સરકાર અનામત આંદોલનમાં ફાટા પાડવામાં મશગુલ અને દલિતો ભગવાન ભરોશે…

ગુજરાતમાં અનુસુચિત જાતિના વ્યક્તિઓના માનવ અધિકાર ભંગના બનાવોમાં કાર્યવાહી કરવા બાબત: કાર્યકારી અધ્યક્ષ, જસ્ટીસ સીરીયક જોસેફ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, નવી દિલ્હીને પત્ર: 

વીંઝરાણા ગામ પોરબંદરથી ૨૦ કી.મી. દુર પોરબંદર તાલુકા અને જીલ્લામાં આવેલ છે. આ ગામની વસ્તી આશરે ૧૫૦૦ ની છે, જેમાં વણકરના ૧૦૨, રબારીના ૫, મુસ્લિમ(સુમરા)ના ૨૫, અને મેર જ્ઞાતિના ૧૨૫ ઘરો વાડી વિસ્તારમાં અને ગામમાં ૨૫ ઘરો છે.

અનુસુચિત જાતિ (વણકર)ના લોકોનો મુખ્ય વ્યવસાય ખેત મજુરી, કડિયાકામ, અને બોકસાઇટમાં મજુરી કામનો છે, અમુક લોકો પોરબંદર ખાતે મજુરી કામે જાય છે અને બીજા આ ગામમાં ખેત મજુરી કરી જીવન ગુજારે છે. આ વીંઝરાણા ગામમાં જોઇએ તો મોટા ભાગે મેર જ્ઞાતિનું વર્ચસ્વ છે.

ગામમાં અસ્પૃશ્યતા જાહેર જગ્યાઓમાં નજરે જોવા મળે છે, દલિતોને મંદિર પ્રવેશવા ના દેવા, ગામમાં વાણંદ દ્વારા વાળ-દાઢી ના કરવી,ચા ની હોટેલમાં અલગ કપ-રકાબીમાં ચા આપવી, ગામની દ્દુધની ડેરી કે રાશનની દુકાનમાં અસ્પૃશ્યતા રાખવી, દલિતો એ ઢોર ખેચવા, પ્રાથમિક શાળામાં બાળકોને અગલ બેસાડવા જેવી બાબતો જોવા મળે છે. ,

૨૦૧૨માં યોજાયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં વીંઝરાણાગામે ગ્રામ પંચાયતમાં દલિત કાર્યકર અને આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ સુમનભાઈ બેચરભાઈ ચાવડા, ઉમર વર્ષ,૪૦ નાઓ ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ચુંટાયેલ આવેલ છે. વીંઝરાણા ગામમાં ઉપ સરપંચ તરીકેની ચુંટણીમાં સુમનભાઈ ચાવડા ઉભા રહેલ અને ઉપ સરપંચ તરીકે ચુંટાઈ આવેલ હતા અને ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પણ ચુંટાઈ આવેલ હતા.

પોરબંદર જીલ્લાના વીંઝરાણા ગામના બનાવની ટુકી વિગત:

વીંઝરાણા ગામના નાથાભાઈ કાનાભાઈ મોઢવાડીયા કે જે સરપંચ હતા. આ સરપંચના સબંધીના ઘેરે તેમનું ઢોર મરી જતા આ ઢોર ઢસરડવા અને લઇ જવા વાસમાં આવી કહેલ જે બાબતે મરેલા ઢોર ઢસરડવા માટેની સુમનભાઈ દ્વારા ના પાડવામાં આવેલ અને ઢોર ઢસરડવાનો ઇનકાર કરેલ હતો.

આ દરમિયાન વીંઝરાણા ગામે ગામની શાળામાં મધ્યાહન ભોજનનો રૂમ પાડવામાં આવેલ અને જેમાં ભ્રષ્ટાચાર થયેલ તે અંગેની માહિતી સુમનભાઈએ માંગેલ, તેમજ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરેલ અને મીડિયાને ૪/૯/૨૦૧૨ના રોજ બોલાવી શુટિંગ ટી.વી.સમાચારમાં આપવા માટે કરાવેલ.

આજ દિવસે સાંજના સમયે વીંઝરાણાગામેથી શુટિંગ પતાવી સુમનભાઈ ચાવડા, પોતાનું દ્વિ-ચક્રી વાહન બાજુના ૨ કિ.મી. દુર કાટવાડા ગામના બસ સ્ટેન્ડે મુકેલ હતું તે લેવા ગયેલ હતા. આ દરમ્યાન આજ ગામના ૯ મેર લોકો અગાઉ થી કાવતરું રચી સફારી કાર, સુમો, અને મોટર સાયકલો લઇ આવેલ અને બસ સ્ટેન્ડની આજુબાજુ ગોઠવાયેલ હતા તેઓ બહાર આવી સુમનભાઈને ગાળો આપવા લાગેલ, અને જાતિ વિષયક અપશબ્દો બોલી, તું મોટો નેતા થઇ ગયો છે હવે તને બતાવી દેવું છે તેમ કહી હુમલો કરી માર મારવાનું શરુ કરેલ.

સુમનભાઈને ચાર-પાંચ આરોપીઓએ પકડી બેલાના પથ્થર પર સુવડાવી તેમના પગ પર બેલાના પથ્થરોના જોરદાર ઘા મારી બન્ને પગ ભાંગી નાખેલ અને ત્યાર બાદ તેના હાથ પર બેલાના પથ્થર પર રાખી ભાંગી નાખી તેઓ ગાળો બોલતા મારી નાખવાની ધમકી આપી ભાગી ગયેલ હતા. આ સમયે ગામ લોકોનું ટોળું ભેગું થઇ ગયેલ અને તેમાંથી કોઈએ સુમનભાઈના ઘેરે સમાચાર આપતા કુટુંબીઓ આવી ગયેલ અને તરતજ પોરબંદર ડો. હિતેન્દ્ર તાવડીના ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં તેમના ભાઈ લઇ ગયેલ અને ડોકટરે પ્રાથમિક સારવાર આપી ઓપરેશન આવે તેમાં હોઈ તેનો ખર્ચો રૂ. ૫ લાખ આવશે તેમ ખાનગી ડોકટરે કહેતા સુમનભાઈના કુટુંબને આ ખાનગી દવાખાનાનો ખર્ચો પોષાય તેમ ના હોઈ ખાનગી વાહન કરી તેમને જામનગર સરકારી ઈરવીન(સર ગોવિંદસિંહ) હોસ્પિટલમાં દાખલ કરેલ.

