તો લોકો નથી સાંભળતા પરંતુ કમ સે કમ નદી, પર્યાવરણની વાત લોકો સમઝે!
તૃપ્તિને તેના અધુરા રહેલા કામો આગળ વધારીને અને તેની જીવન પ્રત્યેની માત્ર પોતાના જ નહીં, દરેક માનવીના અધિકારો માટે સંગર્ષ કરવાના મક્કમ નિર્ધાર સાથે સલામી આપી વિદાય આપીએ.
–રીટા ચોકસી, દિપાલી ઘેલાણી સહિયર (સ્ત્રી સંગઠન), સ્વાતી દેસાઈ, આનંદ મંઝ્ગાવકર, રોહિત પ્રજાપતિ, કૃષ્ણકાંત (પર્યાવરણ સુરક્ષા સમિતિ)