રતનસિંહ ચૌધરીની મૃત્યુ: બનાસકાંઠા પૂર રાહત સંદર્ભે એક પણ આર.ટી.આઈનો જવાબ આપ્યો નથી, ભ્રષ્ટાચારમાં બધા સંકળાયેલા છે

બનાસકાંઠા જીલ્લાના સુઈગામ તાલુકાના ગરાંબડી ગામના શ્રી રતનસિંહ ચૌધરી (પટેલ)ની બનાસકાંઠા પુર રાહત સહાય વિતરણમાં થયેલ ગેરરીતી અંગે ફરિયાદ સંદર્ભમાં જાત તપાસ સમિતિનો  અહેવાલ*: 

અમલીકરણમાં પારદર્શિતા અને જવાબદેહિતા ના અભાવ ના લીધે, સરકારી કાર્યક્રમોની અસરકારકતા જોઈએ તેટલી દેખાતી નથી. ખરેખર જરૂરિયાતમંદ લોકો સેવાઓથી અને લાભથી વંચિત રહી જાય છે, જયારે તાકાતવાળા લોકો વધુ પડતો લાભ પોતાની તરફ ખેંચીને લઇ જાય છે. અન્યાય સામે નાગરિક આવાજ ઉઠાવે, તો પહેલાં તેને પૈસાની લાલચ આપવામાં આવે છે, અને જો તે ન માને તો તેને ખતમ કરી દેવામાં આવે છે.

ઉપરોક્ત પરિસ્થિતિ બિહાર, ઝારખંડ જેવા “પછાત” ગણાતા રાજ્યની નથી, પણ ગુજરાતની છે! કોઈ પણ કાર્યક્રમમાં અધિકારીઓ અને ચૂંટાયેલા લોકોની ટકાવારી નક્કી હોય છે. પછી એ રાજકીય સભાઓ કે સંમેલનો હોય કે પુરગ્રસ્ત વિસ્તારો મા આવેલ રાહત સહાય. ભ્રષ્ટાચારી લોકોને કોઈ પણ પ્રકારના પૈસાની કોઈ સુગ નથી.

તાજેતરમાં બનાસકાંઠા જીલ્લાના ના સુઈગામ તાલુકાના ગરાંબડી ગામના રહેવાસી શ્રી રતનસિંહ ચૌધરી (પટેલ)એ પુર રાહત સહાય વિતરણ માં થયેલ ગેરરીતી વિશે ફરિયાદ કરતાં જાનથી મારી નાખવામાં આવ્યા. જુન-જુલાઈ મહિનામાં અમરેલી જીલ્લામાં પુર આવ્યું હતું અને સરકાર તરફ થી રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ હતું.

PUCL નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન તરફથી જાત તપાસ માટે એક કમિટીનું ગઠન કરવામાં આવેલ જેણે વધારે અસરગ્રસ્ત કેટલાક ગામોની રૂબરૂ મુલાકાત લઇ અહેવાલ તૈયાર કરી બહાર પાડવામાં આવ્યો હતો અને તેમાં સ્પષ્ટપણે માંગણી કરેલ હતી, કે રાહત સહાય સર્વે, અને વિતરણમાં પારદર્શિતા જળવાય તે જરૂરી છે. તેથી, તમામ લાભાર્થીઓના અને સહાય માટેના માપદંડોની વિગતો ગ્રામ્ય સ્તરે જાહેર કરવામાં આવે અને તેને ગ્રામસભામાં વંચાણે લેવામાં આવે. સરકારે જો તેમ કર્યું હોત તો કદાચ રતનસિંહ ની જાન બચી હોત.

