ડેમોક્રસી કી ઐસીતૈસી: ૨૦૦૫માં ૪૯ ટકા લોકો લોકશાહીમાં શ્રદ્ધા ધરાવતા. ૨૦૧૩માં વધુ ત્રણ ટકાનો ઘટાડો થયો

મેહુલ મંગુબહેન/

ઇન્ડિયન ઓસન મ્યુઝિકલ બેન્ડ ફેઇમ રાહુલ રામ, હાલમાં જ જેણે લખેલી ફિલ્મ ‘મસાન’ ખૂબ વખણાઈ છે એવા લેખક અને કોમેડિયન વરુણ ગ્રોવર અને સ્ટેન્ડ અપ કોમેડિયન સંજય રજૌરાનું સંયુક્ત સાહસ એવો ‘ઐસીતૈસી ડેમોક્રસી’ શો હાલ હિટ ચાલી રહ્યો છે. આ શોમાં રાહુલનાં ગીત-સંગીત સાથે વરુણ અને સંજયના જબરદસ્ત રાજકીય કટાક્ષ લોકોને હસાવી રહ્યા છે અને હલબલાવી રહ્યા છે.

શોની મૂળ વાત આપણા દેશમાં લોકશાહીની હાલત કેવી છે એ છે. જોકે, આપણો હેતુ એ શોનું નહીં પણ ડેમોક્રસી યાને કે લોકશાહીનું પીંજણ કરવાનો છે. “લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર એટલે લોકશાહી” એવી અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને આપેલી વ્યાખ્યા સિવાય આપણે લોકશાહી વિશે ઝાઝુ કંઈ જાણતા નથી.

માધ્યમિક શાળાઓમાં નાગરિકશાસ્ત્ર સૌથી નીરસ વિષય ગણાય છે. ડેમોક્રસી શબ્દ મૂળ ગ્રીક ભાષાનો છે, ઇન શોર્ટ આ બાબતે ઇન્ડિયન ગૌરવ લઈ શકે એમ નથી. એથેન્સ અને રોમમાં તેની શરૂઆત છે અને ત્યારબાદ આધુનિક લોકશાહીનો ખરો સમય ૧૬-૧૮ સદીમાં ‘એજ ઓફ રિઝન’ને ગણવામાં આવે છે.

આ સમયથી પશ્ચિમ યુરોપના બૌદ્ધિકો સત્તાના પરંપરાગત સત્તાધારીએ નક્કી કરેલા પરંપરાગત ધોરણોને બદલે તર્ક, વિશ્લેષણ અને વ્યક્તિગત સ્વતંત્રતાની જુહાર લગાવે છે. સત્તાનું વિકેન્દ્રીકરણ, મૂળભૂત નાગરિક હકો અને માનવહકો, ર્ધાિમક સ્વતંત્રતા અને રાજ્ય અને ધર્મસંસ્થા વચ્ચેનું નોખાપણું લોકશાહીનાં મુખ્ય તત્ત્વો તરીકે ઓળખવામાં આવે છે.

હાલ ૨૧મી સદી છે અને છેક ૩૦૦-૪૦૦ વર્ષથી આપણે ઉપર ગણાવ્યાં તે તત્ત્વોને પામવા મથી રહ્યા છીએ. ક્યારેક કોઈ ઘટનામાં લોકશાહી તેનાં ખરાં મૂલ્યો સાથે સાક્ષાત્ હાજરાહાજૂર માલૂમ પડે છે ને ઘણી વેળા દૂર દૂર તક નામોનિશાન ન હોવાની નિરાશા હાથ લાગે છે. તો હાલ આપણે ક્યાં છીએ અને આ બધી પીંજણ શું કામ?

વૈશ્વિક અભ્યાસના ભાગરૂપે ૨૦૧૩માં ભારતમાં ‘લોકશાહી : એક નાગરિક દષ્ટિકોણ’ એ વિષય અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેનો અહેવાલ ઓગસ્ટની શરૂઆતમાં પ્રકાશિત થયો છે. લોકનીતિ અને સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી નામના સ્વૈછિક સમૂહો દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં બહાર આવ્યું કે ફક્ત ૪૬ ટકા જ લોકો લોકશાહી શાસન વ્યવસ્થાને ટેકો આપે છે.

૧૧ ટકા લોકો ખાસ સંજોગોમાં તાનાશાહી સરકારને ટેકો આપે છે. ૧૬ ટકા લોકોને લોકશાહી છે કે તાનાશાહી તેનાથી કોઈ ફરક નથી પડતો અને ૨૭ ટકા લોકો કેવી શાસન વ્યવસ્થા જોઈએ તે અંગે મૌન રહેવાનું પસંદ કરે છે. વિવિધ વયજૂથ, જ્ઞાાતિ-જાતિ, શહેર-ગામ અને પ્રદેશમાંથી કુલ ૬૦૦૦ લોકોના વિશદ્ અભ્યાસનું આ તારણ છે.

