મુખ્ય સચિવશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને નવસર્જન ટ્રસ્ટના સીનીઅર આગેવાન કિરીટ રાઠોડની માનવ અધિકાર ભંગની ફરિયાદ:
તા-૨૧/૦૯/૨૦૧૫ ના રોજ હિલવુડ સ્કુલ, સેક્ટર -૨૫ ગાંધીનગરની બાજુમાં આવેલ ૧૦ ફૂટ ઊંડી ભૂગર્ભ ગટર સાફ કરવા માટે ગટરમાં ઉતરેલ સફાઈ કામદાર કાનાભાઈ ડાહ્યાભાઈ વાલ્મીકી અને મંગાભાઈ જીવાભાઈ મરૂડાનું ગટરમાં ગૂંગળાઈ જતા મોત થયું હતું. આ ઘટનામાં અજયભાઈ પોપટભાઈ પટેલનાઓ પણ તેમને બચાવવા જતા તેઓ પણ ઝેરી ગેસ લાગવાથી મૃત્યુ પામ્યા હતા. આ સમગ્ર સફાઈનું કામ Gandhinagar Electronics Zone Industries Association (ગેજીયા) સેક્ટર-૨૫, ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
આ બનાવમાં સફાઈ કર્મચારીને ગટરમાં ઉતારેલ હોવા છતાં તેઓને નિયમો અનુસાર આપવા પાત્ર સલામતી અને સુરક્ષાના જરૂરી સાધનો પુરા પાડવામાં આવેલ ન હતા. સ્વ. કર્મચારીને ગટરમાં ઉતારવા માટે સ્થાનિક સત્તા તંત્રે પરવાનગી આપી સ્થાનિક અધિકારીની હાજરીમાં ગટરમાં ઉતારવાના હોય છે, તેવી કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. પ્રસ્તૃત કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા સાલમતી અને સુરક્ષા અંગે અતિ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરીને રાજ્ય સરકારને આ અંગે ચુસ્ત અને કડક પાલન કરવાનું જણાવેલ હોવા છતાં આવા બનાવો શહેરમાં વધી રહ્યા છે.
આ સમગ્ર બનાવમાં સેક્ટર-૨૧, પોલીસ સ્ટેશન, ગાંધીનગર દ્વારા AD no -૩૬/૨૦૧૫ થી નોંધાયેલ છે. આ બનાવમાં સીધી રીતે પ્રથમ દ્રષ્ટિએ કોન્ગનીઝેબલ ગુન્હો જાહેર થયો હોવા છતાં આજદિન સુધી આ બનાવની FIR નોંધવામાં આવી નથી. આ બનાવમાં જેતે સમયે મૃતકના પરિવારજન દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધવાની માંગણી કરી હોવા છતાં આ અંગે આજદિન સુધી કાર્યવાહી કરવામાં આવી નથી.
અગાઉ આવા પ્રકારના બનાવમાં ગુન્હા રજી.નં, ફસ્ટ -૮૦/૧૩ તા-૦૧/૦૪/૨૦૧૩, સેક્ટર -૭ પોલીસ સ્ટેશન, ગાંધીનગરમાં FIR નોંધાયેલ છે.
ઉપરોક્ત બનાવમાં માંગણીઓ –
1. આ બનાવમાં બેદરકારી દાખવનાર આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ- ૩૦૪(અ), ૩૩૭,૩૩૮, અને એટ્રોસિટી એક્ટ – ૧૯૮૯ ની કલમ ૩(૧)૬ તેમજ મેન્યુઅલ સ્કેવન્જાર્સ પ્રોહીબીશન એક્ટ – ૨૦૧૩ ની કલમ નો ભંગ થયેલ હોઈ પોલીસ ફરિયાદ નોંધવવાની કાર્યવાહી કરવાની દાદ માંગું છું.
