રાજ્ય સરકાર વિકાસ માટે આયોજન ખર્ચમાં વધારો કરે છે, પરંતુ આયોજન મુજબ ખર્ચ કરવામાં આવતો નથી

પાથેય બજેટ સેન્ટર/

નાણામંત્રીએ વર્ષ ૨૦૧૫-૧૬માં રાજ્યના વિકાસ માટે રૂ. ૭૯૨૯૫ કરોડ ૧૧ લાખનું આયોજન બજેટ રજુ કર્યું, જે વર્ષ ૨૦૧૩-૧૪ના આયોજન ખર્ચની સરખામણીએ ૪૮.૮૧% રકમનો અને વર્ષ ૨૦૧૪-૧૫ના ફેરફાર કરેલ આયોજન બજેટ જોગવાઈની સરખામણીએ ૧૦.૯૦% રકમનો વધારો સૂચવે છે. રાજ્ય સરકાર રાજ્યના વિકાસ માટે વર્ષો વર્ષ આયોજન કરે છે, પરંતુ તે આયોજન મુજબ ખર્ચ કરવામાં સફળ પુરવાર થયેલ નથી.

વર્ષ ૨૦૧૨-૧૩માં રાજ્યના આયોજન બજેટમાં રૂ. ૫૧૦૦૦ કરોડની જોગવાઈ સામે રૂ. ૨૪૮૫.૪૧ કરોડ (૦૪.૮૭%) જેટલી રકમના ઘટાડો કરીને રૂ. ૪૮૫૧૪.૫૯ કરોડનો ખર્ચ કરવામાં આવેલ. એવી જ રીતે વર્ષ ૨૦૧૩-૧૪ના વર્ષ દરમ્યાન રાજ્યના આયોજન બજેટમાં રૂ. ૫૯૦૦૦ કરોડની જોગવાઈ સામે રૂ. ૫૭૧૨.૫૪ કરોડ (૦૯.૬૮%) જેટલી રકમનો ઘટાડો કરીને રૂ. ૫૩૨૮૭.૪૬ કરોડનો ખર્ચ કરવામાં આવેલ.

આશા રાખીએ કે વર્ષ ૨૦૧૪-૧૫માં જે આયોજન બજેટની જોગવાઈ કરવામાં આવેલ છે તે રકમ પૂર્ણ રીતે વપરાય અને રાજ્યના છેવાડાના વ્યક્તિને વિકાસનો લાભ મળે.

રાજ્યના એકંદર ઘરગથ્થું ઉત્પાદનમાં ખેતીનો ફાળો માત્ર ૧૧.૭%, મેન્યુફેકચરીંગનો ફાળો ૨૪.૬% અને સેવાઓનો ફાળો ૪૮.૬%

રાજયની આર્થિક વ્યવસ્થામાં મોટા ફેરફાર થયેલ છે. રાજયના ઘરગથ્થું ઉત્પાદનમાં સેવાઓનો ફાળો ૪૮.૬% જેટલો થઈ ગયો છે, જયારે પ્રાથમિક ક્ષેત્ર એટલે ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓનો ફાળો ઘટતો જાય છે. ૨૦૦૪-૦૫માં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો ૧૯.૫% હતો. જે ઘટીને વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૪.૯% જેટલો થઇ ગયો. એમાંય ખેતીનો ફાળો વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૧.૭% જેટલો થઇ ગયો. રાજયમાં ખેતીથી આજીવિકા મેળવનાર વસ્તી ૫૦% કરતાં વધારે છે.

ઘઉં, બાજરી, જુવાર મગફળીના વિસ્તાર અને ઉત્પાદનમાં ઘટાડો

રાજયમાં ઝડપી ઉદ્યોગીકરણની અસર ખેતીના વિસ્તારમાં અને ઉત્પાદન સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. વર્ષ ૨૦૧૩-૧૪માં કુલ ૪૪૩૬ હજાર હેકટરમાં અનાજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જે વર્ષ ૨૦૧૪-૧૫ ના સુધારેલ અંદાજ પ્રમાણે ૩૭૪૮ હજાર હેકટર્સમાં અનાજ ઉત્પાદન અંગે સૂચવવામાં આવેલ છે. આમ વર્ષ ૨૦૧૩-૧૪ની સરખામણીએ વર્ષ ૨૦૧૪-૧૫માં ખેતીના વિસ્તારમાં ૬૮૮ હજાર હેકટર્સનો ઘટાડો થશે.