તા. ૧૭/૧૦/૨૦૧૫, ના રોજ સવારે ૪ ઇસમોએ રતનસિંહ પર હુમલો કર્યો અને તેમને જાનથી મારી નાખવામાં આવ્યા. રતનસિંહ અને તેમના મિત્ર હરખાભાઇ સોલંકી બંનેએ સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો. રતનસિંહભાઈ, હરખાભાઇ તેમજ અન્ય બે ગ્રામજનોએ ૭મી ઓક્ટોબરે મુખ્યમંત્રીશ્રીની કચેરીમાં તેમજ તાલુકા પંચાયતમાં રાહત સહાયમાં ચાલતી ગેરરીતી અટકાવવા પત્ર લખી ફરિયાદ અને માંગણી મૂકી હતી જયારે ૧૨મી તારીખે હરખાભાઈએ રાહત મેળવનાર ની યાદી, અને તેના માપદંડો ની વિગત, તેમના મિત્ર રતનસિંહભાઈની ફરિયાદ પર લીધેલ પગલા ની વિગત આરટી આઈ એક્ટ અંતર્ગત માંગી હતી.

રતનસિંહભાઈના મૃત્યુના દિવસે આ વિષે વિગતે કોઈને ખ્યાલ ન હતો. રતનસિહભાઈએ ફરિયાદ અને આર ટી આઈ કરી છે, તેમ બધાને ખ્યાલ હતો, હરખાભાઇ પણ તમામ વિગતો કહેવાની મન:સ્થિતિમાં ન હતા. માહિતી અધિકાર ગુજરાત પહેલની હેલ્પલાઇન પર આ અંગે મળેલ પ્રાથમિક વિગતોના આધારે, પુર રાહત સહાય વિતરણ અંગેની તમામ વિગતો ગ્રામ્ય સ્તરે જાહેર કરવાની માંગણી સાથે શ્રી મહેશભાઈ પંડ્યા, અને પંક્તિ જોગ તરફથી ફરિયાદ કરવામાં આવી હતી. તેના અનુસંધાને આયોગ તરફથી એક વચગાળાનો હુકમ કરવામાં આવ્યો હતો. પણ ત્યારબાદ, શ્રી નારણભાઈ રાવળ, કે જેઓ સામાજિક કાર્યકર છે, તેમણે માહિતી અધિકાર ગુજરાત પહેલ વતી રતનસિંહના ઘરની મુલાકાત લીધી ત્યારે ઉપરોક્ત હકીકત સામે આવી, અને તે પણ અમોએ તરતજ રાજ્ય માહિતી આયોગ સમક્ષ રજુ કરી.

તે દરમ્યાન કલેકટર તરફથી આયોગને અહેવાલ મોકલવામાં આવ્યો કે રતનસિંહ ચૌધરીના નામની કોઈ “આર ટી આઈ” ની અરજી પડતર નથી. જે અર્ધસત્ય છે. રતનસિંહની પત્ર દ્વારા કરેલ ફરીયાદોની બાબત આયોગથી છુપાવી, સરકારે આયોગને ને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે.

કમિટી તપાસ માં ગઈ ત્યારે લોકોએ કરેલ રજુઆતો

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારો માટે રાહત સહાય પેકેજ માં કેશ ડોલ, ઘરવખરી સહાય, મકાન નુકસાન સહાય, જમીન ધોવાણ માટેની સહાય અને પશુ મૃત્યુ સહાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકાર તરફથી “ટેકનીકલ સર્વે ટીમો” બનાવવામાં આવી હતી અને તેમણે નુકસાનીનો સર્વે કરી તાલુકાને સોંપવાનો હતો. પણ સર્વે ટીમ ને ઘણા ગામોની જવાબદારી હોવાથી, અને સમયમર્યાદામાં કામ પૂરું કરવા અંગેનું દબાણ હોવાથી, મોટાભાગના ગામોમાં સ્થળ પરનો સર્વે થયો નહિ, તેથી સરપંચ ,અને ગામના આગેવાનોએ જે લખાવ્યું તે લખીને સર્વે પૂરો કર્યો તેમ અસરગ્રસ્તોએ હેલ્પલાઇન પર ફોન કરીને જણાવ્યું છે.