જ્યાં ડોકટરો દ્વારા કહેવામાં આવેલ કે અહિયાં હાલ મશીનો ખરાબ હોઈ સારવાર શક્ય નથી, તમો અમદાવાદ લઇ જાઓ જેથી સુમનભાઈને ખાનગી વાહન કરી અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે બીજા દિવસે દાખલ કરવામાં આવેલ હતા જયા તેમના પગમાં અને હાથમાં બે વાર ઓપરેશનો કરવામાં આવેલ હતા જ્યાં સુમાંન્ભીએ બાર દિવસ સુધી સારવાર લીધેલ હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતા સુમનભાઈ ચાવડા વીંઝરાણા ગામે બીકને લીધે ગયેલ નહી અને પોરબંદરથી ૫ કી.મી. દુર આવેલ ધરમપુર ગામે ૧૫ દિવસ સુધી હિજરત કરી ગયેલ હતા.અમદાવાદ સિવિલમાં દોઢ મહિના બાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફરીથી ૧૦ દિવસની સારવાર માટે સુમનભાઈ દાખલ થયેલ હતા જ્યાં સારવાર બાદ ઘેરે પોલીસ રક્ષણ સાથે પરત ફરેલ હતા.

આ બનાવ અંગેની ફરિયાદ સુમનભાઈ દ્વારા જામનગર ખાતે બગવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આવેલ તેની સમક્ષ તારીખ ૪/૯/૨૦૧૨, ના રોજ પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુના રજીસ્ટર નંબર; I -૪૯/૧૨ આઈ.પી.સી.ની કલમ, ૧૨૦-(બી),૩૦૭, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨) ૩૭૪, ૫૧૧, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, , અને અત્યાચાર ધારાની કલમ ૩(૧૦૧૦, ૩(૨)૫, તેમજ અસ્પૃશ્યતા ધારા નિવારણ ૧૯૫૫ ની કલમ ૭(ક) તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ કરવામાં આવેલ છે. આ ગુનાની ફરિયાદ બાદ સાત આરોપીઓની ધરપકડ અઠવાડિયામાં અને મુખ્ય બે આરોપીઓની ધરપકડ દોઢ મહિના બાદ કરવામાં આવેલ હતી.

આ દરમ્યાન પોરબંદરના એસ.સી./એસ.ટી.સેલના ડી.વાય.એસ.પી. પઠાણ ધરમપુર આવેલ અને સુમનભાઈના જીવના જોખમ સામે ૪ હથિયાર ધારી પોલીસોનું (બે સવાર થી સાંજ અને બે રાત્રે) રક્ષણ આપતા પોતાને ઘેર પરત ફરેલ હતા. થોડા સમય પછી સુમનભાઈ દ્વારા વીંઝરાણા ગામે સરપંચનો ચાર્જ લઇ ગામના સરપંચ તરીકે કામગીરી ચાલુ કરેલ હતી. આ દરમ્યાન શિવરાત્રીનો મેળો આવતા ચારમાંથી બે પોલીસ વાળા નું પોલીસ રક્ષણ ખેચી બે પોલીસ વાળા રક્ષણમાં રાખેલ હતા ત્યાર બાદ પરિક્રમા આવતા બે માંથી એકજ પોલીસ રક્ષણ રાખેલ હતું.

તારીખ ૨૧/૨/૨૦૧૫ના દિવસે સુમનભાઈ પોલીસ રક્ષણ સાથે પોરબંદર જઈ રહ્યા હતા ત્યારે તેમની પાછળ બોલેરો ગાડી લઇ પીછો કરી આ લોકોએ હુમલો કરવાનો પ્રયત્ન કરેલ જેની ફરિયાદ બગવદર પોલીસ સ્ટેશને આપેલ હતી અને તારીખ ૧૪/૪/૨૦૧૫ ના રોજ ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી પ્રસંગે રાખેલ કાર્યક્રમ રાખેલ આ સંમેલનમાં આવી સુમનભાઈને પિસ્તોલ બતાવી મારી નાખવાની ધમકી આપવમાં આવેલ હતી જેની ફરિયાદ ૧૬/૪/૨૦૧૫ના રોજ ભીમા દેવશી મોઢવાડિયા, વરશી સાજણ અને બીજા બે કુલ ચાર આરોપીઓ દ્વારા હુમલો કરવાની કોશિશ કરેલ અને ભીમા દેવશી મોઢવાડિયા દ્વારા પિસ્તોલ કાઢી મારી નાખવાની ધમકી આપેલ આ બાબતની ફરિયાદ તારીખ ૧૬/૪/૧૫, બગવદર, પોલીસ સ્ટેશન, ગુના રજીસ્ટર નંબર; II – ૪૨/૧૫ આઈ.પી.સી.ની કલમ ૫૦૪, ૫૦૬ (૨), અત્યાચાર ધારાની ૩(૧)૧૦

મુજબ સુમનભાઈ દ્વારા નોંધાવેલ છે. આ ફરિયાદમાં પોલીસે મુખ્ય આરોપીઓના સાથીદારોને જ સાહેદ બનાવી દીધેલ છે.
તારીખ ૧૦/૭/૨૦૧૫ના રોજ બપોરના બાર વાગે રક્ષણ માટે ફાળવેલ પોલીસ કોન્સ્ટેબલે સુમનભાઈને જણાવેલ કે તમારું પોલીસ રક્ષણ પાછુ ખેચવાનો સ્થાનિક પોલીસ સ્ટેશન બગવદરમાંથી ફોન આવેલ છે આમ કહી જતા રહેલ હતા, સુમનભાઈએ તરતજ પોરબંદર પોલીસ કન્ટ્રોલ રૂમમાં વર્ધી લખાવી કંટ્રોલ માં જાણ કરી સુમનભાઈ ને પોતાના જીવનું જોખમ લગતા ગામ છોડી પોરબંદર ખાતે જઈ કલેકટરને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરેલ હતી.

