દલિત કવિઓની કવિતાઓ ગુજરાતની શાળાઓમાં ભણાવવાનું ચાલુ કરી શકાય, પરંતુ એવું થશે નહિ

રાજેશ સોલંકી*/

કવિ સુંદરમે 1933માં લખેલા કાવ્ય “વાઘરીવાડની રૂડકી…”** સામે તાજેતરમાં થયેલો વિરોધ મીડીયામાં ચગ્યો. તા 14 જુલાઈ, 2015ના સંદેશમાં આ અંગે પ્રગટ થયેલો રીપોર્ટ નીચે પ્રમાણે છે:

“અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્કૂલોમાં રંગરંગ વાદળીયા નામની પુસ્તિકાના વિતરણથી વિવાદ થયો છે. રંગરંગ વાદળીયા નામની પુસ્તિકામાં ‘રૂડકી ભૂંડી’અને ‘ભૂખી’ નામની કવિતાઓમાં દલિત અને દેવીપુજક સમાજ સામે અપમાનજનક શબ્દોની ભરમાર છે જેની સામે દલિત સમાજના આગેવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવતાં વિવાદ થયો છે.

“આખરે અમદાવાદ મ્યુનિ. કમિશનર ડી. થારા સમક્ષ દલિત આગેવાનોની ઉગ્ર રજૂઆતને પગલે ત્રણ સ્કૂલોમાંથી વિવાદાસ્પદ પુસ્તિકા પરત મગાવી લેવાઇ છે જ્યારે અન્ય સ્કૂલોમાં વિતરણ બંધ રખાયું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના કોર્પોરેટરોના બજેટમાંથી આ વિવાદાસ્પદ પુસ્તિકા ખરીદી કરવામાં આવી હતી જે સ્કૂલોમાં વિતરણ કરાઇ હતી.

“અમદાવાદ મ્યુનિ.ના શાસકોએ તાજેતરમાં ઓઢવ વોર્ડની ત્રણ સ્કૂલોમાં રંગરંગ વાદળીયા નામની ૧૫ પુસ્તિકાનું વિતરણ કર્યું હતું. આ પુસ્તિકામાં દલિત અને દેવીપુજક સમાજના જાતિ વિષયક અપમાનજનક શબ્દોની ભરમાર છે. આજે કોંગ્રેસના કોર્પોરેટર મંગલ સુરજકર, દલિત આગેવાન કમુબહેન વણકર અને દેવીપુજક સમાજના મહિલા આગેવાન કલ્પનાબહેન પટણીએ કમિશનર ડી. થારાને મળીને ઉગ્ર રજૂઆત કરી હતી.

“શાસનાધિકારીએ જણાવ્યું હતું કે, ‘રંગરંગ વાદળીયા પુસ્તિકાની કવિતાઓ સુન્દરમે લખી હતી તે પહેલી વખત ૧૯૩૮માં પ્રસિદ્ધ થઈ હતી. કોર્પોરેટરોના બજેટમાંથી ત્રણ સ્કૂલોમાં પુસ્તિકાનું વિતરણ કરાયું હતું. કોઇપણ સમાજની લાગણી દુભાઇ હોય તેથી આ પુસ્તિકા પરત ખેંચી લીધી છે. સુન્દરમની રંગરંગ વાદળીયા પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ વર્ષ ૧૯૩૯માં, બીજી આવૃત્તિ ૧૯૫૬માં પ્રસિદ્ધ થઈ હતી. મૂળ પુસ્તિકામાંથી ૨૦૦૯ અને ર૦૧૪માં પુનઃ આવૃત્તિ પ્રસિદ્ધ કરાઈ. આ પુસ્તિકાની ૪૭ નંબરની કવિતા ‘રૂડકી ભૂંડી’ અને ‘ભુખી’માં દલિતો-દેવીપુજકો વિશે જાતિ વિશે અપમાનજનક શબ્દો વપરાયા છે.”
તો, દિવ્ય ભાસ્કરે તા. 16 જુલાઈ, 2015એ લખ્યું કે,

