આધુનિક ભારતનો ઐતિહાસિક વર્તમાન યાને કાળો વરસાદ: કોબ્રાપોસ્ટના સ્ટીંગમાં આતંકી વ્યૂહરચનાનો ચિતાર

મેહુલ મંગુબહેન/

“તીન બજા ઔર હમારી સેના ગોલી ચલાના ચાલુ કર દી. ઠીક તીન બજે દિન મેં નરસંહાર કર દિયા. વહાં પુલીસચૌકી ભી થી પાસ મેં. કુછ લાશે ઉસમેં સે બાહર ખીંચ લિયા થા ફરારી આદમી કા પર તબ ભી લાશ વહાં પર બાઇસ સ્પોટ પર થા. હાં, બાઇસ લોગ કા લાશ વહાં પર થા. ”

“ઉસ ગાંવ મેં લે જાકર મિટિંગ કરાયે થે (હત્યાકાંડની અગાઉ) ઔર કહે કિ ઐસા તો નહીં હો સકતા હૈ ના કિ હમ કામ કરવા કે સેના સે ઐસે ચલ દે, આપ લોગ દુસરે અર્થ લગાઇયેગા તો નહીં. પૂરે ગાંવ સે સિગ્નેચર કિયા ફિર હમ ઉનકો ટાઇમ દિયા તીન બજે. બોલા સેના તીન બજે એકદમ ગેરંટી લડેગા.”

ઉપર અવતરણ ચિહ્ન સાથે જે શબ્દો છે એ હાલમાં પ્રતિબંધિત એવી રણવીર સેનાના કમાન્ડર ચંદ્રેશ્વર સિંહના છે. ના, આ રણવીર સેના એ ભારતીય સેનાની કોઈ પાંખ છે અને ચંદ્રેશ્વર સિંહ સરહદ પર થયેલા કોઈ પરાક્રમની વાત કરે છે એવું નથી. આ શબ્દો બોલાઈ રહ્યા છે બિહારના બાથાની તોલા ગામમાં ૧૧ જુલાઈ, ૧૯૯૬ના રોજ આચરવામાં આવેલા દલિત હત્યાકાંડ સબબ.

આ હત્યાકાંડમાં રણવીર સેનાએ ૨૧ દલિતોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, જેમાં ૧૧ મહિલાઓ, ૬ બાળકો અને ૩ નવજાત શિશુ હતાં. જેને ક્વોટ કરવામાં આવેલા છે એ ચંદ્રેશ્વર સિંહને આ કેસમાં નીચલી અદાલતે આજીવન કારાવાસની સજા કરી હતી. પટણા હાઇકોર્ટે અપૂરતા પુરાવા ગણીને એ સજાને ૨૦૧૩માં રદ કરી હતી. ૧૯૯૬થી ૨૦૧૫ યાને કે ૨૦ વર્ષે ચંદ્રેશ્વર સિંહ ઓન કેમેરા ઝડપાય છે અને બાથાની તોલા ઉપરાંત પાંચ દલિત માછીમારોની પણ ગળું કાપીને હત્યા કરી હોવાની વાત ગૌરવથી કરે છે.

ઇન્વેસ્ટિગેટિવ વેબસાઇટ કોબ્રાપોસ્ટ દ્વારા તાજેતરમાં ‘ઓપરેશન બ્લેક રેઇન’ નામે જાહેર થયેલા સ્ટિંગ ઓપરેશનમાં રણવીર સેનાના કમાન્ડિંગ ઓફિસર્સ સહિતના ટોચના લોકોની સનસનીખેજ મુલાકાતો છે. પત્રકારે ફિલ્મકારની ભૂમિકા ભજવીને એક વર્ષ જેટલો સમય લઈ એક ભાગેડુ અપરાધી અને નિર્દોષ છોડી મુકાયેલા આરોપીઓની મુલાકાત લઈને જ્ઞાાતીય આગેવાનો – રાજકીય વગ ધરાવતી વ્યક્તિઓની સાંઠગાંઠ ખુલ્લી પાડી છે.

જે લોકો સ્ટિંગમાં ઝડપાયા છે તેમાં ચંદકેશ્વર સિંહ ઉર્ફે ચંદ્રેશ્વર,પ્રમોદસિંહ, ભોલાસિંહ રાય, અરવિંદકુમાર સિંહ, સિદ્ધાર્થ સિંહ અને રવીન્દ્ર ચૌધરી છે. આમાં, રવીન્દ્ર ચૌધરી સિવાય તમામ લોકો લક્ષ્મણપુર બાથેના હત્યાકાંડના નિર્દોષ છૂટેલા આરોપી છે. ભોલાસિંહ બિહાર પોલીસનો વોન્ટેડ અપરાધી છે અને હાલ ઝારખંડમાં ટાટા સ્ટીલ નગરમાં છુપાઈને રહે છે. બાથાની તોલા કરતાં પણ કરપીણ એવા લક્ષ્મણપુર બાથે હત્યાકાંડમાં રણવીર સેનાએ એકસાથે ૫૮ દલિતોને મોતને ઘાટ ઉર્તાયા હતા.

૧૯૯૦થી ૨૦૦૦ દરમિયાન સરથુઆ(૧૯૯૫), બાથાની તોલા(૧૯૯૬), લક્ષમણપુરા બાથે(૧૯૯૭), શંકર બિઘા(૧૯૯૯), ઇકવારી (૧૯૯૭) અને મિયાંપુર (૨૦૦૦) સહિતના હત્યાકાંડોમાં ૩૦૦ દલિતોની હત્યા કરનાર રણવીર સેના બિહારના જમીનદારોનું સશસ્ત્ર સંગઠન છે. ૯૦ના દાયકામાં કમ્યુનિસ્ટ પાર્ટી અને યુનિયન શરૂ થતાં દલિતો વેઠ કરવાનો ઇન્કાર કરી રહ્યા હતા અને પૂરતા વેતનની માગણી કરી રહ્યા હતા.