પોરબંદર કલેકટર દ્વારા ડી.એસ.પી.ને મળી રજૂઆત કરવા જણાવેલ અને તેઓ ડી.એસ.પી. શું કહે છે તે ફોન કરી જણાવવાનું કહેલ હતું. જીલ્લા પોલીસ વડા (ડી.એસ.પી.)ને મળતા બે દિવસમાં તપાસ કરાવી પોલીસ રક્ષણ આપવાની ખાતરી આપેલ જેની જાણ કલેકટરને કરવામાં આવેલ હતી. પાંચ દિવસ થયા છતાં કોઈજ જવાબ કે કાર્યવાહી ડી.એસ.પી. ઓફીસ દ્વારા ના થતા ડી.એસ.પી.ને ફોન કરતા જણાવેલ કે હજુ તમારો રીપોર્ટ ડી.વાય.એસ.પી.દ્વારા આવેલ નથી રીપોર્ટ આવે જરૂરી કાર્યવાહી કરીશ. આ દિવસે કલેકટરને મળી રજૂઆત કરતા તેઓએ બપોરે ચાર વાગીએ ડી.એસ.પી. ને બોલાવી હું સુચના આપું છુ તેમ કહેલ હતું.

ફરી બે દિવસ બાદ ડી.એસ.પી ને ફોન કરી પોલીસ રક્ષણ આપવા બાબતે પૂછાતા તેઓએ જણાવેલ કે ડી.વાય.એસ.પી. હડીયાનો રીપોર્ટ આવી ગયેલ છે જેમાં તમને પોલીસ રક્ષણની જરૂર નથી તેવું જણાવેલ છે અને અમો તમને આખી જિંદગી રક્ષણ ના આપી શકીએ તેમ કહી ફોન કાપી નાખેલ હતો. હાલ વીંઝરાણા ગામના દલિત સરપંચ સુમનભાઈ બેચરભાઈ ચાવડા, વીંઝરાણા ગામેથી હિજરત કરી પોરબંદર ખાતે એરોડ્રામ પાસે આવેલ સીતારામનગરમાં ઝુપડુ બનાવી તેમાં પોતાનો જીવ બચાવવા રહે છે.

હાલ સુમનભાઈ દ્વારા ૪/૯/૨૦૧૨ માં તેમને મારી નાખવાની કોશીશ કરવામાં આવેલ તે ફરિયાદ અને બીજી ફરિયાદની પોરબંદર જીલ્લા સેસન્સ કોર્ટમાં સ્પેશિયલ એટ્રોસિટી કેસ નં. ૬/૧૨ તથા ૩/૧૩ ની સુનાવણી ચાલુ છે.

ભારત સરકારે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) ૧૯૮૯ અને તેના નિયમો ૧૯૯૫ અંતર્ગતની જોગવાઈઓ મુજબ અનુ.જાતિ/જન જાતિ પર અત્યાચારના બનાવો ના બને તે માટે અટકાયતી અને અગમચેતીમાં પગલા ભરવાની તેમજ અત્યાચારની ઘટના બાદ તાત્કાલિક કલેકટરે અને જીલ્લા પોલીસ વડાએ બનવાની જગ્યાની મુલાકાત લેવાની, રાજ્ય સરકારને તાત્કાલિક બનાવ અંગે ઘટના સ્થળની મુલાકાત લઇ અહેવાલ તૈયાર કરી મોકલવાની અને તેના ભોગ બનનાર અને તેના આશ્રીતોને પુરતી સલામતી પૂરી પડવાની જોગવાઈ છે આ કાયદામાં છે.

ગુજરાતમાં ક્યાંય પણ આ જોગવાઈઓનું પાલન કરવામાં આવતું નથી અને ભોગ બનનાર અને તેના આશ્રીતોને કાયદાનો જે મૂળભૂત હેતુ સમાજના દબાયેલા અને કચડાયેલા લોકોને સામાજિક ન્યાય આપવાનો છે તેનું પાલન નહિ કરી આ બનાવામાં ભોગ બનનારને તેમના નસીબ પર છોડી દેવામાં આવેલ છે.

ભારતના બંધારણમાં આર્ટીકલ, ૧૪ મુજબ દરેક નાગરિકને કાયદાનું સરખું રક્ષણ, આર્ટીકલ ૧૫ મુજબ જ્ઞાતિ, જાતિ, ધર્મ, અને જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે અને બંધારણના આર્ટીકલ ૨૧ મુજબ દરેક નાગરીકને ગૌરવ પૂર્ણ રીતે જીવન જીવવાનો અધિકાર આપવામાં આવેલ છે જેમાં નાગરિકના જીવનના જોખમ સામે રાજ્યની તેમને રક્ષણ આપવાની જવાબદારી આવી જાય છે, જે જવાબદારીમાંથી રાજ્ય આ બનાવમાં કાયદાનું સરખું રક્ષણ આપવામાં, તેમજ જીવન સામે જોખમમાં રક્ષણ આપવામાં છટકતું, તેમજ ભેદભાવ યુક્ત વર્તન કરતુ જોવા મળે છે.

આ ઘટના અંગેની જાણ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી, સેક્રેટરી, સામાજિક ન્યાય, ગૃહ સેક્રેટરી, ડી.જી.પી., એસ.સી/એસ.ટી સેલના એડીશનલ ડી.જી.પી. માનવ અધિકાર આયોગ દિલ્હી, કલેકટર, પોરબંદર, જીલ્લા પોલીસ વડા, પોરબંદર અને નાયબ નિયામક સમાજ કલ્યાણ, પોરબંદર તેમજ લગતા વળગતા તમામ અધિકારીઓને લેખિત જાણ કરવામાં આવેલ છે.