આપણને આ સેમ્પલ કદાચ બહુ નાનું લાગે એટલે આમાં શું એવો સવાલ થઈ શકે, પણ અગત્યની વાત એ છે કે આ બીજો અભ્યાસ છે અને ગત અભ્યાસ કરતાં લોકશાહીમાં શ્રદ્ધા ધરાવનારા લોકોની સંખ્યા ઘટી છે. ૨૦૦૫માં થયેલા અભ્યાસમાં ૪૯ ટકા લોકો લોકશાહીમાં શ્રદ્ધા ધરાવતા હતા. તેમાં ૨૦૧૩માં વધુ ત્રણ ટકાનો ઘટાડો થયો છે.

એક રસપ્રદ અને ચોંકાવનારી વાત એ પણ છે કે લોકશાહીને ટેકો આપનારા ૪૬ ટકા લોકોની લોકશાહીની સમજ ખતરનાક છે. ટેકો આપનારા ૪૬ ટકા લોકો પૈકી ૪૦ ટકા લોકો એમ માને છે કે ભારતે સંસદ અને ચૂંટણીઓ ફગાવી દેવી જોઈએ અને બધું નક્કી કરવા માટે એક મજબૂત નેતા હોવો જોઈએ. આનો અર્થ એ થયો કે એક તાનાશાહ હોવો જોઈએ એમ ઘણાં લોકો માને છે. આ સ્થિતિ હતાશાજનક અને ચિંતાજનક છે.

એક તો લોકશાહી પોતે એક અટપટી અને ટિપિકલ સ્ટાઇલમાં કહીએ તો ખાંડાની ધાર પર ચાલવાની શાસન પ્રણાલી છે. એમાં પડકારો ઘણાં છે. જ્યાં લગી નાગરિકોને મૂળભૂત અધિકારોનું અને ફરજોનું ભાન ન હોય, શાસન કરનારા પ્રતિનિધિઓ બંધારણીય મૂલ્યોને વફાદાર ન હોય અને રાજ્ય માટે આપવામાં આવેલા માર્ગદર્શક સિદ્ધાંતોનો આદર ન કરતા હોય ત્યાં સુધી લોકશાહી અપરિપૂર્ણ જ રહેવાની છે.

એમાંય, ભારતની લોકશાહી તો ધર્મ-વર્ણ-જ્ઞાાતિ-પ્રદેશ-ભાષા-સંસ્કૃતિ એમ અનેક આટાપાટાઓની માયાજાળ જેવી છે. લોકશાહી રાજ્યમાં તાનાશાહ હોવો જોઈએ એમ માનવાની સ્વતંત્રતા મળતી હોય છે, પણ તાનાશાહના રાજમાં લોકશાહી હોવી જોઈએ એમ માનવાની સ્વતંત્રતા મળતી નથી અને એવું માનવું જીવલેણ બની શકે છે.

આવી સાદી સમજ આપણે ભૂલી જઈએ છીએ. સુપરમેન એક વાર્તા છે જેમાં મનોરંજન ભરપૂર છે, પણ સુપરમેન કાયમ સારો હોતો નથી. અસીમ શક્તિઓ ધરાવતાં પાત્રોથી ભરચક દંતકથાઓને આપણે સાચી માનીને જો સુપર નેતાના મોહ તરફ જઈશું તો જેવી છે એવી પણ લોકશાહી ગુમાવી બેસીશું એ ચોક્કસ છે.

સુપર નેતા બનેલા લોકો અંતે તો લોકોને જ લઈ ડૂબ્યા છે એવો દુનિયાનો ઇતિહાસ છે. અહીં જે અભ્યાસની વાત કરવામાં આવી છે તે કંઈ અંતિમ નથી. આવા અનેક અભ્યાસ થતા હોય છે અને ખરેખર તો આવા અભ્યાસ આવકારદાયક છે,

કેમ કે તેના થકી આપણને તંત્રમાં નજર નાખવાની, પોતાની જાતમાં જોવાની તક મળે છે. છેલ્લે,વિન્સ્ટન ર્ચિચલનું એક ક્વોટ સમજવા જેવું છે, “એવું કહેવામાં આવે છે કે લોકશાહી એ ખરાબ શાસન પ્રણાલી છે. જોકે, સારી ગણાતી બધીયે વ્યવસ્થા આપણે અજમાવી ચૂક્યા છીએ.”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s