ગરાંબડી ગામમાં કેશ ડોલ અને ઘરવખરી સહાયમાં કોઈ ખાસ મુશ્કેલી સામે આવી નહિ, પણ પશુ મૃત્યુ સહાય વિતરણમાં સરપંચે આપેલ બેરર ચેક પર પાછળ સહી કરાવી, રોકડ બેંક માંથી ઉપાડી લીધી અને ૧૦ હજાર રૂપિયા પોતાની પાસે રાખીને બાકીની રકમ લાભાર્થીને આપી તેવી ઘણી મૌખિક ફરિયાદો રતનસિંહ ને મળતા તેમણે અને હરખાભાઈએ મૌખિક રજૂઆત સરપંચને કરી હતી. સરપંચનો વિરોધ કરીશું તો બીજી સહાય નહિ મળે, તે ડરથી, કોઈએ તેનો વાંધો લીધો નહિ.
ત્યારબાદ મકાન સહાયના ચેક આવવા માંડ્યા. જેમના ઘર સંપૂર્ણપણે નાશ પામેલા હતા તેમને માત્ર ૯૬૦૦ રૂપિયા નો ચેક મળ્યો જયારે ગામના ઘણાં લોકોને ૯૫૦૦૦ રૂપિયાના ચેક મળ્યા હતા, પણ તેમના ઘરને કોઈજ નુકસાન થયું ન હતું. તે જોઇને રતનસિંહ ભાઈએ સરપંચનું ધ્યાન દોર્યું ત્યારે સરપંચે ‘તમારો ૧ લાખનો ચેક લખાવું પણ તમે આ મુદ્દાથી ખસી જાઓ’ એમ કહ્યું.

રતનસિંહ ખેડૂત હતા, પણ સામાજિક કાર્યકર તરીકે તેમને ગામ અને વિસ્તાર જાણતો હતો. પુર આવ્યું ત્યારે તેમણે ઘરવિહોણા લોકોને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો. ગામમાં પીવાનું પાણી ન હતું. રતનસિંહ ભાઈએ ટ્રેક્ટર વડે પાણી લાવી ગામને પાયું. ત્રણ થી ચાર દિવસ, ગામના ઘણા લોકોએ રતનસિંહના ઘરે ખાધું. સામાજિક નિસ્બતના આવા કામોએ તેમને હરખાભાઇ જેવા મિત્ર અને સાથી આપ્યા. હરખાભાઇની ઉમર ૨૫ ની આસપાસ. રતનસિંહ તેમને પોતાની સાથે સામાજિક કામ માટે તૈયાર કરવા લાગ્યા. કોઈ રજૂઆત કરવાની હોય કે ફરિયાદ, તેઓ બંને સાથે જ જતા.

તેમની મૌખિક રજૂઆતની કોઈ અસર ના થતી દેખાતાં તા. ૭/૧૦/૨૦૧૫ ના રોજ તેમણે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય માં ફેક્સ થી વિગતે ફરિયાદ કરી હતી, અને તેમાં રાહત સહાયમાં ચાલતી ગેરરીતી અટકાવવા માંગણી કરી હતી. તે ફરિયાદ ૧૨/૧૦/૨૦૧૫, ના રોજ પાલનપુર અને ત્યાર બાદ તાલુકા કક્ષાએ તબદીલ કરવામાં આવી હતી.

દરમ્યાન રતનસિંહ ભાઈએ તાલુકા વિકાસ અધિકારી પાસે પણ ફરિયાદ દાખલ કરી હતી. પણ તેમાં કોઈ જ કાર્યવાહી થઇ નહિ. એટલે તેમણે માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. હરખાભાઈએ આર ટી આઈ ની અરજી કરીને પૂછ્યું કે સર્વેની વિગતો શું હતી? કયા માપદંડોથી કોને કેટલી સહાય આપવામાં આવી? અને રતનસિંહની ફરિયાદ પર શું પગલા લીધા ? આ આર ટી આઈ તેમણે ૧૨/૧૦/૨૦૧૫મી એ કરી.