ભોડદર ગામના બનાવની વિગત:

આજ રીતે હાલ પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના ભોડદર ગામના મારખીભાઇ અને તેનું કુટુંબ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પોતાનું ચાર મકાનો વાળું પાકું સ્લેબ ભરેલું મકાન અને ખેતીવાડીને રફે દફે કરતા, તેઓ પોતાની માલ મિલકત થી બે દખલ કરવામાં આવતા પોતાના કુટુંબ સાથે રાણાવાવ તાલુકાના રોઘડા ગામે છેલ્લા બે વર્ષથી પોતના હિજરત કરી ગયેલ છે.

ભાડા ગામ, જાફરાબાદ તાલુકાના સામતભાઈ સનાભાઇ મહીડા આજ ગામના દરબારોએ હાથ પગ ભાંગી નાખતા બીકના માર્યા છેલ્લા દોઢ વર્ષથી સામતભાઈ મહીડા, થોરડી ગામ, ગીર ગઢડા તાલુકો, જીલ્લો ગીર સોમનાથ, ખાતે તેમના ભાઈ અરજણભાઈ મહીડા વાંડલા(ગીર) ગામ, તલાલા તાલુકો, ગીર સોમનાથ જીલ્લામાં હિજરત કરી ગયેલ છે.

આંકોલાળી ગામ, ગીર ગઢડા તાલુકો, ૨૦૧૨માં લાલજીભાઈ સરવૈયા નામના દલિત યુવાનને ઘરમાં જીવતો સળગાવતા આ દલિત કુટુંબના ૧૪ સભ્યો હાલ ઉના, ખાતે હિજરત કરી ગયેલ છે.

અમરેલી જીલ્લાના ભાડા ગામના બનાવની વિગત:

ભાડા ગામ, જાફરાબાદ તાલુકાના સામતભાઈ સનાભાઇ મહીડા, ઉમર ૫૧ વર્ષ, આજ ગામના કાઠી દરબારોએ ૨૦૧૩ માં હુમલો કરું હાથ પગ ભાંગી નાખતા, ખાનગી દવાખાનામાં સારવાર માટે દાખલ કરેલ હતા. સારવાર બાદ પણ ૫૦% કરતા વધારે તેઓને હાલ અપંગતા રહી બની ગયેલ છે અને કામ ધંધો કરી શકતા નથી. ગામમાં દરબારોની ધાકને લીધે તેઓ બીકના માર્યા છેલ્લા દોઢ વર્ષથી બે ભાઈઓના કુટુમ સાથે સામતભાઈએ થોરડી ગામ, ગીર ગઢડા તાલુકો, જીલ્લો ગીર સોમનાથ, ખાતે તેમના ભાઈ અરજણભાઈ મહીડાએ વાંડલા(ગીર) ગામ, તલાલા તાલુકો, ગીર સોમનાથ જીલ્લામાં હિજરત કરી ગયેલ છે. સરકારમાં જીલ્લા લેવલે કલેકટર,ડી.એસ.પી. અને જીલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી અને રાજ્ય લેવલે ડી.જી.પી., ગૃહ મંત્રી, સમાજ કલ્યાણ મંત્રી, મુખ્યમંત્રી સુધી રજૂઆતો લેખિતમાં કરી છતાં હજુ આ કુટુંબને હિજરતી જાહેર કરેલ નથી કે કોઈજ સરકારી અધિકારી કે કોઈજ સતા પક્ષમાંથી કે વિરોધ પક્ષમાંથી અમારી હિજરત કર્યા બાદ મુલાકાત માટે આવેલ નથી.

ગીર સોમનાથ જીલ્લાના આંકોલાળી ગામના બનાવની વિગત:

આંકોલાળી ગામ, ગીર ગઢડા તાલુકો, ૧૩/૯/૨૦૧૨માં લાલજીભાઈ સરવૈયા નામના દલિત યુવાનને આજ ગામના કોળી પટેલોએ પોતાની દીકરીને ભગાડવામાં આ દલિત છોકરો લાલજીણો હાથ છે તેવી શંકાના આધારે તેમના ઘરમાં સવારે સાત વાગે સુતો હતો ત્યારે ઘરને તાળું મારી ઘરના પાછળથી નિસરણી મૂકી ચડીને ઘરમાં કેરોસીન છાંટી દલીત યુવાનને લગભગ ૧૫૦ થી વધારે લોકોના ટોળાએ જીવતો સળગાવેલ અને ઘરના બાકીના સભ્યોને સામુહિક હુમલામાં માર મારેલ હતો.

જેની ફરિયાદ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં આઈ પી.સી ની કલમ ૩૦૨ અને અત્યાચાર ધારો ૧૯૮૯ ની કલમ ૩(૨)૫ હેઠળ નોંધાયેલ હતી બાર આરોપીઓ જેલમાં છે. આ બનાવ બાદ તમામ ઘર વખરી મુકીને આ દલિત કુટુંબના ૧૪ સભ્યો હાલ ઉના, છેલ્લા અઢી વર્ષથી ડો. આંબેડકર કોલોની, ઉના ખાતે હિજરતી પરિવાર હિજરત કરી ભાડાના મકાનમાં રહે છે.

અમદાવાદ જીલ્લાના અળાવ ગામની વિગત:

અમદાવાદ જીલ્લાના રાણપુર તાલુકાના અળાવ ગામે રહેતા અનુસુચીતા જાતિના (દલિત)ધનજીભાઈ સોલંકીના કુટુંબનું મકાન ૨૦૧૦ માં કોળી પટેલ અને ભરવાડ દ્વારા સળગાવી નાખતા તેઓ છેલ્લા ચાર વર્ષથી જૂનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકામાં ભયના માર્યા પોતાનું રહેણાક મકાન સળગાવી નાખવાથી હિજરત કરી ગયેલ છે.