તેલીબિયાંના વાવેતર કરવા વર્ષ ૨૦૧૪-૧૫માં કુલ ૪૮૨ હજાર હેકટર્સમાં ઘટાડો થયેલ છે, જો કે કપાસના વાવેતર માટે ૪૯૧ હજાર હેકટર્સ વિસ્તારમાં વધારો થશે. જયારે મગફળીના વાવેતર વિસ્તારમાં ૪૮૭ હજાર હેકટર્સમાં ઘટાડો થશે. આમ અનાજ અને તેલીબિયાની ખેતી વિસ્તારમાં ચોખા અને કપાસની ખેતીમાં વિસ્તારમાં વધારો નોઘશે. જયારે ઘઉંના વાવેતર વિસ્તારમાં વર્ષ ૨૦૧૪-૧૫માં ૧૯.૨૦% નો ઘટાડો થશે. જુવારના ખેતી વિસ્તારમાં ૪૮.૪%, બાજરીમાં ૨૫.૩૬% આમ અનાજની ખેતી માટે વર્ષ ૨૦૧૪-૧૫માં અંદાજીત ૧૫.૫૧% વિસ્તારમાં ઘટાડો થશે. ખેતી વિસ્તારના ઘટાડાના કારણે અનાજ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાશે. જે રાજયના અન્ન સુરક્ષા માટે ચિંતાનો વિષય બની શકે છે.

વર્ષ ૨૦૧૩-૧૪ની સરખામણીએ વર્ષ ૨૦૧૪-૧૫માં કુલ અનાજ ઉત્પાદનમાં ૧૪૩૫ હજાર ટનનો ઘટાડો નોધાશે. જેમાં ઘઉં ઉત્પાદનમાં ૯૯૯ હજાર ટનનો ઘટાડો નોધાશે. જુવારના ઉત્પાદનમાં ૯૧ હજાર ટન, બાજરીમાં ૨૯૭ હજાર ટનનો ઘટાડો થશે. જયારે ચોખાના ઉત્પાદનમાં ૭૨ હજાર ટન વધારો નોધાશે. કપાસના વિસ્તારમાં વધારો થવા છતા ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. જયારે મગફળીના ઉત્પાદનમાં પણ વર્ષ ૨૦૧૪-૧૫માં ૨૦૮૦ હ્જાર ટન નો ઘટાડો નોધાશે.

આમ રાજયનો ખેતીનો વિસ્તાર હજી પણ કુદરતી વરસાદ પર આધાર રાખે છે, એ માટે દરેક વિસ્તારમાં પીયતની સુવિધા મળી રહે જેથી ખેતી વિસ્તાર અને ઉત્પાદનમાં વધારો થાય.

ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા ૬.૯૫ લાખ

ગુજરાત રાજય જે રીતે ઔદ્યોગિક રીતે ઝડપી વિકાસ પામી રહ્યો છે, તે રીતે શિક્ષિત બેકારોને ઝડપી રોજગારી મળેલ નથી. રાજયની વિકાસનીતિ તૈયાર કરનારાઓએ આ ૬.૯૫ લાખ કરતાં વધારે શિક્ષિત બેકારોની રોજગારી મળે તે માટે આયોજન કરવું જોઈએ.

રાજયમાં કુલ ૬.૯૫ શિક્ષિત બેકારો પૈકી મોટી સંખ્યા શિક્ષિત બેકારોમાં ૨૭.૧૨% એસ.એસ.સી (S.S.C.) પાસ વાળાની અને ઈન્ટર સુધી પાસ કરેલ વધારે બેરોજગાર છે, ઈન્ટર પાસ શિક્ષિત બેકારોની સંખ્યા ૨૨૦૭૪૦ (૩૧.૭૨%) જેટલી છે. સ્નાતક શિક્ષિત બેકારોની સંખ્યા ૧૮૮૧૦૦ જેટલી છે. જેમની કુલ શિક્ષિત બેકારોમાં ટકાવારી ૨૭.૦૩% જેટલી થાય છે.

સહુથી ગંભીર બાબત એ છે કે ઈજનેરી અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓમાં પણ ૧૩૪૧૮ શિક્ષિત બેકારો નોંધાયેલ છે (જેમની ટકાવારી ૧.૯૩% છે). ઇજનેરી અભ્યાસ કરેલ બેરોજગારોની સંખ્યામાં વધારો થયો છે, વર્ષ ૨૦૧૩માં તેઓની સંખ્યા ૧૧૨૯૫ હતી જેમાં ૨૧૨૩નો વધારો થયો છે. રાજયમાં આટલા બધા ઇજનેરી આધારિત કારખાના અને ઉધોગો હોવા છતાં ઇજનેરીના વિધાર્થીઓને બેરોજગાર રહેવુ પડે તે એક ચિંતાનો વિષય છે, જે અંગે રાજય સરકારે ઇજનેરી અભ્યાસક્ર્મ અંગે પણ સુધારા કરવા જોઇએ, આજે જે ઉધોગો માં કુશલ ઇજનેરી વિધાર્થીઓની જરૂર હોય તે પ્રમાણે અભ્યાસ ક્રમમાં સુધારા કરવા જોઇએ.