ઉપરોક્ત તમામ માહિતી માહિતી અધિકાર કાયદાની કલમ ૪(૧) ખ મુજબ સામેથી ચાલીને જાહેર કરવાની વિગતોમાં આવે છે, પણ તેમ છતાં તે વિગતો તેમને આજદિન સુધી મળેલ નથી.

રતનસિંહ ભાઈ, રાત્રે તેમના ખેતરે સુવા માટે જતા હતા. ૧૭ તારીખે જયારે તેઓ અને તેમનો સૌથી નાનો દીકરો મોટરસાઇકલથી ખેતરથી આવતા હતા ત્યારે ૬:૩૦ વાગે સવારે ખેતરની નજીક જ ૪ ઇસમોએ લાકડી વડે તેમના પર હુમલો કરી તેમને મૂઢ માર માર્યો. રતનસિંહ ભાઈ ઘટના સ્થળેજ મૃત્યુ પામ્યા. પોસ્ટમોરટેમ અહેવાલ અનુસાર તેમનું કીડની અને લીવર ફાટી ગયું હતું, તેમજ છાતીમાં પણ અંદર ખુબ જ રક્તસ્ત્રાવ થયો હતો.

આ ઘટના બાદ, પોલીસે ૪ આરોપી માંથી ૨ જણને પકડ્યા હતા પણ તેઓ જામીન પર છૂટી ગયા છે. આરોપીના પરિવાર જનો રતનસિંહના પરિવાર જનોને હજુ પણ ધમકીઓ આપ્યા કરે છે. તેમના ઘર પાસેથી દાતરડા બતાવતા નીકળે છે. રતનસિંહના મોટા ભાઈ, અને તેના ૩ પુત્રો ખુબજ ગભરાયેલા છે, અને આ ઘટના વિષે, કોઈને પણ કશું જ કહેવા માંગતા નથી.

તેમના પત્નીએ કહ્યું કે રતનસિંહ ભાઈએ સમ ખાધાં હતા કે જ્યાં સુધી ગામના અસરગ્રસ્ત લોકોને ન્યાય મળશે નહિ ત્યાં સુધી તેમના નામે આવેલ ૯૬૦૦ રૂપિયાની સહાયના ચેકને તેઓ અડશે નહી.

અસરગ્રસ્ત પરિવારોમાંથી ઘણાને અન્યાય થયો છે, પણ કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી. લોકો ગભરાયેલા છે. રતનસિંહની હત્યા બાદ તો સરપંચનું નામ અને ફોન નંબર આપવા પણ બધાં ગભરાય છે.

કમિટીએ તાલુકા પંચાયતની મુલાકાત લીધી. તાલુકા વિકાસ અધિકારી કચેરીમાં ન હતા, પણ થોડી વારમાં આવી પહોંચ્યાં. ગરાંબડી ગામની સહાય મંજુર થયેલાની યાદી તેમણે આપી, પણ કોને કેટલી રકમ ચૂકવાઈ તે અંગે ના રજીસ્ટર માં વિગતો ન હતી. કોઈની સહી પણ ન હતી. જે સહાય ચુકવવામાં આવી છે તેમાં મોટાપાયે ગેરરીતી થઇ હોવાની શક્યતા છે.

યાદી જેમને ૯૫૦૦૦/૨૫૦૦૦ મળવાપાત્ર છે, તેમના નામે માત્ર ૯૬૦૦ ના ચેક નીકળ્યા છે. જયારે સરપંચ અને તેમના સગા વ્હાલા લોકોને દોઢ લાખ જેટલી સહાય ચુકવવામાં આવી છે. એટલે કોમ્પ્યુટરમાં જે અસરગ્રસ્તો ની યાદી અને રકમ છે તેની સાથે ચૂકવણી રજીસ્ટર ની વિગતોનો મેળ ખાતો નથી.