અમદાવાદ જીલ્લા વિરમગામ તાલુકાના વંથલ ગામની વિગત:

વિરમગામ તાલુકાના વંથલ ગામે ૨૦૦૯/૧૦ માં મંદિર પ્રતિષ્ટામાં આભડછેટના મુદ્દે દલિતોએ વિરોધ આભડછેટ રાખવાનો વિરોધ કરતા, દલિતોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર થયેલ જેમાં એક મહીંના માટે સરકારે બહિસ્કાર જાહેર કરી કેસ ડોલ્સ આપેલ હતું. હકીકતમાં આ દલિતોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર ૧ વર્ષ સુધી ચાલેલ હતો જેમાં સરકારે દલિતોને મદદ કરેલ નહિ. આ ઘટનાની ફરિયાદ વિરમગામ પોલીસ સ્ટેશનમાં ભારે આના કાની બાદ પોલીસે લીધી હતી. આ બનાવ બાદ ગામમાંથી ૧૬ કુટુંબોએ હિજરત કરેલ છે.

બનાસકાંઠા જીલ્લાના બુકણા ગામની વિગત:

ઓગસ્ટ, ૨૦૦૮ ના વર્ષમાં વાવ તાલુકાના બુકણા ગામામાં રાજપૂતો દ્વારા જમીનના કેસમાં દલિત ભાઈ જીતી જતા દલિતની હત્યા કરેલ હતી જેમાં ૨૧ કુટુંબોએ પોતાનો જીવ બચાવવા માટે બુકણા ગામેથી પાલનપુર કલેકટર કચેરી ખાતે હિજરત કરેલ હતી. એક વર્ષ બાદ ડીસા તાલુકાના ચિત્રોડા ગામેં ૨૧ કુટુંબોનું રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની દરમિયાનગીરીથી ગુજરાત સરકાર દ્વારા પુન: સ્થાપન કરવા હિજરતી જાહેર કરવામાં આવેલ જે પરંતુ આ ૨૧ પીડિત પરિવારોનું હાલમાં પૂરેપૂરું સંપૂર્ણ પુન: સ્થાપન થયેલ નથી.

બનાસકાંઠા જીલ્લાના ધાડા ગામની વિગત:

વર્ષ ૨૦૦૯માં બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ધાડા ગામના દલિત યુવાનનું રાજપૂતો દ્વારા ટ્રેકટર સાથે અથડાવી ખૂન કરી નાખતા આ ધાડા ગામના ૨૭ દલિત પરિવારો ભયના માર્યા દિશા મામલતદાર કચેરી સામે ૩II વર્ષ સુધી તંબુમાં પોતાના ઘર-ખેતી, માલ-ઢોર છોડીને હિજરત કરેલ છે છતાં હજું સુધીમાં તેનું પૂરેપૂરું પુન: સ્થાપન રાજ્ય સરકારે કરેલ નથી.

ખેડા જીલ્લાના માલાવાડા ગામની વિગત:

નવેમ્બર-૨૦૧૪માં ખેડા જીલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામના દલિતોએ કલેકટરને પીવાના પાણીની મુશ્કેલી બાબતે જીલ્લામાં રજુઆત કરતા, ‘’અમારા વિરુદ્ધ કેમ રાજુઆત કરી’’ કહી દલિત વાસ પર સામુહિક હુમલો ઠાકોરોએ કરેલ, કુવામાં ક્રુડ નાખી પાણીનો બગાડ કરેલ, વાસના ઘરો અને વાહનોમાં તોડફોડ કરેલ, જે બાબતની દલિતોએ ફરિયાદ લીંબાસી પોલીસ સ્ટેશનમાં ૧૮ લોકો વિરુદ્ધ કરવામાં આવતા ઠાકોરોએ સામુહિક બહિસ્કાર કરેલ ખેતરે રોજગારી માટે ના બોલાવવા, દૂધ-છાછ બંધ કરવા, અને દલિતોને મુસાફરી માટેના વાહનોમાં બેસાડવાનું બંધ કરેલ કરવામાં આવેલ છે.

સાબરકાંઠા જીલ્લાના તાજપુરી ગામની વિગત:

મેં ૨૦૧૫ માં હિમતનગર જીલ્લાના તાજપુરી ગામે રાજપૂતો દ્વારા દલિતોએ ગામમાં વરરાજાનું ફૂલેકું કેમ કાઢ્યું તે બાબતે જાન પરણીને આવી ત્યારે ગામાની ભાગોળે જાનને રોકી જાનૈયાઓ પર ખૂની હુમલો દલિત મહિલાઓ, ભાઈઓ અને બાળકો પર રાજપૂતો દ્વારા કરવામાં આવેલ હતો. આ બાબતે ઘવાયેલ દલિતોને હિમતનગરની હોસ્પીટલમાં દાખલ કરેલ અને ફરિયાદ કરવામાં આવતા રજપૂતોએ દલીતોનો હાલ સામુહિક સામાજિક બહિસ્કાર રાજપૂતો દ્વારા કરવામાં આવેલ છે. જે હાલ ચાલુ છે પોલીસ રક્ષણ પરત ખેચી લીધેલ છે.

પાટણ જીલ્લાના મીઠીવાવડીના દલિતોની હિજરત:

પાટણ જીલ્લાના મીઠીવાવડી ગામે દલિત કુટુંબો સાથે પટેલોને ચુંટણીમાં મનદુઃખને લઈને, રસ્તે ચાલવાનું બહાને ઝઘડો થયેલ જેમાં અને પટેલો દ્વારા દલિતોને વર્ષ ૨૦૦૯/૧૦ માં માર મારવામાં આવેલ હતો આ બનાવામાં દલિતોને આ પટેલો વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ અત્યાચાર ધારા ૧૯૮૯ મુજબ દાખલ કરતા પટેલો દ્વારા દલિતોનો સામાજિક અને આર્થિક બહિસ્કાર કરવામાં આવેલ હતો.

