અનામતની કોઇ પણ ચર્ચા હરીફરીને દલિતોની અનામતના ઉગ્રતમ વિરોધમાં કેમ ફેરવાઇ જાય છે?

ઉર્વીશ કોઠારી*/ 

પાટીદાર સમાજના અનામત-આંદોલન વિશે માથાં એટલી વાતો છે. આ આંદોલનમાં સરકાર સાથે વાતચીત કરી શકે એવા નેતાઓ અને તેમની માગણીઓથી માંડીને આંદોલન સ્વયંભૂ છે કે સંચાલિત, તેના વિશે જુદા જુદા મત પ્રવર્તે છે. સોશ્યલ મિડીયાની વાત કરીએ તો, ત્યાં અનામત-તરફી આંદોલનની ચર્ચા પહેલી તકે દલિતોને મળતી અનામતના હળહળતા વિરોધમાં સરી જાય છે. બાકી,સોશ્યલ મિડીયા વાપરનારી (યુવા) પેઢી માટે ઘણા એવું માનતા હતા કે તે જ્ઞાતિના ભેદભાવોથી પર છે.

પાટીદાર અનામત જેવા મુદ્દે સ્વસ્થતાથી ચર્ચા થઇ શકે એવું વાતાવરણ રહ્યું નથી — અને સૂત્રોચ્ચારોમાં ઉમેરો કરવાનો ઇરાદો નથી. તેને બદલે, ‘સામાજિક સમરસતા’ની કે સામાજિક તંદુરસ્તીની દૃષ્ટિએ એટલો વિચાર જરૂર કરવો જોઇએ: અનામતની કોઇ પણ ચર્ચા હરીફરીને દલિતોની અનામતના ઉગ્રતમ વિરોધમાં કેમ ફેરવાઇ જાય છે? અત્યારનું આંદોલન ભલે અનામતની માગણીનું હોય, તો પણ તેના નિમિત્તે ૧૯૮૧-૧૯૮૫નાં અનામતવિરોધી રમખાણ જેવા દલિતવિરોધના ઉભરા કેમ દેખાય છે?

સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અન્ય પછાત જ્ઞાતિઓ (ઓબીસી) માટે ૨૭ ટકા, શિડ્યુલ્ડ ટ્રાઇબ (આદિવાસી સમાજ) માટે ૧૫ ટકા અને શિડ્યુલ્ડ કાસ્ટ (દલિત સમાજ) માટે ૭ ટકા બેઠકો અનામત હોય છે. આમ, દલિતોની અનામત ટકાવારીની રીતે સૌથી ઓછી છે. છતાં તેનો સૌથી વધારે વિરોધ શા માટે થાય છે? પાટીદારોના આંદોલનનું વિશ્લેષણ કરતી ચર્ચાઓમાં એવું પણ કહેવાય છે કે “અનામતની માગણી વાસ્તવમાં અનામતનો વિરોધ કરવાની જ નવી વ્યૂહરચના છે”. કોઇ પાટીદાર સંગઠન તરફથી સત્તાવાર રીતે આવું કહેવામાં આવ્યું નથી, પણ રેલીઓમાં અનામતની માગણી સાથે છૂટાછવાયા અનામતના વિરોધના સૂર જરૂર સાંભળવા મળ્યા છે.

આ બધી ચર્ચામાં એક યા બીજા પક્ષે ઝુકાવતાં પહેલાં કેટલીક હકીકતો વિશે સ્પષ્ટ થવું રહ્યું.

સમાજમાં હજુ દલિતો સાથે ભેદભાવ રખાય છે?

જો આ સવાલનો જવાબ ‘ના’ હોય તો, જાતને પૂછવા જેવો પેટાસવાલ: ‘આપણી જાણકારી શાના પર આધારિત છે? શહેરી ઓફિસોમાં જોયેલા-સાંભળેલા બે-પાંચ કિસ્સા પરથી?’ સરકારી ઓફિસોમાં અનામત થકી બે પાંદડે થયેલા કે ‘સાહેબ’ લાગતા દલિતોનું પ્રમાણ આખા રાજ્યની કુલ દલિત વસ્તીમાં નહીંવત્‌ છે. (એ જુદી વાત છે કે સરકારી નોકરીઓમાં દલિતો માટેની અનામત, છતાં ભરાયા વગર પડી રહેલી જગ્યાઓની–બેકલોગની– યાદી લાંબી છે.) તેમના આધારે રાજ્યના દલિતોની સ્થિતિ નક્કી કરવાનું અને ‘તેમને હવે અનામત ન મળવી જોઇએ’ એવું નક્કી કરવાનું કેટલું યોગ્ય છે?

