પી. સાંઈનાથ જ્યાંથી ભણ્યા તે યુનિવર્સિટી જો રાષ્ટ્રવિરોધીઓનો અડ્ડો ગણાવી શકાતી હોય તો પી. સાંઈનાથને પણ દેશદ્રોહી જ ગણવા પડે

મેહુલ મંગુબહેન/

કામ અખબારીજગતનું છે એટલે ત્યાંથી જ શરૂ કરીએ. નામ પી. સાંઈનાથ. આખું નામ ફાલાગુમ્મી સાંઈનાથ. કામ દેશના અગ્રણી ગ્રામીણ પત્રકાર અથવા તો એમ કહો કે પત્રકારત્વનું હરતુંફરતું વિશ્વવિદ્યાલય. નોબલ સન્માનિત અર્થશાસ્ત્રી ડો. અમર્ત્ય સેન પી. સાંઈનાથને દુકાળ અને ભૂખની સમસ્યાના વૈશ્વિક નિષ્ણાત તરીકે ઓળખાવે છે. પી. સાંઈનાથ પત્રકાર, લેખક અને શિક્ષક છે. મગજ બહેર મારી જાય અને દિલની સંવેદનાને લાગેલો કાટ ખરી પડે તેવું અભ્યાસપૂર્ણ નિસબત ધરાવતું પત્રકારત્વ એ પી. સાંઈનાથની ઓળખ છે. રમન મેગ્સેસે એવોર્ડ, પીયુસીએલ માનવઅધિકાર પત્રકારત્વ ેએવોર્ડ, રાજા-લક્ષ્મી એવોર્ડ સહિત ૪૦ સન્માનો તેમને એનાયત થયેલાં છે.

પત્રકારે સરકારી એવોર્ડ ન લેવો જોઈએ, કેમ કે, એનું કામ સરકારની ટીકા કરવાનું છે એમ જણાવી ભૂતકાળમાં પદ્મ ભૂષણનો સાભાર અસ્વીકાર તેઓ કરી ચૂક્યા છે. તેમનું પ્રખ્યાત પુસ્તક ‘એવરીબડી લવ્સ ગુડ ડ્રાઉટ’વર્ષો લગી નોનફિક્શન કેટેગરીમાં બેસ્ટ સેલર રહ્યું છે અને પેન્ગિવન ક્લાસિક શ્રેણીમાં સામેલ છે. ખેડૂતોની આત્મહત્યાઓ, ગ્રામીણ ભારતના સવાલો અને માધ્યમોની ભૂમિકાને અંગે તેઓ બેખોફ બોલવા-લખવા માટે જાણીતા છે. પી. સાંઈનાથ વિશે અને એમનું લખાણ વધારે વાંચવું હોય તો એમની સાઈટhttps://psainath.org/ પર ક્લિક કરી શકાય.

છેલ્લી ઓળખાણ એ કે આ માણસ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી-જેએનયુના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તાજેતરમાં ‘પાંચજન્ય’ સામયિકમાં એક લેખ પ્રકાશિત થયો, જેમાં જેએનયુને રાષ્ટ્રવિરોધીઓનો અડ્ડો ગણાવવામાં આવી. રાષ્ટ્રપ્રેમના કયા માપદંડો અથવા તો રાષ્ટ્રવિરોધી હોવાના કયા અને કેવાં પરિમાણો પાંચજન્યે વિકસાવ્યાં છે એની આપણને નથી ખબર પણ પી. સાંઈનાથ જ્યાંથી ભણ્યા તે યુનિવર્સિટી જો રાષ્ટ્રવિરોધીઓનો અડ્ડો ગણાવી શકાતી હોય તો પી. સાંઈનાથને પણ દેશદ્રોહી જ ગણવા પડે.

વાત પી. સાંઈનાથથી એટલા માટે શરૂ કરી કે, સમાજઘડતર અને સમાજ જાગરૂકતા માટે અખબારની યાને કે માધ્યમોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે. ઝાડનાં પારખાં તો ફળ પરથી જ હોય એટલે હવે જરા જેએનયુના કેટલાક અન્ય જાણીતા વિદ્યાર્થીઓ પર નજર નાખીએ.

લિબિયાના પ્રધાનમંત્રી એલા અલી ઝિદાન. એઇડ્સ માટે કાર્યરત સંસ્થા નાઝ ફાઉન્ડેશનના ડિરેક્ટર અંજલિ ગોપાલન. ઇતિહાદ એરવેઝના ચેરમેન એહમદ બિન સૈફ, શિકાગો યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર મુઝફફર આલમ, નેપાળના ૩૬મા વડા પ્રધાન એવા બાબુરામ ભટ્ટારાઈ, માઇક્રોબોયોલોજિસ્ટ ગૈતિ હસન, કેરલના પૂર્વ નાણામંત્રી થોમસ ઈસાક, કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પ્રકાશ કરાત, ડિપ્લોમેટ અભયકુમાર, ફોરેન સર્વિસ ઇન્સ્ટિટયૂટના ડીન લલિત માનસિંગ, કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ, ભાજપના નેતા નિર્મલા સીતારામન, જાણીતા ડાબેરી નેતા સીતારામ યેચુરી, ભારતના કેબિનેટ સેક્રેટરી રહી ચૂકેલા અજિત શેઠ.

રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર રહી ચૂકેલા એચ. આર. ખાન અને છેલ્લે દિલ્હીની સત્તા મેળવ્યા પછી પણ આમ આદમી પક્ષથી છેડો ફાડી લોકસ્વરાજની વાત કરી રહેલા યોગેન્દ્ર યાદવ,જેનએયુમાં ભણાવતા શિક્ષકો અને તેમનાં નાના-મોટા સામાજિક યોગદાનની યાદી તથા ત્યાં માનદ સેવા આપતા વિદ્વાન પ્રાધ્યાપકોની શૈક્ષણિક સજ્જતા કે સામાજિક નિસબતની નમૂનાદાખલ યાદી તો નોખી કરવી પડે. જવાહરલાલ નહેરુએ ૧૩ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ અલ્લાહાબાદ યુનિવર્સિટીના હીરક મહોત્સવ પ્રસંગે આપેલાં વક્તવ્યમાંથી એક વિધાન જેએનયુની સત્તાવાર વેબસાઇટ પરથી મળે છે.

નહેરુજી કહે છે, વિશ્વવિદ્યાલયનો ઉદ્દેશ માનવતા, સહિષ્ણુતા, તર્કબદ્ધતા, ચિંતનપ્રક્રિયા અને સત્યની શોધની ભાવનાને પ્રસ્થાપિત કરવાનો હોવો જોઈએ. એનો ઉદ્દેશ નિરંતર માનવજાતિને ઉચ્ચતમ લક્ષ્ય પ્રત્યે પ્રેરિત કરવાનો હોવો જોઈએ, જો વિશ્વવિદ્યાલય પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવશે તો તે દેશ અને લોકો માટે મોટી ભલાઈ હશે.

એક તરફ તક્ષશિલા અને નાલંદા જેવાં વિશ્વવિદ્યાલયોના ભવ્ય વારસાની વાતો કરવામાં આવે છે, તેને પુનઃ જીવિત કરવાની ગુલબાંગો પોકારવામાં આવે છે અને બીજી તરફ જ્યાં મતભિન્નતા હોય તેવી શિક્ષણસંસ્થાને રાષ્ટ્રવિરોધીઓના અડ્ડા તરીકે ખતવી દેવાય તે સદંતર ગેરવાજબી છે. આપણે ત્યાં વાઇસ ચાન્સેલર સામે ઉત્પીડનની ફરિયાદ થાય છે અને પેટનું પાણી પણ હાલતંુ નથી પણ આ જ જો જેએનયુમાં થાય તો વિવિધ ભાષા-રાજ્યના અલાયદાં વિદ્યાર્થી સંગઠનો સત્તાધીશોનાં છોતરાં કાઢી નાખતાં હોય છે. એ પણ નોંધ લેવી જોઈએ કે જેએનએયુમાં બૌદ્ધિક બદમાશી નહીં પણ આકરી દલીલો સાથે અનેક વિષયો પર શોધ-સંશોધન અને સંવાદ થતા હોય છે. ઓડિશા વિદ્યાર્થી સંઘની સાથે ત્યાં ગુજરાત વિદ્યાર્થી સંઘ પણ છે અને વિવિધ સ્ટુડન્ટ યુનિયન્સ ઉપરાંત કર્મચારીઓ-શિક્ષકો વગેરેના સંઘોની પણ લોકશાહી ઢબે ચૂંટણી થાય છે.

જેએનયુની સત્તાવાર વેબસાઇટ પર લોકસભા અને રાજ્યસભા સાથેની પ્રશ્નોત્તરીની યાદી ખૂબ જ રસપ્રદ છે.
દરેક સંસ્થામાં સવાલો હોઈ શકે છે અને જેએનયુમાં પણ સવાલો હશે જ પણ પાંચજન્યનો લેખ હાલ જેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે એ સહિષ્ણુતા પર ઘા કરનારો છે. પી. સાંઈનાથ જેવા દિગ્ગજ ગ્રામીણ પત્રકાર અને બાકીનાં મોટાં નામો ઘડીભર વિસરી જઈએ તો પણ કેટકેટલા વિદ્યાર્થીઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી નીકળ્યા હશે. સમાજ અને દેશ માટે જરૂરી એવાં અનેક કામ તેમનાં નામે બોલતાં હશે. જેએનયુની એલુમિનીમાં સામાજિક કાર્યકર હોય,વિજ્ઞાાની હોય, પત્રકાર હોય, લેખક હોય, સંશોધક હોય, વિવેચક હોય, રાજનેતા હોય, વહીવટી અધિકારી હોય એવા ૮૦,૦૦૦ નાનાં-મોટાં નામો છે, તો શું પી. સાંઈનાથ સહિત આ ૮૦,૦૦૦ લોકોને પણ રાષ્ટ્રવિરોધી ગણવાના ? નોંધપાત્ર યોગદાન આપનારી શિક્ષણસંસ્થાને રાષ્ટ્રવિરોધીઓનો અડ્ડો ગણાવવી એ જે તે શિક્ષણસંસ્થાનું જ નહીં પરંતુ દેશની સમગ્ર શૈક્ષણિક ચેતનાનું અપમાન છે અને ભિન્ન મતનો આદર કરનારી ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. એફટીટીઆઈનો વિવાદ હજી માંડ શમ્યો છે ત્યાં જેએનયુનાં નામે નવો વિવાદ છંછેડાયો છે. આઝાદીકાળથી વિદ્યાર્થીઓની શક્તિ આંદોલનનું ચાલકબળ બનતી આવી છે. દિવાળીના સપરમા દિવસોએ ઘરના કકળાટની સાથે મનોમગજમાં મોટી ગરબડ ઊભી કરી રહેલી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રદ્રોહની સમજણની પણ સાફસફાઈ થાય એવી સૌને શુભેચ્છાઓ.


One thought on “પી. સાંઈનાથ જ્યાંથી ભણ્યા તે યુનિવર્સિટી જો રાષ્ટ્રવિરોધીઓનો અડ્ડો ગણાવી શકાતી હોય તો પી. સાંઈનાથને પણ દેશદ્રોહી જ ગણવા પડે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s