૧૯૯૮ – ૨૦૦૩ દરમ્યાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પૂના બેન્ચે ભારતના પર્યાવરણ, વન અને કલાઇમેટ ચેન્જ મંત્રાલયે ગુજરાતના 23 જેટલા અને ભારતના બીજા ઘણા ઉદ્યોગોને પર્યાવરણીય મંજૂરી મેળવ્યા વગર જ કામકાજ શરૂ કર્યા બાદ “Ex-Post-Facto Environmental Clearances” (પર્યાવરણીય મંજૂરી) બાબતે અપનાવેલ કાર્યપધ્ધતીને ગેરકાયદેસર જાહેર કરી છે. પર્યાવરણ સુરક્ષા સમિતિ અને પી.યુ.સી.એલ. નો અહેવાલ:
2003માં પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ અને પી.યુ.સી.એલ.ના ઝિયા પઠાણ દ્વારા દાખલ કરેલ જાહેર હિતની અરજીમાં [Application No. 66 (THC) of 2015 (WZ – Rohit Prajapati and ors. Vs Union of India and ors.] “Ex-Post-Facto Environmental Clearances”ને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગેરકાયદેસર જાહેર કરેલ છે.
આ ચુકાદાના પરિણામે પર્યાવરણના ભોગે અને પર્યાવરણના કાયદાને અવગણીને ઉત્પાદન શરૂ કરનાર ગુજરાત તેમજ ભારતના અનેક મોટા ઉધ્યોગો બંધ થશે.
પર્યાવરણ, વન અને કલાઇમેટ ચેન્જ મંત્રાલય, ભારત સરકારના તા. ૧૩-૩-૨૦૦૩ના પરિપત્ર મુજબ આવા ૩૧૨ ઉદ્યોગો હતા. તા. ૫-૧૧-૧૯૯૮ના રોજ જ્યારે “પ્રથમવાર” પર્યાવરણ મંત્રાલયના ધ્યાનમાં આવ્યું ત્યારે આવા કેટલા ઉદ્યોગો હતા તેની જાણકારી મેળવવાની બાકી છે. “Ex-Post-Facto Environmental Clearances” એટલે પર્યાવરણના કાયદાનો ભંગ કરીને ‘પર્યાવરણીય મંજૂરી’ મેળવ્યા સિવાય ઉત્પાદન શરૂ કરનાર ઉધ્યોગોને પર્યાવરણીય મંજૂરી આપવી.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પૂના બેન્ચે પોતાના ચુકાદામાં સ્પષ્ટ નોધ્યું છે કે “EIA Notification, 1994નો મુખ્ય ઉદ્દેશ્ય જ્યારે પર્યાવરણીય મંજૂરીની પ્રક્રિયા ચાલતી હોય તે દરમ્યાન જાહેર જનતાને આ નિર્ણય પ્રક્રિયામાં સહભાગી થવાની તક આપવાનો છે. પર્યાવરણીય મંજૂરી આપવાની પ્રક્રિયાને માત્ર એક વિધિ ગણાવી જોઈએ નહીં. ઔદ્યોગિક પ્રવૃત્તિનો પ્રકાર, તેની પ્રદૂષણ ઉત્પન્ન કરવાની સંભવિત શક્યતા અને બીજા પાસાઓ જનતાની જાણમાં હોવા જોઈએ અને તે માટે કમ સે કમ ‘પર્યાવરણીય અસર મૂલ્યાંકન’ અહેવાલ લોકોને પૂરો પડવો જોઈએ. રિસ્પોંડન્ટ નં. 1 થી 5 આવો કોઈ પ્રયત્ન કર્યો નથી તે એક નિર્વિવાદ હકીકત છે.
એક જાહેર સુનાવણી એક હોટલમાં અને બીજી ગ્રામ વિકાસ કેન્દ્રમાં યોજવામાં આવી હતી. એ હકીકત કે તા. 14-05-2002નો સર્ક્યુલર એ વન અને પર્યાવરણ મંત્રાલય અને અન્ય સત્તાવાળાઓ વચ્ચેનો આંતરિક સંદેશ વ્યવહાર છે તે સ્પષ્ટ કરે છે કે આવો સર્ક્યુલર The Environment (Protection) Act, 1986ની ઉપરવટ જઈ શકે નહીં. આ સર્ક્યુલર The Environment (Protection) Act, 1986ની એવી કોઈ પણ જોગવાઈ પણ દર્શાવતો નથી કે જેના હેઠળ ‘ex-post facto’ ECની પરવાનગી આપી શકાય. આ સર્ક્યુલર પોતે પાયામાથી જ ગેરકાયદેસર છે અને તેને રદ કરવો જોઈએ. આથી અમને એ કહેવામા સ્હેજ પણ ખંચકાટ નથી કે રિસ્પોંડન્ટ નં. 6 થી 9 દ્વારા પર્યાવરણીય મંજૂરી મેળવવાની ‘ex-post facto’ પ્રક્રિયા હાસ્યાસ્પદ નાટક, અનુચિત અને કાયદામાં પરવાનગી ના આપી શકાય તેવી છે અને ગેરકાયદેસર છે કે જે કોઈ પણ રીતે સુધારી શકાય તેમ નથી.”