એક જ ઘરમાં જુદી જુદી વ્યક્તિઓના નામે એક થી વધુ વાર રકમ ચુકવવામાં આવી છે. તેમજ તાલુકા વિકાસ અધિકારીએ લાંચ લઇ ને નામ અને રકમ માં ફેરફાર કર્યા છે.

તાલુકા કક્ષાએ જુદા જુદા ગામોના ઘણા લોકો તેમના ચેક અંગેની રજૂઆત કરવા આવ્યા હતા, તેમને સંભાળવામાં આવ્યા નહોતા. અને ઘણાએ કહ્યું કે અડધી રકમ ની લાંચ આપીએ તો તાલુકા વિકાસ અધિકારી ૧ લાખનો ચેક લખી આપે છે. તાલુકા વિકાસ અધિકારીએ લોકોને કહ્યું છે, આ પૈસા ઉપર એમ એલ એ અને એમ પી સુધી પહોંચાડવા પડે છે.
કમિટીના સભ્યોએ જયારે લોકોને હિમ્મત આપી ત્યારે ઘણા લોકોએ આર ટી આઈ કરી સર્વે ફોર્મ અને લાભાર્થીની યાદીની માંગણી કરી હતી.

જાત તપાસ કમિટીની તાલુકા વિકાસ અધિકારી સાથેની મીટીંગનો ટુંક સાર

છેલ્લા એક-બે મહિનામાં ત્રણ ટી.ડી.ઓ. બદલાઈ ગયા. તાલુકા વિકાસ અધિકારી તેમની પાસે સ્ટાફ ઓછો છે, અને તાલુકાના જુદા જુદા ગામોથી તેમના પર સહાય મંજુર કરવા દબાણ આવે છે તેની વાત વારંવાર કરતા રહ્યા. “પૂર રાહત સંદર્ભે મેં એક પણ ફરિયાદ કે આર ટી આઈ નો જવાબ આપ્યો નથી. મને સરકાર ભલે સસ્પેન્ડ કરે, બીજું શું?” એમ તેમણે એકદમ શાંતિથી કહ્યું તેના પરથી આ ભ્રષ્ટાચારમાં નીચેથી ઉપર ગાંધીનગર સુધી બધા સંકળાયેલા છે, તેનો ખ્યાલ આવ્યો.

કમિટીના ઓબ્ઝર્વેશન અને તારણો

બનાસકાંઠા જીલ્લાના પુર રાહત સહાય વિતરણમાં મોટા પાયે ગેરરીતી થઇ હોય તેમ જણાય છે. સર્વે, અને લાભાર્થીઓને સહાય આપવાની પદ્ધતિમાં પારદર્શિતાનો બિલકુલ અભાવ છે, બાબતે ન તો ગ્રામ્ય સ્તરે માહિતી આપ મેળે જાહેર થઇ છે, ન તો પંચાયત આ અંગે કોઈ માહિતી આપે છે. રાજકીય રીતે પહોંચ અને સત્તા ધરાવતા લોકોએ તેમના સગા-વ્હાલા અને લાગતાં વળગતાના નામો લાભાર્થીની યાદીમાં મુકાવ્યા છે.

સત્તાપક્ષની સાથે સંબંધ ધરાવતા લોકોને સંભાળવામાં આવે છે, જયારે વિરોધી પક્ષ સાથે સંબંધ ધરાવતા સરપંચો, અને પંચાયત સદસ્યો, તેમ જ નાગરીકો બિચારા બાપડા થઈને કચેરીઓના ધક્કા ખાય છે, ફરિયાદ કરે તો તેમને ધમકીઓ મળે છે.

