કચરાનો ઢગલો ‘વિનાશકારી વિકાસ’નું ચૂંટણી ચિન્હ: શું સમાજ ‘શહેરી અને ઔધોગિક ઝેરી ઘન કચરા’ નીચે દબાઈ જશે?

રોહિત પ્રજાપતિ/

માણસ એટલો અધધ કચરો પેદા કરતો થઈ ગયો છે અને ઉધોગો પણ એટલા મોટા પાયે ‘ઝેરી ઘન કચરો’ પેદા કરે છે કે કદાચ સમાજ આ જ કચરા નીચે દબાઈ મરે તો નવાઈ નહી.

પહેલા આપણે ‘વાપરો, ફરી વાપરો અને જુદા કામ માટે વાપરો’માં માનતા અને હવે મોજૂદ પૂજિવાદી વ્યવસ્થાએ વસ્તુઓ મોટા પાયે નફા માટે‘વેચવા’ અને ‘ઉપભોગતાવાદ’ને આગળ ધપાવવા માટે ‘વાપરો અને ફેકી દો’, ‘પૂરેપૂરો ઉપયોગ કર્યા વગર જ ફેકી દો’ અને સાચી કડવી વાત કરું તો ‘ફેકો, ફેકો અને ફેકો’ની સંસ્કૃતિમાં સમાજને ફસાવી દીધો છે. ‘ફેકો, ફેકો અને ફેકો’ એટલેકે ‘કચરો મોટા પાયે પેદા કરો’ની સંસ્કૃતિની જાહેર ખબરોનો મારો ચલાવી આપણાં પર થોપવામાં આવી છે અને સમાજ ઉપભોગતાવાદનો શિકાર બન્યા છે.

જો આપની વાંચવાની અને વિચારવાની તૈયારી હોય તો, ૧૨ મે ૨૦૧૪ના જાહેર થયેલ ભારતના પ્લાનિંગ કમિશનનો ‘Report of the Task Force on Waste to Energy’માં કેટલીક ચોકાવનારી માહિતી રજૂ થઈ છે. જો આવો જ અહેવાલ ‘ઓધોગિક ઝેરી ઘન કચરા’ અને ‘ઈ-વેસ્ટ’બાબતે પણ તૈયાર કરવામાં આવે તો મોજુદ સમાજ વ્યવસ્થાએ કેવી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવે.

આ અહેવાલ જણાવે છે કે, ભારતમાં ૨૦૧૧ની જનગણના મુજબ ૭,૯૩૫ શહેરમાં ૩૭.૭૦ કરોડ (૩૧.૧૫%) લોકો વસે છે, તેઓ એક દિવસમાં ૧,૭૦,૦૦૦ ટન અને વર્ષે ૬,૨૦,૦૦,૦૦૦ ટન મ્યુનિસિપલ ઘન કચરો પેદા કરે છે. આમ એક વ્યક્તિ દરરોજ ૪૫૦ ગ્રામ વેસ્ટ પેદા કરે છે.

જો કે આ શહેરી ઘન કચરામાં કબાડીવાળાને આપવામાં આવતો કચરો, ઈલેક્ટ્રોનિક વેસ્ટ અને કચરા વીણતા લોકો દ્વારા ભેગો કરવામાં આવતો કચરો ગણત્રીમાં જ લેવામાં આવ્યો નથી. આ ૬,૨૦,૦૦,૦૦૦ ટન મ્યુનિસિપલ ઘન કચરો નાખવા માટે દર વર્ષે ૧૨૪૦ હેકટર જમીન જોઈએ. સાચો આંકડો આના કરતાં પણ ભયાનક ચોકાવનારો હોઈ શકે કારણકે વ્યવસ્થિત આકડા ભેગા કરવાનું તંત્ર જ હજુ આપણે ઊભું કર્યું નથી.