એ સમયે જાતીય ભેદભાવો, જમીન માલિકી વગેરેને લીધે બિહારમાં હિંસક અથડામણોનો દોર ચાલતો હતો. અનેક આધુનિક શસ્ત્રો સહિત હત્યાકાંડ આચરીને રણવીર સેનાએ હાહાકાર મચાવ્યો હતો. આ હત્યાકાંડોમાં મહિલા, બાળકો, નવજાત શિશુઓ સહિત ગર્ભસ્થ શિશુઓની પણ હત્યા કરવામાં આવી હતી.

બિહારમાં જાતિવાદી હિંસાઓ પર અનેક અભ્યાસ થયા છે, પણ કોબ્રા પોસ્ટનું સ્ટિંગ ઓપરેશન એ રીતે અલગ છે કે તેમાં નિર્દોષ છૂટેલા લોકો ગૌરવથી ગુનાની ઓન કેમેરા કબૂલાત કરે છે અને તેના થકી વિવિધ ઘટના સાથે સંકળાયેલી રાજનીતિનો તેમજ આતંકી વ્યૂહરચનાઓનો પણ ચિતાર મળે છે.

ફક્ત લશ્કર પાસે જ હોય છે એવા એલએમજી, સેમી ઓટોમેટિક વેપન્સ રણવીર સેનાને ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર ચંદ્રશેખરની મદદથી મળ્યા તેવો દાવો ઓપરેશન બ્લેક રેઇનમાં અપરાધીઓ કરે છે. ઉપરાંત પૂર્વ નાણાપ્રધાન યશવંત સિંહાએ સાડા પાંચ લાખની આર્િથક મદદ કરી તેવી કબૂલાત કરવામાં આવી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના દીકરા નીરજ શેખરે કોબ્રાપોસ્ટ સામે કેસ કરવાની વાત કરી છે.

આપણા દેશમાં જાતીય-વંશીય હિંસા નવીનતા કે શરમ ગણાતી નથી ત્યારે આ સ્ટિંગ ઓપરેશનનો ઘટસ્ફોટ અનેક રીતે અનોખો છે. ઉગ્ર સ્થિતિમાં બે જૂથો સામસામે આવી જાય એ સ્થિતિ અને આયોજનપૂર્વક ધોરણસરની લશ્કરી તાલીમ સાથે સામૂહિક નરસંહાર કરવામાં આવે તે સ્થિતિ વચ્ચેનો ફરક આ ઓપરેશનથી બહાર આવે છે. આઝાદીના છ-છ દાયકા પછી દેશે અનેક પ્રગતિ તો કરી છે, પણ માણસમાત્રને આદર હજી સાર્થક કરી શકાયો નથી, કેમ કે આવી વંશીય-જાતીય હિંસાનું મૂળ જાતિવાદમાં રહેલું છે.

રાજનીતિ, વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર પણ જાતિવાદથી ગ્રસ્ત હોવાને લીધે આવી હિંસક ઘટનાઓ ન્યાયના મુકામ સુધી પહોંચતી નથી, પરિણામે હથિયાર સામે હથિયાર ઊઠતાં રહે છે અને કાયદાનું રાજ એ કિતાબી બાત બનીને રહી જાય છે. બિહારમાં જાતિવાદ, જમીન અને બેરોજગારી તથા મજૂરીની એવી પેચીદી સમસ્યાઓ છે કે જે આવા નરસંહારમાં પલટાય છે.

ઓપરેશન બ્લેક રેઇનનું ચૂંટણી ટાણે જ આગમન બિહારની રાજનીતિમાં નવું જ કીચડ ઊભું કરશે એમાં કોઈ બેમત નથી. આ કીચડ ખરેખર તો આવકાર્ય છે, કેમ કે જેના હાથ સાવ સાફ હોય એવું કોઈ નથી. લક્ષ્મણપુર બાથે હત્યાંકાંડમાં ભાજપ – જેડીયુ બેઉના નેતાઓ સામેલ ગણાય છે.

નીતીશકુમારનું નામ સીધું નથી આવ્યું, પરંતુ લાલુપ્રસાદ યાદવે નીમેલું જસ્ટિસ અમીરદાસ તપાસપંચ બિહારમાં ભાજપ – જદયુની સંયુક્ત સરકાર બનતાં જ તેમણે વિખેરી નાખ્યું હતું એ વાત જાણીતી છે. નીતીશકુમારે તપાસ જસ્ટિસ અમીરદાસ તપાસપંચ વિખેરી નાખ્યું એ વેળાએ એક સ્થાનિક અખબારે રણવીર સેનાના ૩૫ મોટા નેતાઓ ભાજપ-કોંગ્રેસ, રાજદ વગેરેના દોસ્તો છે એવો અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

ઓપરેશન બ્લેક રેઇન થકી લોકોને ન્યાય મળશે કે નહીં તે તો શી ખબર, પરંતુ ચૂંટણીમાં ઉછાળવા માટે તમામ પક્ષોને પૂરતો મસાલો મળી ગયો છે. આ ઓપરેશન બ્લેક રેઇનના કીચડથી બિહારની સામંતશાહી રાજનીતિની જો તસુભાર પણ ફરક પડશે તોપણ તે લોકશાહી માટેની ઉજ્જ્વળ આશા ગણાશે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s