દલિત અને પટેલ બાળકોની જાતિના ધોરણે અલગ અલગ આંગણવાડીઓ ચાલતી હોવાની હકીકત બહાર આવી

રાજેશ સોલંકી/

સમરસતાના ઢોલ પીટતી ગુજરાત સરકારના દંભનો પરદો ચીરાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળ્યું છે. પાટણ તાલુકાના હાજીપુર ગામે દલિત અને પટેલ બાળકોની જાતિના ધોરણે અલગ અલગ આંગણવાડીઓ ચાલતી હોવાની હકીકત બહાર આવી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્યએ પોતે એક વર્ષ પહેલાં આયોગની બેઠકમાં આ અંગે ફરિયાદ કરી હોવા છતાં આયોગ તરફથી કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી અને હજુ પણ, એક વર્ષ પછી પણ જાતિગત ધોરણે અલગ આંગણવાડીઓ દ્વારા દલિતોના બાળકો સાથે આભડછેટ રાખવામાં આવી રહી છે.

બનાવની વિગતો પ્રમાણે દલિત હક્ક રક્ષક મંચ સમિતિએ વર્ષ 2014માં રાજ્યના બાળ આયોગની સમગ્ર વર્ષ દરમિયાન મળેલી તમામ બેઠકોની કાર્યવાહીની મિનિટ્સ આરટીઆઈ હેઠળ પ્રાપ્ત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તા. 11 જુલાઈ 2014ના રોજ આયોગનાસભ્ય મધુબહેન સેનમા જેઓ પોતે અનુસૂચિત જાતિના છે, તેમણે આયોગની બેઠકમાં સત્તાવાર ફરિયાદ કરી હતી. પરંતુ, સેમિનારોની ઉજવણીઓ કરીને બાળ અધિકારોની ચર્ચાના નામે ખાવા-પીવામાં વ્યસ્ત આયોગે તેમના ખુદના સભ્યની ફરિયાદ ધ્યાને લીધી ન હતી.

તાજેતરમાં દલિત હક્ક રક્ષક મંચના કર્મશીલોની ટુકડી હાજીપુર ગામે ગઈ ત્યારે જાણવા મળ્યું હતું કે 1999માં 159 નંબરની આંગણવાડી શરૂ થઈ હતી, જેમાં ગામના રોહિત, વાલ્મીકિ તથા દેવીપૂજક, પ્રજાપતિ સહિતના ઓબીસીના બાળકો આવતા હતા, પરંતુ ગામના પટેલો તેમના બાળકોને કહેવાતી હલકી જાતિના બાળકો સાથે બેસાડવા માંગતા ન હતા, તેથી 2002માં 160 નંબરની બીજી આંગણવાડી જૂની આંગણવાડીની બાજુમાં જ ચાલુ કરવામાં આવી,જેમાં દલિતોના બાળકોને પ્રવેશવા દેવામાં આવતા નથી.

અત્યાર સુધી ગામના કુવાઓ કે મંદિરોમાં જ આભડછેટ રાખવામાં આવતી હતી, પરંતુ હવે આ આભડછેટ સરકારી યોજનાઓમાં પણ દાખલ થઈ ગઈ છે, જે ખરેખર ગંભીર અને આઘાતજનક બાબત છે.

દલિત હક્ક રક્ષક મંચના મહામંત્રી રાજેશ સોલંકીએ આયોગના અધ્યક્ષ રામેશ્વરી પંડ્યાને તા. 26 ઓક્ટોબર 2015એ એક પત્ર પાઠવીને તેમના રાજીનામાની માગણી કરી હતી અને તેમના રાજીનામા બાદ નવા અધ્યક્ષ ભારતીબેન તડવીને પણ અલગ આંગણવાડીઓની આ કુપ્રથા બંધ કરવા જણાવ્યું હતું.

રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. એસ. ડાગુર હોદ્દાની રૂએ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટીના અધ્યક્ષ છે, તેમને પણ સોલંકીએ એક પત્ર પાઠવીને ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ (આઈસીપીએસ)ની ભારત સરકારે બહાર પાડેલી છેલ્લી સંવર્ધિત ગાઇડલાઇન્સ પરત્વે ધ્યાન દોર્યું છે, જે પ્રમાણે બાળકોની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને વંશીય પૃષ્ઠભૂમિ કોઈપણ પ્રકારની હોય તેને ધ્યાનમાં લીધા વિના તેમની સાથે સમાન ધોરણે, તેમનું સન્માન જળવાય તેવો વહેવાર કરવાની રાજ્યની ફરજ છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s