પ્લાનિંગ કમિશનના અંદાજ મુજબ ૨૦૨૧માં ઘન કચરો વધીને પ્રતિ દિન ૨,૭૬,૩૪૨ ટન, ૨૦૩૧માં પ્રતિ દિન ૪,૫૦,૧૩૨ ટન અને ૨૦૫૦માં પ્રતિ દિન ૧૧,૯૫,૦૦૦ ટન થવાની શક્યતા છે. આ કચરામાં પ્લાસ્ટિકનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. હજુ આ આકડાઓ શહરોના ૩૭.૭કરોડ (૩૧.૧૫%) લોકોના જ છે, તેમાં આખા ભારતના બીજા ૮૩.૩ કરોડ (૬૮.૮૫%) લોકો જે કચરો પેદા કરે છે તેના આકડા નથી. જો એ આકડાઓ પણ તેમાં જોડવામાં આવે તો આ આકડા આપણને અતિ ભયાનક પરિસ્થિતિના દર્શન કરાવે. જો આપણે જાગ્રત નહીં થઈએ અને પરિસ્થિતી બદલવા માટે જીવન પદ્ધતિમાં બદલાવ કરવા માટે સામૂહિક રીતે પ્રયત્ન નહિ કરીએ, તો આ સરકારી આંકડા કરતાં વાસ્તવિકતા વધુ વિકરાળ બનશે.

૨૦૩૧માં ઘન કચરો વધીને પ્રતિ વર્ષ ૧૬,૫0,૦૦,૦૦૦ ટન થશે. જેના માટે ૬૬,૦૦૦ હેક્ટર કરતાં વધુ જમીન જોઈશે. આટલી જમીન દેશમાં ફાળવી શકાય તેમ છે કે કેમ?

‘સેંન્ટ્રલ પોલિયુશન કંટ્રોલ બોર્ડ’ના અંદાજ મુજબ ૬૮% જ શહેરી ઘન કચરો ભેગો થાય છે અને તેમાંથી ૨૮%ને જ ટ્રીટમેંટ આપવામાં આવે છે. આમ ફક્ત ૧૯% ઘન કચરાને જ ટ્રીટમેંટ આપવામાં આવે છે. સાચા આકડા – વાસ્તવિકતા આના કરતાં વધુ ભયાનક છે.

ગુજરાત રાજયની વાત કરીએ તો શહેરી ઘન કચરો ભેગો કરવામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે પરંતુ આ કચરાને ટ્રીટમેંટ આપવામાં પાછળ છે.ગુજરાત રાજ્યના શહેરોમાં ભેગો કરવામાં આવતા કચરામાંથી ફક્ત ૧.૩૯% કચરાને જ ટ્રીટમેંટ આપીને તેનો નિકાલ કરે છે.

વડોદરા મહાનગર સેવા સદને શહેરના ક્ચરાથી વિશ્વામિત્ર નદીની કોતરો અને તળાવો પૂરી દીધા છે. નદી પ્રદુષિત કરી છે. તેને કારણે નદીની કુદરતી રીતે પૂર નિયંત્રણ કરવાની ક્ષમતાનો જ નાશ થયો છે. નદીમાં ચોમાસામાં અવારનવાર પુર આવે છે અને ચોમાસા બાદ નદી ગટરગંગા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નારોલ ચોકડી નજીક રોડને અડકીને જ કચરાનો મસ મોટો પહાડ ખડકી દીધો છે. આ પહાડ મને તો ડરાવનો લાગે છે. તેમાં મને મોજૂદ ‘વિનાશકારી વિકાસ’નું ચૂંટણી ચિન્હ દેખાય છે. આ ‘ધી મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ (મનેજમેંટ એંડ હેંડલિંગ) રુલ્સ ૨૦૦૦’નો ખુલ્મ ખુલ્લા ભંગ છે. પ્લાસ્ટિક સહિતનો કચરો કાયદાનો ખુલ્મ ખુલ્લા ભંગ કરીને બાળવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટિક બળવાથી ડાયોક્સિન નામનો કેન્સર જન્ય ગેસ પેદા થાય.