રતનસિંહની હત્યામાં જે ચાર આરોપી છે તે એક જ કુટુંબના છે. બાપ અને ત્રણ દીકરા. બે આરોપી તો હજુ પકડાયા નથી. જે બે આરોપીઓ પકડાયા હતા તે પણ કલમ ૩૦૨ અંતર્ગત કે જે હત્યાના કેસમાં જામીનપાત્ર નથી તેમ છતાં સેસન્સ કોર્ટમાં જામીન પર છૂટી ગયા છે. આથી ફરિયાદીએ હાઈકોર્ટમાં જવું જ પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે આરોપીઓ રતનસિંહના પરિવાર જનોને તેમજ આખા ચૌધરી સમાજને દબાવે/ધમકાવે છે. રતનસિંહ ના પરિવારજનો હવે હિંમત હારતા જાય છે. તેમની હત્યા બાદ લોકોમાં ભય દેખાઈ આવે છે.

વિશાળ જાહેર હિત અને સુશાનના ને લગતા મુદ્દાઓ

આ મુદ્દામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે તેથી માહિતી અને વિગતો છુપાવવામાં આવી રહી છે. રતનસિંહની ફરિયાદ બાદ, મુખ્યમંત્રીશ્રીની કચેરી તરફથી રાબેતા મુજબ પત્ર સાથે કલેકટર પર પત્ર ગયો છે, પણ તેમ છતાં તેમાં ૧૭ તારીખ કે આજ દિન સુધી કોઈ જ તપાસ થઇ નથી. તેનાથી પુર રાહતના ભ્રષ્ટાચારમાં તંત્ર ને ચૂંટાયેલા લોકો જોડાયેલા હોય તેવી પ્રતીતિ થાય છે. તેમ જ આ પણ સાબિત થાય છે, કે સરકાર તેમાં કોઈ સઘન, નિષ્પક્ષ તપાસ કરવા ઇચ્છતી નથી.
આ ઘટના બાદ, માહિતી આયોગ તરફથી રીપોર્ટ ફાઈલ કરવા અંગે હુકમ થયો હતો. તેના જવાબ માં તાલુકા વિકાસ અધિકારીએ, “રતનસિંહ ભાઈની કોઈ આર ટી આઈ પડતર નથી”, તેવો અર્ધ- સત્ય બતાવતો જવાબ આપીને માહિતી આયોગને પણ સમગ્ર હકીકત કહી નથી, અને જાણીબુઝીને અને બદ-ઈરાદાથી આ હકીકતો છુપાવી છે.
કમિટી આ અહેવાલ સરકાર, માહિતી આયોગ, માનવ અધિકાર પંચ, તેમજ અન્ય લગતા વળગતા વિભાગોને મોકલી, કાર્યવાહી ની માંગણી કરશે.  લાભાર્થીની યાદી અને આપેલ ચેકની રકમ તેમાં વિસંગતતા છે. યાદી માં જે રકમ જે તે લાભાર્થીઓના નામ સામે બોલાય છે, તેનાથી જુદી રકમનો ચેક લખાયો છે.  ચેક ઉપરના નામ પણ ખોટા લખાયા છે, અને તેથી પીડિતોને પૈસા મળતા નથી. નામ સુધરાવવા માટે લોકો કચેરીઓના ધક્કા ખાય છે.

*જાત તપાસ કમિટી ના સભ્યો જતીનભાઈ શેઠ, પી.યુ.સી .એલ;  નીતાબેન મહાદેવ, ગુજરાત લોકસમિતિ; મીનાક્ષીબેન જોષી, મુવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રસી;  નારણભાઈ રાવળ, વિચરતા સમુદાય સમર્થન મંચ;  ઘનશ્યામ ઝૂલા, અગરિયા હિતરક્ષક મંચ; મહેશ પંડ્યા, પર્યાવરણ મિત્ર; પંક્તિ જોગ, માહિતી અધિકાર ગુજરાત પહેલ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s