2. આ બનાવમાં મેન્યુઅલ સ્કેવન્જાર્સ પ્રોહીબીશન એક્ટ – ૨૦૧૩ ની કલમ ભંગ થયેલ હોઈ પોલીસ ફરિયાદમાં આ કલમનો ઉમેરો કરવો.
3. આ બનાવમાં આઈ.પી.સીની કલમ-૩૩૭, ૩૩૮ નો ભંગ થયેલ છે. જેથી આ કલમોનો પોલીસ ફરિયાદમાં ઉમેરો કરવો.( તા-૦૪/૦૨/૨૦૦૬ના રોજ ક્રમાંક-પરચ-૧૦૨૨૦૫-૧૫૭૬-ગ (પાર્ટફાઈલ), થી ઓ.રવિ, સચિવ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર નાઓએ સરકારી પરિપત્ર કરીને આવા બનાવોમાં આઈ.પી.સીની કલમ-૩૦૪-અ, ૩૩૭, ૩૩૮ નીચે ફોજદારી કાર્યવાહી કરવાના આદેશો જાહેર કરેલ છે)
4. આ બનાવના તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની કાર્યવાહી કરવી.
5. આ બનાવની ફરિયાદમાં જરૂરી તમામ કાનૂની કલમ અનુસાર ગુન્હો દાખલ ન કરનાર પી.આઈ, પોલીસ સ્ટેશન, સે-૨૧, ગાંધીનગર વિરુધ્ધ ફરજમાંથી બેદરકારી વિરુધ્ધ કાર્યવાહી કરવી
6. મેન્યુઅલ સ્કેવન્જર્સ પ્રોહીબીશન એક્ટ – ૨૦૧૪ મુજબ આવા બનાવ બનતા અટકે તેની ખાસ તકેદારી જીલ્લા કલેકટરની હોવાથી મહા નગરપાલિકાની ગંભીર બેદરકારી વિરુધ્ધ ફરજમાં બેદરકારી સામે ખાતાકીય તપાસ કરીને શિક્ષાત્મક પગલા ભરવાની કાર્યવાહી કરવાની માંગણી છે. તેમજ આ કાયદાના ભંગ માટે જવાબદાર વ્યક્તિ, સ્થાનિક સત્તા મંડળ વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવી.
7. સુપ્રીમ કોર્ટ સિવિલ પીટીસન નં – ૫૮૩/૨૦૦૩ ચુકાદા તારીખ – ૨૭/૦૩/૨૦૧૪ ના ભંગ થયેલ હોવાથી આ ચુકાદા મુજબ ભોગ બનનાર પરિવાર દીઠ ૧૦.૦૦ લાખ ( દશ લાખ ) રૂપિયા વળતર ચુકવવું તેમજ તેમનું પુનઃ વસન કરવું
8. ગુજરાત હાઈકોર્ટનો ચુકાદા ( કેશ નં સ્પે.સિવિલ એપ્લીકેસન નં ૧૧૭૦૬/૨૦૦૪ અને ૮૯૮૯/૨૦૦૧) ના અમલીકરણમાં નિષ્ફળ રહેલ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ, ગાંધીનગર ના જવાબદાર અધિકારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલા ભરવાની દાદ માગું છું.
ઉપરોક્ત બનાવમાં ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાનો ભંગ કરવામાં આવ્યો છે. તેમજ ભારતના બંધારણની કલમ -૧૪,૧૫,૧૭ અને ૨૧ – ગૌરવ પૂર્ણ જીવન જીવવાના અધિકારનો ભંગ રાજ્ય સરકાર દ્વારા થયેલ છે. જેથી આ માનવ અધિકાર ભંગના બનાવમાં તાત્કાલિક પગલા ભરીને ભોગ બનનાર પરિવારને ન્યાય આપવા ઉપરોક્ત માંગણીઓમાં રાજ્ય સરકારને જરૂરી આદેશ / હુકમ કરવાની દાદ માગું છું.