જેથી દલિતો એ પોતાના જીવન નિર્વાહ માટે આજીવિકા માટે તેમજ આ ગામના પટેલોના ડરથી દલિતોના બે કુટુંબોએ પાટણ ખાતે હિજરત ૨૦૧૦ મા કરેલ હતી. આ બાબતની રજૂઆત સરકારી તંત્ર સમક્ષ કરવામાં આવતા કોઈજ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. વર્ષ ૨૦૧૨ના મેં મહિનાં માં ચેરમેન, બાલાક્રીશનનના અધ્યક્ષ પદે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હી દ્વારા ગુજરાતમાં અમદાવાદ ખાતે દલિતો પર થતા અત્યાચાર બાબતે જાહેર લોક સુનાવણી રાકવામાં આવેલ હતી જેમાં દલિતોએ પોતના પ્રશ્નો ની રજુઆતો મંચ પરથી અને રૂબરૂ ચેરમેનને મળીને કરી હતી.

બપોર બાદ દલિત કર્મશીલો સાથે અમદાવાદમાં એનેકક્ષી, શાહીબાગ કાટે મીટીંગ રાખેલ હતી જેમાં ગુજરાતના ૭૭ ગામોમાં દલિતો સાથે ચાલતા સામાજિક બહિસ્કાર અને હિજરતના બનાવો બાબતે રજૂઆત કરવામાં આવતા માનવ અધિકાર આયોગ દ્વારા તપાસના આદેશો આપવામાં આવેલ, અધિકારીઓની તપાસ બાદ સરકારે મીઠી વાવડીના દલિતોને હિજરતી જાહેર કરેલ હતા. પણ આજ સુધી હજુ તેઓનું સરકારે અનુ જાતિ/જન જાતિ (અત્યાચાર અટકાવ અધિનિયમ) ૧૮૮૯ અને તેમના નિયમો ૧૯૯૫ ના નિયમ ૧૫ મુજબ ખાસ આકસ્મિક યોજનામાં મીઠી વાવડીના હિજરતી જાહેર કરેલ કુટુંબોનું પુન: સ્થાપન કરવા અંગેની કોઈજ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને આ દલિતોને હિજરતી જાહેર કરવાનો કાગળનો હુકમ દલિતો માટે ફારસ રૂપી બની ગયો છે.

પાટણ જીલ્લાના બાવરડા ગામની વિગત:

વર્ષ ૨૦૦૮-૯-૧૦ ના વર્ષમાં પાટણ જીલ્લાના બાવરડા ગામે દલિતો પર સામુહિક હુમલાઓ માથાભારે બિન દલિતો દ્વારા દલિતોની જમીન છોડાવવા માટે અવારનવાર કરેલ હતા જેની ફરિયાદો પણ કરવામાં આવેલ હતી. દલિતોને અપાતી મારી નાખવાની અને ગામ છોડી દેવાની ધમકીઓને લઈને દલિતો ખુબજ બીકમાં આ બાવરડા ગામમાં રહેતા હતા. હાલ આ કીમતી દલીતોની જમીનો માથાભારે બિન દલિતો લોકો દ્વારા પડાવી લેવામાં આવી છે હાલ દલિતો કચ્છના ગાંધીધામ ખાતે બીકના માર્યા પોતનો અને પરિવારના સભ્યોના જીવ બચાવવા માટે પોતના ઘરો, જમીન અને ઘર વખરી છોડીને હિજરત કરી ગયેલ છે.

જેની ફરિયાદ સ્થાનિક પોલીસમાં અને જીલ્લાની કચેરીઓમાં કરવામાં આવેલ હતી પણ મદદ ના મળતા પીડિત પરિવારો પોતાના ઘરો અને જમીનો છોડીને હિજરત કરેલ હતી. આ બાબતની ફરિયાદ પીડિત દલિતો દ્વારા વર્ષ ૨૦૧૨ માં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના ચેરમેન કે.જી. બાલા ક્રીશનનના અધ્યક્ષ સ્થાને ગુજરાતમાં અમદાવાદ ખાતે મળેલ જાહેર લોક સુનાવણીમાં કરવામાં આવતા આયોગના ચેરમેન કે.જી. બાલા ક્રીશનનના દ્વારા તપાસના આદેશ કરવામાં આવેલ હતા. આ બનવાની હકીકતની તપાસ બાદ સરકારે પાટણ જીલ્લાના દલિતોને ૨૦૧૨/૧૩ માં હિજરતી જાહેર કરેલ હતા. આ સરકારનો હુકમ ફક્ત કાગળ પરજ રહી ગયો છે અને હાલ હજુ પણ આ ૧૨ દલિત પરિવારોનું પુન: સ્થાપન સરકારે કરેલ નથી.

અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના કુંડળ ગામની વિગત:

અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના કુંડળ ગામે ગત તારીખ ૨૫/૫/૨૦૦૯ ના રોજ ગામના શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ટા કરવાના પ્રસંગે દલિતો સાથે આભડછેટ અને ભેદભાવ રાખતા સાણંદ પોલીસ સ્ટેશનમાં ૧૭ દરબારો વિરુદ્ધમાં ફરિયાદ સુરેશભાઈ જાદવ દ્વારા દાખલ કરવામાં આવેલ હતી. બનાવ બાદ દલિતોએ સાણંદ પોલીસ બનવાની ફરિયાદ લખાવવા ગયેલ હતા પણ પી.આઈ દ્વાર ફરિયાદ સૌ પ્રથમ લખવાની ના પાડેલ હતી જેથી આ બનાવ અંગે જીલ્લા પોલીસ વડા શશીકાંત ત્રિવેદીને રજૂઆત કરવામાં આવતા, બે દિવસ બાદ સાણંદ પોલીસે ફરિયાદ લીધેલ હતી આ બનાવને અનુસંધાને સુરેશભાઈ જાદવને પોતના પર હુમલો થવાની શક્યતા ને ધમકીઓ મળતા ગામ પર રહેવું ખુબજ જોખમકારક લાગતા હાલ સાણંદ ખાતે હિજરત કરેલ છે.

