ગુજરાત સામાજિક ન્યાય મંચ, નવસર્જન ટ્રસ્ટના સીનીઅર એક્ટીવીસ્ટ કિરીટ રાઠોડ નો ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પત્ર:
આ જોગવાઈ હેઠળ ગુજરાત સરકારે ૧૯૯૫ માં ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિઓ વિષે નિયમો બહાર પાડ્યા છે. સામાજિક ન્યાય સમિતિના મંત્રી તરીકે તલાટી કમ મંત્રીની નિમણુક કરવામાં આવેલી છે.
ગુજરાત સરકારના પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર ક્રમાંક : સનસ -૧૯૭૬/૪૨૦૧ –જ તા- ૫ જુન ૧૯૭૬ થી વડાપ્રધાનશ્રીનો ૨૦ મુદ્દાનો આર્થિક કાર્યક્રમ ગ્રામ/નગર પંચાયતોની સામાજિક ન્યાય સમિતિઓની રચના અને અસરકારક કામગીરી ગોઠવવા અંગે પરિપત્ર બહાર પડ્યો હતો આ સમિતિઓની મીટીંગ નિયમિત મળે તેની જવાબદારી મંત્રી અને તલાટી કમ મંત્રીની જવાબદારી નક્કી કરવામાં આવેલ છે. આ જવાબદારીમાં પોતે ફરજમાં બેદરકારી દાખવે તો તેના કસુર બદલ યોગ્ય શિક્ષાત્મક પગલા ભરવાની કાર્યવાહી કરવાનું પણ ઠરાવેલ છે.
વિષય સંદર્ભે વધુ જણાવવાનું કે અમો અરજદારે વિરમગામ તાલુકાના તમામ ગામોમાં સામાજિક ન્યાય સમિતિની જોગવાઈઓનો કેટલો અમલ થાય છે તે તપાસવા માટે માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૫ હેઠળ માહિતી મેળવેલ છે.
આ માહિતી અમો અરજદારને ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ દ્વારા પૂરી પાડવામાં આવી છે. આ તમામ માહિતીમાં તા- ૦૧-૦૧-૨૦૧૩ થી ૧૩/૧૦/૨૦૧૫ સુધીમાં એક પણ ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિઓની મીટીંગ બોલાવવામાં આવી ન હોવાનું ધ્યાને આવેલ છે. તલાટી કમ મંત્રીઓની ફરજમાં બેદરકારીના કારણે મીટીંગો મળી નથી જે આ માહિતી ઉપરથી સાબિત થાય છે.
તાજેતરમાં માન.નરેન્દ્રભાઈ મોદી, વડા પ્રધાનશ્રી દ્વારા ગ્રામ પંચાયતોમાં સરપંચ પતિ (એસ.પી) ના વહીવટની ટીકા કરી હતી. પણ ગુજરાતમાં તો ખુદ સરકારના પ્રતિનિધિ દ્વારા જ પંચાયત ધારાનો લૂલો અમલ થતો હોવાથી છેવાડાના માનવી સુધી સામાજિક ન્યાય પહોચ્યો નથી.
આ સમગ્ર હકીકતોને આધીન આપ સાહેબશ્રી સમક્ષ નીચે મુજબની કાર્યવાહી કરવાની માંગણી કરું છું.
1. પંચાયત ધારો-૧૯૯૩ અને ગુજરાત ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ(રચના અને કાર્યો) નિયમો-૧૯૯૫ મુજબ સામાજિક ન્યાય સમિતિના કાર્યો કરવામાં નિષ્ફળ નીવડેલ વિરમગામ તાલુકાના તમામ તલાટી કમમંત્રીની ફરજમાં બેદરકારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલા ભરવાની માંગણી છે.
2. પંચાયત ધારો-૧૯૯૩ અને ગુજરાત ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ(રચના અને કાર્યો) નિયમો-૧૯૯૫ મુજબ વિરમગામ તાલુકાના તમામ ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની કાર્યવાહી કરવાની માંગણી છે.
3. વિરમગામ તાલુકાના તમામ ગામોની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષોને બેસવા માટે ખુશી–ટેબલ–લેટરપેડ–સિક્કાની સુવિધા પંચાયતના બજેટમાંથી પૂરી પાડવાની કાર્યવાહી કરવાની માંગણી છે.
4. વિરમગામ તાલુકા પંચાયતની તાલુકા સ્તરની સામાજિક ન્યાય સમિતિની મીટીંગ પણ નિયમ મુજબ નિયમિત તાલુકા વિકાસ અધિકારી બોલાવતા નથી. તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ પંચાયત ધારો અને નિયમોનો ભંગ કરવામાં આવેલ છે, જેથી તેઓની વિરુધ્ધ શિક્ષાત્મક પગલા ભરવાની માંગણી છે.
5. આ સમગ્ર હકીકતોથી લાગે છે કે સમગ્ર અમદાવાદ જીલ્લાની તમામ ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતો અને જીલ્લા પંચાયતના બનેલ સામાજિક ન્યાય સમિતિની બેઠકો નિયમિત મળે છે કે કેમ ? તે તપાસ કરવાની પણ માંગણી કરું છું.
ઉપરોક્ત રજુઆતમાં આપ સાહેબશ્રી તાત્કાલિક કાર્યવાહી કરી દલિત/ આદિવાસી/ સમાજના નબળા વર્ગો સુધી સામાજિક ન્યાય મળે તે માટે સામાજિક ન્યાય સમિતિઓને સક્રિય કરી પંચાયત ધારાનો કડક અમલ કરાવવા વિનંતી કરું છું.