“જ્યારે પચાસ કરતાં પણ વધુ વર્ષ જૂનું જવાહરલાલ નહેરુ અને બાબા સાહેબ આંબેડકરના શંકરના કાર્ટૂનનો વિવાદ થયો ત્યારે તત્કાલીન સરકારે આ કાર્ટૂન ટેક્સ્ટબુકમાંથી રદ કરાવી દીધેલું. આવો જ કિસ્સો કોર્પોરેશનમાં બન્યો. સુન્દરમની બાલકવિતા ‘રંગરંગ વાદળિયા’માં પ્રકાશિત થયેલી કવિતાઓનો 75 વર્ષે વિવાદ સર્જાયો છે. આઝાદી પૂર્વે રચાયેલી કવિતાઓમાં દલિત અને પછાત વર્ગની જાતિ માટે પછીથી જેને અપમાનજનક શબ્દો ગણાવાયા છે તે મામલે એક નાના ખૂણે વિરોધ થયો ને સ્કૂલબોર્ડે સ્કૂલોમાં અપાયેલી પુસ્તિકાઓ પાછી ખેંચી લીધી છે. તો બીજી તરફ, ખાનગી પ્રકાશકે પ્રકાશિત કરેલી એક હજાર પુસ્તિકાઓનું વેચાણ પણ સ્થગિત કરી દીધું છે.

“ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર સુંદરમે 1939માં રચેલા કેટલાક બાળકાવ્યો સ્કૂલ બોર્ડે બાળકોના ઈતર વાંચન માટે સમાવી. કુલ પાંચ ભાગમાં બાલકવિતાઓ પ્રકાશિત કરવામાં આવે છે. ભાગ-1 માં પ્રકાશિત થયેલી બાલકવિતાના પાના નંબર 48 ઉપર પ્રકાશિત થયેલી ‘રૂડકી’ શીર્ષક હેઠળ જે કાવ્યસંગ્રહ છે તેની ‘ભૂંડી’ અને ‘ભૂખી’ શીર્ષક હેઠળ જે કાવ્યરચના સમાવાયી છે તેમાં પછાત વર્ગ અને દલિત જ્ઞાતિ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો. તે જ રીતે, આ કાવ્ય સાથે જે ચિત્ર પ્રસિદ્ધ થયું છે તેને પણ અશ્લીલ ગણાવાયું છે. આ વિવાદને પગલે વિપક્ષી કાઉન્સિલર મંગળ સૂરજકરે મ્યુનિ.કમિશનરને આ અંગે આવેદનપત્ર આપી પુસ્તિકાઓ પરત ખેંચવાની માગ કરી છે.

“અહીં પ્રસિદ્ધ થયેલી કૃતિમાં કેટલાક શબ્દો વાંધાજનક હોવા બાબતે ‘દિવ્ય ભાસ્કર’ સજાગ છે, પરંતુ આ કૃતિ અંગે સર્જાયેલો વિવાદ શું છે અને કયા શબ્દોના કારણે છે તેની હકીકત પ્રસ્તુત કરવા માટે જ તેને પ્રસિદ્ધ કરાઈ છે.”

મીડીયા માટે આશ્ચર્યની બાબત એ હતી કે 75 વર્ષ પછી મૂર્ધન્ય કવિની આ મહાન કવિતા સામે વિરોધ કેમ ઉઠ્યો? મીડીયાએ ઉઠાવેલા આ સવાલ કરતા પણ મહત્વનો સવાલ એ છે કે, વિરોધ કરનારા કોંગ્રેસના કોર્પોરેટરો એમનો પક્ષ સત્તા પર હતો ત્યારે ક્યાં સૂતા હતા? સુંદરમ ગાંધીવાદી હતા અને ગાંધીવાદી કવિઓએ આવું તો ઘણું લખ્યું છે.

