કિરીટ રાઠોડ*/
માહિતી અધિકાર હેઠળ મેળવેલ માહિતીમાં સરકારની પોલ ખુલી ગઈ છે. દલિત / આદિવાસી / ઓ.બી.સી ની અનામત નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રી સ્તરે કે મંત્રી સ્તરે કોઈ સમિતિ બનાવવામાં આવી નથી. છેલ્લા ૧૫ વર્ષના ભા.જ.પ.ના રાજમાં અનામતના અમલીકરણ અંગેનું કોઈ રેકર્ડ સામાજિક ન્યાય વિભાગ કે આદિજાતી વિભાગ પાસે નથી. પટેલ અનામતની સમીક્ષા અંગે સમિતિ પણ દલિત / આદિવાસી / ઓ.બી.સી ની અનામતના અમલીકરણ અંગે કોઈ સમિતિ નથી.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેઓ પોતાને પાછાત જાતિના ગણાવે છે તેઓની સરકારમાં અને હાલમાં ચાલુ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કે જેઓ પાટીદાર નેતા છે તેમની સરકારમાં દલિત / આદિવાસી / ઓ.બી.સી ને મળેલ અનામતના અમલીકરણની સમિક્ષા કરવા માટે કોઈ સમિતિ બનાવવમાં આવી નથી. કે મુખ્યપ્રધાન દ્વારા અનામત નીતિના અમલીકરણ અંગે કોઈ બેઠકો પણ બોલાવવામાં આવેલ નથી તેવી ચોકાવનારી વિગતો R T I ની માહિતીમાં બહાર આવી છે.
તા- ૧/૧/૨૦૦૧ થી ૩૦/૯/૨૦૧૫ સુધી એટલે પંદર વર્ષોમાં ગુજરાતમાં દલિતો / આદિવાસી / ઓ.બી.સી ને મળેલ અનામતની સમીક્ષા કરવા મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકોના એજન્ડા અને મિનીટ્સની નકલો તેમજ અનામતની સમીક્ષા કરવા માટે જીલ્લા સ્તરે/ વિભાગ સ્તરે/ મંત્રી સ્તરે/મુખ્યમંત્રી સ્તરે સમિતિના ઠરાવોની નકલો મેળવવા માટે કિરીટ રાઠોડ – સામાજિક કાર્યકર (નવસર્જન ટ્રસ્ટ) દ્વારા માહિતી અધિકાર હેઠળ સામાન્ય વહીવટ વિભાગ પાસે તા-૧૯/૦૮/૨૦૧૫ ના રોજ માંગણી કરવામાં આવી હતી.
આ RTI ની અરજીની માહિતી પૂરી પાડવા માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા- ૦૩/૦૯/૨૦૧૫ ના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતી વિભાગને તબદીલ કરવામાં આવી હતી.
- તા- ૧૫/૦૯/૨૦૧૫ ના રોજ જાહેર માહિતી અધિકારી અને ઉપસચિવ (નરેન્દ્ર વાઘેલા), આદિજાતી વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા ચોકાવનારો જવાબ મળ્યો કે આ અનામત નીતિની બાબત નીતિ વિષયક છે. આ વિભાગ દ્વારા અનામત સંબંધે કોઈ નીતિ વિષયક કામગીરી કરવામાં આવતી નથી.
- તા- ૩૦/૯/૨૦૧૫ ના રોજ જાહેર માહિતી અધિકારી અને ઉપસચિવ(વિજાક), (જે.વી.દેસાઈ), સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા જવાબ મળ્યો કે ગુજરાતના ઓ.બી.સી ને મળેલ અનામતની સમીક્ષા માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ મીટીંગોનું કોઈ રેકર્ડ ઉપલબ્ધ નથી. તેમજ અનામતની સમીક્ષા કરવા માટે જીલ્લા સ્તરે/ વિભાગ સ્તરે/ મંત્રી સ્તરે/મુખ્યમંત્રી સ્તરે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, દ્વારા કોઈ સમિતિ બનાવવામાં આવેલ નથી.
- તા-૦૫/૧૦/૨૦૧૫ ના રોજ જાહેર માહિતી અધિકારી અને ઉપસચિવ (જગદીશ ખાડિયા), સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા જવાબ મળ્યો કે દલિતને મળેલ અનામત નીતિની વિષયવસ્તુ જોતા અનુસુચિત જાતિ કલ્યાણને સંબંધિત કોઈ મુદ્દો ન હોઈ માહિતી આપવાની થતી નથી.
ઉપરોક્ત જવાબોથી સાબિત થાય છે કે ગતિશીલ ગુજરાતમાં દલિત / આદિવાસી / ઓ.બી.સી સમાજ ને મળેલ અનામત નીતિનું કડક અમલીકરણ કરવાની સીધી જવાબદારી જેના શિરે છે તેવા કેબીનેટ મંત્રીઓ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા જ અનામત નીતિનું કડક અમલીકરણ કરવામાં નિષ્ફળ નીવડેલ છે.
ગુજરાતમાં છેલ્લા છ માસથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે. પાટીદારોની અનામતની માંગણી અંગે પાટીદાર નેતા તરીકે આંદીબેન પટેલ – મુખ્યમંત્રી દ્વારા તાબડ તોબ સમિતિનું ગઠન પણ થયું. જેના અધ્યક્ષ નીતિનભાઈ પટેલ હતા. આ સમિતિની બેઠકો પણ વારંવાર મળી. જેના અહેવાલો સમાચાર માધ્યમોમાં આવર – નવાર જોવા મળ્યા છે. પણ જ્યારે આજ આનામત નીતિની સમીક્ષા અંગે સમિતિઓની બેઠકોની માહિતી અંગે RTI અરજીમાં આવી કોઈ સમિતિ બનાવવામાં આવી નથી તેવો ગુજરાત સરકાર દ્વારા જવાબ આપવામાં આવે છે.
આ ગતિશીલ ગુજરાત સરકારમાં પટેલ અનામતની સમીક્ષા અંગે સમિતિ પણ દલિત / આદિવાસી / ઓ.બી.સી ની અનામતના અમલીકરણ અંગે કોઈ સમિતિ નહિ પટેલ મુખ્યપ્રધાનના રાજમાં પટેલો પોતાના અને દલિત / આદિવાસી / ઓ.બી.સી પારકા જેવો ઘાટ ઘડાયો હોય તેવું સાબિત થાય છે.
—
*સામાજિક કાર્યકર, નવસર્જન ટ્રસ્ટ, ગુજરાત