અનુસ્નાતક ઉચ્ચ અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓમાં પણ ૪૦૭૮૧ શિક્ષિત બેકારો રોજગારી મેળવવા રોજગાર કચેરીઓમાં નોંધાયેલ છે. ઉચ્ચ અભ્યાસ કરેલ શિક્ષિત બેકારોમાં વિનયન અભ્યાસ કરેલ ૧૪૪૫૨ જેટલા નોંધાયેલ છે, વિજ્ઞાન અભ્યાસ કરેલ શિક્ષિત બેકારોની સંખ્યા ૬૩૭૭ છે, વાણિજય અભ્યાસ કરેલ શિક્ષિત બેકારોની સંખ્યા ૫૭૪૫ જેટલી છે તથા અન્ય ઉચ્ચ શિક્ષણ મેળવેલ બેકારોની સંખ્યા ૧૪૨૦૭ જેટલી છે, જયારે ઈજનેરી શાખાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલ અનુસ્નાતકો જે બેકારો છે, તેમની સંખ્યા ૨૩૯ જેટલી છે.

રાજયમાં ગ્રામોદ્યોગમાં વર્ષ ૨૦૧૨-૧૩ની સરખામણીએ વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૫૨૬૮ રોજગારીઓનો ઘટાડો નોંધાયો

ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડમાં ખાદી અને ગ્રામોદ્યોગ માટે સંસ્થાઓ મારફત જુદી જુદી કામગીરી કરે છે, બોર્ડ દ્વારા ખાદી અને પોલીવસ્ત્ર, સાબુની બનાવટ, સુથારીકામ, લુહારીકામ, ગોળ અને ખાંડસરી વગેરે કામ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી આપવામાં આવે છે. ખાદી અને ગ્રામોદ્યોગને લગતી કામગીરીના આંકડાઓ નીચે ટેબલમાં આપેલ છે.

ખાદી ક્ષેત્રે બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪માં ખાદીનું ઉત્પાદન રૂ. ૩૬.૧૩ કરોડ રકમનુ કરવામાં આવ્યું હતું અને ઉત્પાદન વેચાણ રૂ. ૫૨.૫૬ કરોડનું થયેલ હતું. ખાદી ક્ષેત્રમાં વર્ષ ૨૦૧૨-૧૩ની સરખામણીએ વર્ષ ૨૦૧૩-૧૪માં કુલ ૬૭૯ રોજગારી ઓના વધારા સાથે કુલ ૧૦૬૪૩ રોજગારીઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

ગ્રામદ્યોગની પ્રવૃત્તિઓ હેઠળ વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૩૭.૧૩ કરોડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જયારે એ ઉત્પાદનના વેચાણથી રૂ. ૧૪૩.૯૭ કરોડ મેળવવામાં આવ્યા હતાં. જયારે વર્ષ ૨૦૧૨-૧૩ માં ગ્રામદ્યોગની પ્રવૃત્તિઓમાંથી રૂ. ૨૮૮.૪૯ કરોડના ઉત્પાદનમાંથી રૂ. ૩૨૭.૩૧ કરોડનું વેચાણ કરવામાં આવ્યું હતું.

આમ વર્ષ ૨૦૧૩-૧૪માં પાછલા વર્ષની સરખામણીએ ૫૮.૧૦% ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર રોજગારી પર પડેલ છે. વર્ષ ૨૦૧૨-૧૩માં ગ્રામોદ્યોગમાં કુલ ૭૭૯૧૬ રોજગારી આપવામાં આવી હતી. જે વર્ષ ૨૦૧૩-૧૪માં ઘટીને ૬૨૬૪૮ જેટલી થઈ છે. ગ્રામોદ્યોગમાં વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૯.૫૯% રોજગારીમાં ઘટાડો નોંધાયો છે, જે એક ચિંતાનો વિષય છે.

ગ્રામ વિસ્તારોમાં વધુમાં વધુ રોજગારી ઉત્પાદન થાય તે માટે સરકારે વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s