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢના બનવાની વિગત:

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ગામે તારીખ ૨૨/૯/૨૦૧૨ ના રોજ એક અને ૨૩/૯/૨૦૧૨ ના રોજ બે એમ ત્રણ દલિતો યુવાનોનીની પોલીસ ફાયરીંગમાં હત્યા કરવામાં આવી જેમાં પોલીસ દ્વારા કોઈપણ જાતની સુચના વગર સીધીજ ગોળીઓ દલિત યુવાનોના છાતી અને પેટ માં મારી નાખવાના ઈરાદે મારવામાં આવી. આ બનાવોની જેમાં થાનગઢ પોલીસ સ્ટેશનમાં પંકજ અમરશીભાઈ ની ફરિયાદ ગુના રજી. નં. I – ૭૧/૧૨ થયેલ છે.

આ બાબતે પ્રથમ ઘટનામાં ૨૨/૯/૨૦૧૨ માં પોલીસ દ્વારા ગોળીબાર કરી દલિત યુવાન પંકજ અમરશીભાઈને મારી નાખવાની ઘટનામાં કોર્ટમાં ચાર્જ શીટ થયેલ છે. બીજા બે દલિત યુવાનને પોલીસ ફાયરીંગમાં ૨૩/૯/૨૦૧૨ માં મારી નાખવાની ઘટના અંગેની ફરિયાદ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં. I – ૭૨ અને I – ૭૩ થી ૩૦૨ અને અત્યાચાર ધારો ૧૮૮૯ ની કલમ ૩(૨) ૫ મુજબ નોંધાયેલ છે તે કેસની તપાસમાં હાલના તપાસ અધિકારી દ્વારા જાણી બુજીને પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવી છેલ્લા ત્રણ વર્ષથી કોઈજ આરોપીઓને પકડતા નથી, ઘટના પર તપાસ માટે ફક્ત ત્રણ કે ચાર્ વાર ગયેલ છે અને હાલ તપાસ માટે જતા નથી, આ ઘટનાને નજરે જોનાર સાક્ષીઓના અને ચનાભાઈ માવજીભાઈ વાણીયા કે જે મરણ જનાર મેહુલ વાલજીભાઈને બચાવવા જતા તેને પેટમાં પોલીસે મારી નાખવાના ઈરાદે ગોળી મારી હતી, તેઓના નિવેદનો પોલીસ લેતી નથી, આરોપી પોલીસોને બચાવવા તપાસમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.

ભારત સરકારે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) ૧૯૮૯ અને તેના નિયમો ૧૯૯૫ અંતર્ગતની જોગવાઈઓ મુજબ અનુ.જાતિ/જન જાતિ પર અત્યાચારના બનાવો ના બને તે માટે અટકાયતી અને અગમચેતીમાં પગલા ભરવાની તેમજ અત્યાચારની ઘટના બાદ તાત્કાલિક કલેકટરે અને જીલ્લા પોલીસ વડાએ બનવાની જગ્યાની મુલાકાત લેવાની, રાજ્ય સરકારને તાત્કાલિક બનાવ અંગે ઘટના સ્થળની મુલાકાત લઇ અહેવાલ તૈયાર કરી મોકલવાની અને તેના ભોગ બનનાર અને તેના આશ્રીતોને પુરતી સલામતી પૂરી પડવાની જોગવાઈ છે આ કાયદામાં છે.

ગુજરાતમાં ક્યાંય પણ આ જોગવાઈઓનું પાલન કરવામાં આવતું નથી અને ભોગ બનનાર અને તેના આશ્રીતોને કાયદાનો જે મૂળભૂત હેતુ સમાજના દબાયેલા અને કચડાયેલા લોકોને સામાજિક ન્યાય આપવાનો છે તેનું પાલન નહિ કરી આ બનાવોમાં ભોગ બનનારને તેમના નસીબ પર છોડી દેવામાં આવેલ છે.

ભારતના બંધારણમાં આર્ટીકલ, ૧૪ મુજબ દરેક નાગરિકને કાયદાનું સરખું રક્ષણ, આર્ટીકલ ૧૫ મુજબ જ્ઞાતિ, જાતિ, ધર્મ, અને જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે અને બંધારણના આર્ટીકલ ૨૧ મુજબ દરેક નાગરીકને ગૌરવ પૂર્ણ રીતે જીવન જીવવાનો અધિકાર આપવામાં આવેલ છે જેમાં નાગરિકના જીવનના જોખમ સામે રાજ્યની તેમને રક્ષણ આપવાની જવાબદારી આવી જાય છે, જે જવાબદારીમાંથી રાજ્ય આ બનાવોમાં કાયદાનું સરખું રક્ષણ આપવામાં, તેમજ જીવન સામે જોખમમાં રક્ષણ આપવામાં છટકતું, તેમજ ભેદભાવ યુક્ત વર્તન કરતુ જોવા મળે છે.

મેં ૨૦૧૨ ના દિવસે ચેરમેન, બાલાક્રીશનનના અધ્યક્ષ પદે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હી દ્વારા દલિતો પર થતા અત્યાચાર બાબતે લોક સુનાવણી અને દલિત કર્મશીલો સાથે અમદાવાદમાં મીટીંગ રાખેલ હતી જેમાં ગુજરાતના ૭૭ ગામોમાં દલિતો સાથે ચાલતા સામાજિક બહિસ્કાર અને હિજરતના બનાવો બાબતે રજૂઆત કરવામાં આવતા માનવ અધિકાર આયોગ દ્વારા તપાસના આદેશો આપવામાં આવેલ, તપાસ બાદ સરકારે બાવરડા, મીઠી વાવડી, ગામોમાં કાગળ પર ૨૦૧૪માં ત્રણ ગામોને હિજરતી જાહેર કરેલ હતી.