આપણા સમાજની કડવી વાસ્તવિકતા એ છે કે બંધારણમાંથી સત્તાવાર રીતે અસ્પૃશ્યતા નાબૂદ કરી દીધા છતાં, આજની તારીખે દલિતો સાથે અનેક પ્રકારના ભેદભાવ રાખવામાં આવે છે. નવસર્જન ટ્રસ્ટના એક અભ્યાસ પ્રમાણે, રોજિંદા વ્યવહારોમાં અને અન્ય ક્ષેત્રોમાં કહેવાતા ઉજળિયાતો ૯૦થી પણ વધુ પ્રકારની બાબતોમાં દલિતો પ્રત્યે ભેદભાવ રાખે છે — આભડછેટ રાખે છે. તેનાં એક કહેતાં દસ ઉદાહરણ ચાલુ વર્તમાનકાળમાં મળી શકે એમ છે. શરત એટલી કે જ્ઞાતિગૌરવ-કમ-જ્ઞાતિદ્વેષની પટ્ટી આંખ પરથી ઉતારવી પડે.

ગરીબો સૌ સરખા. તેમાં દલિત શું ને બિનદલિત શું?

આર્થિક પછાતપણાના આધારે અનામતની તરફેણ કરતા ઘણા લોકો માને છે કે ‘ગરીબ દલિતો અને ગરીબ બિનદલિતોની સ્થિતિ એકસરખી કફોડી હોય છે. ગરીબીને જ્ઞાતિનાં બંધન નડતાં નથી.’ ખુલ્લાં આંખ-કાન સાથે સમાજનો વ્યવહાર જોનાર કોઇ પણ વ્યક્તિને દેખાશે કે દલિતોને ગરીબીની સાથોસાથ જ્ઞાતિની રીતે નીચા હોવાનો વધારાનો અને કમરતોડ બોજ સહન કરવાનો આવે છે.

અનામતનો લાભ મેળવનાર બીજા કોઇ વર્ગને સામાજિક રીતે આવી ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડતું નથી. ઉજળિયાત કહેવાતા અને ‘અમે પણ ગરીબ હતા’ એવું ગૌરવ ધરાવનારા પોતાની જાતને દલિતોની જગ્યાએ મૂકી જુએ અને વિચારી જુએ : ગમે તેટલી ગરીબીમાં પણ પોતાની બિનદલિત અટક ગૌરવપૂર્વક જાહેર કરતાં તેમને ખચકાટ થયો હતો? થાય છે?
સમાજનો બહુમતી હિસ્સો વ્યક્તિનું માપ તેની જ્ઞાતિ પરથી કાઢતો હોય અને ‘તમે કેવા?’ એ સવાલ પૂછવો જ્યાં સામાન્ય ગણાતો હોય, ત્યાં ગરીબ દલિતોને સામાજિક રીતે બીજા ગરીબોની હરોળમાં મૂકી શકાય નહીં. અરે, ગરીબ દલિતો જ શા માટે, ઠીક ઠીક પૈસાપાત્ર ગણાતા અને પ્રતિભાશાળી દલિતોને પણ ઓળખ જાહેર કરવાનો સંકોચ થાય, એવી સ્થિતિ સામાજિક વાસ્તવિકતા છે. તેના ઉકેલ માટે તેનો પહેલાં તેનો સ્વીકાર કરવો પડે.

અનામતને લીધે ભેદભાવની ખાઇ પહોળી બને છે?