‘શેહરી ઘન કચરા’ની ગંભીર પરિસ્થિતી બાબતે ૧૯૯૬માં સુપ્રીમ કોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીને કારણે ભારત સરકારે ‘ધી મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ (મનેજમેંટ એંડ હેંડલિંગ) રુલ્સ ૨૦૦૦’નો કાયદો બનાવવો પડ્યો. આ કાયદાનો અમલ ૩૧ ડિસેમ્બર ૨૦૦૩ સુધીમાં કરી દેવાનો હતો. આ કાયદા મુજબ શેહરી ઘન કચરાને અલગ કરવાનો, ત્યાર બાદ અલગ અલગ રીતે ટ્રાન્સપોર્ટ કરી તેને પ્રોસેસ કરવાનો, અને પછી અલગ કરેલ કચરો અલગ અલગ જગ્યાએ નિકાલ કરવાની સ્પષ્ટ વાત લખવામાં આવી છે. પરંતુ ૨૦૧૧-૨૦૧૨ના વર્ષના સી.પી.સી.બી.ના આકડા મુજબ દેશમાં ૧.૪% જગ્યાએ જ આ કાયદાનો અમલ થાય છે. આ હકીકત અતી ગંભીર પરિસ્થિતિનો પુરાવો છે.

જેને આપણે વિકાસનું મોડેલ ગણીને દુનિયામાં ઢોલ પીટીએ છે તે અમેરિકા (ત્યાંના પણ મૂઠીભર લોકો) જે રીતે અને જેટલા પ્રમાણમા કુદરતી સંશાધનો વાપરે છે અને જેટલો કચરો પેદા કરે છે, તે ગતિએ જો આખી દુનિયા કુદરતી સંશાધનો વાપરે અને કચરો પેદા કરે તો માત્ર કચરાનો નિકાલ કરવા માટે જ આપણને બીજી ૩-૫ પૃથ્વીની જરૂર પડે.

હજુ ઈલેક્ટ્રોનિક, મેડિકલ વેસ્ટ અને ઓધોગિક ઝેરી ઘન કચરાની વાત આમાં ઉમેરીયે તો પરિસ્થિતી દેખાય છે તેના કરતાં પણ વધુ ભયાનક છે તેનો આપણને અહેસાસ થાય.

આપણે કયારે પણ એવો વિચાર નથી કર્યો કે આપણે જે વસ્તુઓ લાવીએ છીએ તે કયાંથી આવે છે, કેવી રીતે બને છે, તેની જરૂર છે કે કેમ અને આપણે તેને ફેકી દઈએ ત્યાર બાદ તે કયા જાય છે. આપણે કાચા માલમાંથી વસ્તુઓ બને, પછી તે વપરાશમાં આવે અને ત્યારે બાદ તેનો નિકાલ કયાં અને કેવી રીતે થાય છે તે આખી પ્રક્રિયાને ગંભીરતાથી તપાસી જ નથી. છતાં આપણે આપણા મોજૂદ સમાજને સભ્ય સમાજ કહીએ છીએ.

આપણે ૧,૦૦,૦૦૦થી વધારે કેમિકલ્સનો ઉપયોગ વસ્તુઓ બનાવવામાં કરીએ છીએ પરંતુ તેમાથી માત્ર જૂજ કેમિકલ્સનો કુદરત અને માણસના આરોગ્ય પર થતી અસરો અંગે વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે. આ કેમિકલ્સે આપણા ઘરો, ખોરાક અને કેટલાકે તો આપણા શરીરમાં પ્રવેશ કરી દીધો છે. આ તમામ કેમિકલ્સની ખરેખર જરૂર છે કે કેમ? કેટલાક તો આવા પ્રશ્નો પુછનારાઓને ગાંડા, વેદિયા, વિકાસ વિરોધી વગેરે કહી તેમની મશ્કરી કરતાં થાકતા નથી.

આપણાં મન અને રોજિંદા જીવન ઉપર જાહેરાતોની કંપનીઓ અને વસ્તુઓ વેચવાની જાહેરાતોએ કબ્જો જમવ્યો છે અને આપણને તે અધોગતિ તરફ ઝડપથી લઈ જઈ રહી છે. આ જાહેરાતોની કંપનીઓ અને તેમની જાહેરાતોનો અનુભવ ૨૦૧૪ના દેશના ચૂંટણી પ્રચારમાં પણ જોયો અને અનુભવ્યો પણ છે.

મારો સૌને એક જ સવાલ છે કે આપના પછીની પેઢીને આપણે કચરો, ઝેરી રાસાયણો, ઓધોગિક ઝેરી ઘન કચરો, વાપર્યા વગર જ ફેકો અને ફેકોની સંસ્કૃતિ, ખોરાકમાં ઝેર, દવો પર આધારિત જીવનને વારસામા આપવના છે?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s