 ***

આ તમામ ઘટનાઓની જાણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી, ગૃહ મંત્રી, સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી, સેક્રેટરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સેક્રેટરી ગૃહ વિભાગ, ડી.જી.પી., એસ.સી/એસ.ટી સેલના એડીશનલ ડી.જી.પી., જીલ્લા કલેકટરશ્રીઓ, જીલ્લા પોલીસ વડાશ્રીઓ, નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ, નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ અધિકારીશ્રીઓ, તેમજ લગતા વળગતા તમામ અધિકારીઓને લેખિત જાણ કરવામાં આવેલ છે.

માનવ અધિકાર આયોગ સમક્ષ મુખ્ય માંગણીઓ:

૧. ઉપરોક્ત તમામ માનવ અધિકાર ભંગના બનાવોની જાત તપાસ માટે માનવ અધિકાર સુરક્ષા અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૧(૧) બી જોગવાઈ મુજબ માનવ અધિકાર આયોગ એક ખાસ તપાસ ટુકડી બનાવી તપાસ માટે ગુજરાત રાજ્યમાં મોકલે અને જાત તપાસ કરીને રાજ્ય સરકારને અનુસુચિત જાતિઓના માનવ અધિકાર ભંગના બનાવોમાં ખાસ પગલા લેવા ખાસ દિશા નિર્દેશ કરે.
૨. ઉપર મુજબના ભોગ બનનાર પીડિત અને તેમના આશ્રિતો(પરિવારો)ને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે.
૩. ઉપર મુજબના ભોગ બનનાર પીડિત અને તેમના આશ્રિતો(પરિવારો)નું અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ અને તેના ૧૯૯૫ના નિયમોના નિયમ ૧૫ મુજબ જ્યાં હિજરત કરેલ છે ત્યાં હિજરતી જાહેર કરી અને સામાજિક બહિષ્કાર થયેલ છે ત્યાં સામાજિક બહિષ્કાર જાહેર કરી ખાસ આકસ્મિક યોજનામાં તાત્કાલિક પુન: સ્થાપન સરકાર દ્વારા કરવામાં આવે. જેમાં કામ ચાલુ શેડ,રહેઠાણ માટે મકાન માટે જમીન, મકાન બનાવવાનો ખર્ચ, , ખેતીની જમીન, ખરીદેલ અથવા સરકારે ફાળવેલ જમીનમાં સમથળ કરવા, હિજરતના સ્થળે પાકા રસ્તાને જોડતો પાકો રસ્તો બનાવવો, સ્મશાન માટે જમીન, પીવાના પાણીની વ્યવસ્થા માટે હેન્ડ પમ્પ, બોર, પાઈપલાઈન, ગટર લાઈન, અને રહેઠાણની જગ્યાએ વીજળીકરણ માટેની સુવિધા વિગેરે બાબતોનો સમાવેશ થાય છે.
૪. અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ અને તેના નિયમો ૧૯૯૫ના નિયમ ૧૨(૪) મુજબ ભોગ બનનાર પડિત અને તેમના આશ્રિતો(પરિવારો)ને ખાસ વળતર ચુકવવામાં આવે.
૫. ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૩/૧૦/૯૧ ના ઠરાવ ક્રમાંક એએસટી-૧૦૯૧/૪૬૫૪/સી, થી અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ હેઠળની ફરિયાદોની નબળી કક્ષાની અન્વેષણની કામગીરી સુધારવા તથા આવા ગુન્હાઓ પોલીસ સુપરીન્ટેન્ડન્ટની કક્ષાના અધિકારીઓ દ્વારા આ કાયદાની જોગવાઈ મુજબ યોગ્ય રીતે લાગુ પાડવામાં આવે અને યોગ્ય રીતે અન્વેષણ થાય તે માટેના ઠરાવનું આ તમામ બનાવોમાં અમલીકરણ કરવામાં આવે.
૬.ઉપર મુજબના તમામ બનાવોમાં અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ નીચે નોંધાયેલા ગુન્હાઓમાં જાણી જોઇને તપાસમાં પોતાની ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારી સામે આ કાયદાની કલમ – ૪ અને આઈ. પી.સી. ૨૧૭,૨૧૮ મુજબ સરકારશ્રી દ્વારા તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે.
૭. ઉપરોક્ત તમામ બનાવોમાં અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ અને તેના નિયમોના નિયમ ૪(૪) (૫)મુજબ ભોગ બનનાર લોકોને તેમના કેસો કોર્ટમાં લડવા માટે ખાસ કાર્યદક્ષ સરકારી વકીલની નિમણુક કરવામાં આવે.
૮. ઉપર મુજબના અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ નીચે નોંધાયેલા ગુન્હાઓમાં અનુસુચિત જાતિઓના પીડિતોને ન્યાય મળે તે માટે ખાસ અદાલતોમાં ઝડપી કેસો ચલાવી ન્યાય આપવામાં આવે.
૯. રાજ્ય સરકારે અમો પીડિત અને અમારા કેસના સાક્ષીઓને સી.આર.પી.સી.૧૯૭૩અને બંધારણના આર્ટીકલ ૨૨ મુજબ અમારા કેસોની સુનાવણી પોરબંદર ખાતે જીલ્લા અદાલતમાં ચાલુ હોઈ તાત્કાલિક પોલીસ રક્ષણ ફાળવવાનો પ્રબંધ કાયદા મુજબ કરવો.
આપ દ્વારા અમો અનુસુચિત જાતિના માનવ અધિકાર ભંગના બનાવામાં ન્યાય મળે તે માટે ન્યાયના વિશાળ હિતમાં જરૂરી કાનૂની કાર્યવાહી કરવા વિનંતી છે.

ક્ષેત્રિય સંચાલક
કાંતિલાલ યુ. પરમાર,
નવસર્જન ટ્રસ્ટ, અમદાવાદ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s