એવી વ્યાપક માન્યતા છે કે ‘દલિત વિદ્યાર્થીઓને સાવ ઓછા ટકે એડમિશન મળી જાય છે ને તેજસ્વી બિનદલિત વિદ્યાર્થીઓને વધારે ટકે પણ એડમિશન મળતું નથી. એટલે બિનદલિતોમાં દલિતો પ્રત્યે રોષની લાગણી ઊભી થાય છે. મેરિટનો અભાવ દલિતોમાં સૌથી વધારે હોવાથી દલિતો પ્રત્યેનો રોષ સૌથી વધારે હોય છે.’
આ દલીલનું સુખ એ છે કે દલિતો પ્રત્યે રખાતા તમામ પ્રકારના એક જ તર્કથી વાજબી ઠરાવી શકાય છે. પણ ઇમાનદારીથી જાતને પૂછવા જેવો સવાલ: શું આપણે એટલા બધા મેરિટપ્રેમી છીએ કે થોડા દલિત વિદ્યાર્થીઓ થોડા ઓછા ટકે એડમિશન મેળવી લે, તેનાથી આખા સમાજ સામે ધીક્કાર થઇ જાય? એ સાચું હોય તો ઓછા ટકે ડોનેશનની સીટ પર પ્રવેશ લેનારા લોકોથી માંડીને, અનામતનો લાભ ધરાવનારા બીજા સમુહો સામે પણ આટલો જ ખાર પેદા ન થવો જોઇએ? એવું નથી થતું, તેનો અર્થ શો થાય? મેરિટપ્રેમ કે અન્યાયબોધના નામે છડેચોક જ્ઞાતિદ્વેષ તો વ્યક્ત થઇ જતો નથી ને?

બીજી હકીકત એ પણ છે કે દલિત અને બિનદલિત વિદ્યાર્થીઓ વચ્ચેની ટકાવારીનો તફાવત એંસી અને ચાળીસ જેટલો મોટો રહ્યો નથી. ત્રીજો મુદ્દોઃ જ્યાં પ્રવેશ કે નોકરીની કશી તકરાર ન હોય એવાં અનેક ક્ષેત્રોમાં પણ, આવી કોઇ હરિફાઇમાં ન હોય એવા દલિતો પ્રત્યે પણ ભારોભાર ભેદભાવના અસંખ્ય કિસ્સા જોવા મળે છે.

પણ અનામતથી દલિતોનો ઉદ્ધાર થવાનો નથી. ઉલટું તેમના પ્રત્યે લોકોને દુર્ભાવ થશે.

એ વાત તો સાચી કે અનામતથી દલિતોની એક-બે પેઢીના થોડા લોકોને ફાયદો થયો હોવા છતાં, એકંદર દલિત સમાજને ખાસ ફાયદો થયો નથી. જેટલો ફાયદો થયો છે, તે પણ મોટે ભાગે આર્થિક પ્રકારનો રહ્યો છે. સામાજિક સમાનતા આવી નથી. કારણ કે,સરકારી રાહે અપાયેલી અનામતથી દલિતોને તક મળે છે. અત્યાચારવિરોધી કાયદાને લીધે દલિતોને (થિયરીમાં) રક્ષણ મળે છે. પરંતુ કાયદાથી સમાનતા લાવી શકાતી નથી. સમાનતા લાવવાનું કામ સમાજનું છે.

‘દલિતોને મળતી અનામતથી અમને અન્યાય થયો છે’ એવું માનનારા પહેલાં સામાજિક અન્યાય સ્વીકારે અને તેને દૂર કરવાની વૈકલ્પિક વ્યવસ્થા વિચારે — જેમ કે,શાળાના સ્તરેથી દલિત બાળકોને તૈયાર કરવામાં રસ લે, તેમને સમાન તક આપે અને તેમના મનમાંથી જ્ઞાતિગત હીનતાની ભાવના કાઢી નાખે — તો અનામતની જરૂર નહીં રહે. અનામત નાબૂદ કરનારા આ એજેન્ડા અપનાવે તો બને કે બહુમતી દલિતો પણ તેમને હોંશે હોંશે સાથ આપે.

*સીનીઅર પત્રકાર. સૌજન્ય: http://urvishkothari-gujarati.blogspot.in/ 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s