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પૂના બેન્ચે અંતમાં સ્પષ્ટ આદેશ આપતા લખ્યું છે કે, “પરિણામ સ્વરૂપે અમે એવો અભિપ્રાય વ્યક્ત કરીએ છીએ કે આ અરજી તમામ દ્રષ્ટિએ જોતાં સફળ છે અને તેથી અમે નીચે મુજબના આદેશ કરીએ છીએ.
- ૧૪-૫-૨૦૦૨નો સર્ક્યુલર ગેરકાયદેસર, રદબાતલ અને અમલમાં જ ન હોય તેવો છે. પર્યાવરણ અને વન મંત્રાલયે પોતાની સ્થિતિ, સંબંધિત સત્તાવાળાઓને તાત્કાલિક, એક જ મહિનામાં સ્પષ્ટ કરવી જોઈએ અને ઉપર જણાવેલ સર્ક્યુલરના આધારે હવે પછી કોઈ પગલાં ભરવા ન જોઈએ.
- ૧ થી ૫ નંબરના રિસ્પોંડન્ટ કોઈ પણ એવી ઔધ્યોગિક પ્રવૃત્તિ ચલાવવાની પરવાનગી આપશે નહિ કે જે Environment (Protection) Act, 1986, હેઠળ આવરી લેવામાં આવી હોય અને જેમાં EIA Notification dated 14th September, 2006, હેઠળ પરવાનગી જરૂરી હોય જ્યાં સુધી તેઓ જરૂરી પગલાઓ જેમકે, ચકાસણી, વ્યાપ, જાહેર સુનાવણી અને તે અંગે નિર્ણય (screening, scoping, public hearing and decision) પૂરા ના કરે.
- ૧ થી ૫ નંબરના રિસ્પોંડન્ટ, આજથી એક મહિનાની અંદર રિસ્પોંડન્ટ નંબર ૬ થી ૯ને તા. ૧૭-૦૭-૨૦૦૩, તા. ૨૩-૧૨-૨૦૦૨, અને તા. ૧૪-૫-૨૦૦૩ના રોજ આપેલ પર્યાવરણીય મંજૂરી પછી ખેંચે.
- રિસ્પોંડન્ટ નંબર ૬ થી ૯ પોતાની માન્ય પર્યાવરણીય મંજૂરી વગર ચાલતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ તાત્કાલિક, ચાર અઠવાડિયામાં, બંધ કરી દે કારણકે તેઓ કાયદેસરની પરવાનગી/સહમતી વગર અને એક્સ-પોસ્ટ ફેકટો સહમતી કે એક્સ પોસ્ટ ફેકટો સુનાવણીથી મળેલ છે તેની હેઠળ ચાલે છે.
- રિસ્પોંડન્ટ નંબર ૬ થી ૯, દરેક, ૧૦ લાખ રૂપિયા પર્યાવરણને નુકસાન કરવા બદલ ચૂકવશે જે ૩૭માં નિયમ, NGT (Practices & Procedure) Rules, 2011, હેઠળ જમા કરાવવાના રહેશે.
- રિસ્પોંડન્ટ નંબર ૬ થી ૯, દરેકે, અરજીના ખર્ચ પેટે રૂ. ૧૦,૦૦૦/- અરજી કરનારને ચૂકવે.
- રિસ્પોંડન્ટ નંબર ૬ થી ૯એ જમા કરાવેલ રકમનો ઉપયોગ પર્યાવરણના પુન:સ્થાપન માટે કરવામાં આવશે અને અંકલેશ્વર કે તેની આસપાસ જો કોઈ સ્થળે વનીકરણ માટે ઉપલબ્ધ જ્ગ્યા હોય તો તેના માટે થશે.
- જો રિસ્પોંડન્ટ નંબર ૬ થી ૯ ઉપર જણાવેલ રકમ જમા ન કરે તો સંબંધિત જિલ્લા કલેક્ટર તેમના ઉદ્યોગો અને માલ, સ્ટોક, બેરલ વગેરે જપ્ત કરી અને વેચીને જે રીતે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ હેઠળ હોય તે મુજબ એટલી રકમ વસૂલ કરશે
અમે પર્યાવરણ, વન અને કલાઇમેટચેન્જ મંત્રાલયને પત્ર લખવાના છીએ કે હવે જ્યારે “Ex-Post-Facto Environmental Clearances” અંગેનો સર્ક્યુલર, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રદ કર્યો છે અને મૂળથી જ ગેરકાયદેસર જાહેર કર્યો છે ત્યારે પર્યાવરણ, વન અને કલાઇમેટચેન્જ મંત્રાલયે આખા ભારતના એવા તમામ પ્રોજેકટ અને ઉધ્યોગો કે જેમને આ સર્ક્યુલર હેઠળ પર્યાવરણીય મંજૂરી આપવામાં આવેલ છે તેમની પર્યાવરણીય મંજૂરી રદ કરવી જોઈએ અને એવા તમામ પ્રોજેકટ અને ઉદ્યોગોને બંધ કરવા જોઈએ. પર્યાવરણ, વન અને કલાઇમેટચેન્જ મંત્રાલયે આવા તમામ પ્રોજેકટ અને ઉદ્યોગોએ પર્યાવરણને જે નુકસાન પહોચડ્યું છે તેનું મૂલ્યાંકન કરી તેમની પાસે પર્યાવરણને સુધારવા માટેનો તમામ ખર્ચ વસૂલ કરવો જોઈએ.