સુંદરમની રૂડકી આજે પણ સામાજીક સમરસતાની વાતો કરતા સંઘીઓ, બજરંગીઓ માટે લપડાક સમાન છે. પણ, મુદ્દો એ છે કે કહેવાતો વાઘરી સમાજ હવે ‘દેવીપૂજક’ના નામે પોતાને ઓળખાવે છે અને આવી કવિતાઓ એની લાગણી દૂભવે છે. સાર્થ ગુજરાતી જોડણીકોશમાં વાઘરી એટલે મેલો, ગંદો, અસભ્ય કે નીચ માણસ એના અર્થો અમથાં લખાયા ન હતા.

અને આ સાર્થ કોશની હોળી કરવાના સૂત્રો અમદાવાદની દિવાલો પર નાગોરીવાડના દેવીપૂજક પેન્ટરોએ એક પણ પૈસો લીધા વિના ચીતરી માર્યા હતા. અને એટલે જ જાતિ નિર્મૂલન સમિતિએ જ્યારે બામણવાદની બારાખડી શેરીનાટક ભજવ્યું ત્યારે તેમાં છનાભાઈ દાતણીયાનું પાત્ર કહે છે કે, બામણ, વાણીયા માંહ્યમાંહ્ય લડતા હોય તો એવું ચમ કેસે કે આ વાઘરી જેવો બઉ લડ લડ કરી રીયો.

હકીકતમાં, ગુજરાતના સવર્ણોની માનસિકતા હજુ બદલાઈ નથી. હિન્દુત્વના વાઘા પહેરીને બેઠેલા ડોળઘાલુ ગુજરાતીનો આત્મા જાતિવાદના કીડાનું બીજું રૂપ જ છે. રૂડકીએ સર્જેલા વિવાદથી ખિન્ન સાક્ષરો થોડી આંતરખોજ કરે. સામાજિક વિષમતાની કવિતાઓ અભ્યાસક્રમમાં દાખલ જ કરવી હોય તો દલિત કવિઓની રચનાઓ છે. આંબેડકરની સવાસો વર્ષની ઉજવણીમાં સવાસો કરોડની પત્તર ઠોકવા બેઠેલી ગુજરાત સરકાર દલિત કવિઓની કવિતાઓ ગુજરાતની શાળાઓમાં ભણાવવાનું ચાલુ કરી શકે છે. પણ એવું કરશે નહીં. દલિત કવિઓ ને દલિત સમાજના બરડે થૂંક લગાડીને, ફુંકો મારીને ટાઢાશ આપવાની નીતિ ક્યાં સુધી ચાલુ રહેશે?


*દલિત હક્ક રક્ષક મંચ. સૌજન્ય: http://rajusolankidalitworld.blogspot.in/

**વાઘરીવાડની રૂડકી,
એના લટિયે લટિયે લીખ.
અંગે અંગે ઓઘરાળા,
એના લૂગડાં પીંખાપીંખ
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
એક કાંખે એક છોકરું,
બીજું હાથે ટીંગાતું જાય,
માથે મેલ્યા ટોપલા,
ઉપર માંખો બણબણ થાય.
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
રૂડકીને ઘેર બોરની વાડી,
વાઘરી જવાન જોધ.
વાઘરી લાવ્યો વહુ બીજી
ને રૂડકી રૂવે ધોધ.
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
રૂડકી લેતી ટોપલો માથે,
નાનકાં લેતી બાળ,
હાથે પગે એ હાલી નીકળે,
રામ માથે રખવાળ.
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
રૂડકી વેચે કાંસકી સોયા,
દામમાં રોટલા છાશ.
છાશનું દોણું કાંસકી સોયા,
એ જ એનો ઘરવાસ,
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
કોઇનો ઓટલો ચોતરો ચૌટું
રાત પડે એના વાસ,
દિન આખો તે શેરીએ શેરીએ
ભમતી રોટલા આશ,
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
નાગરવાડે નાત મળીને,
ગૌરી ગીતો ગાય.
ધીંગડ વાગે ઠોલ પીપુડી,
ગામ આખું લહેરાય,
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
ધાવણી છોડીને તાવ ચડ્યોને
નાનકી ભૂખી થાય,
છોકરા લઇને રૂડકી બંને,
નાગરવાડે જાય,
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
શેરીમાં બેસી નાત જમે ને
ચૂરમા લાડુ પીરસાય,
શેરી નાકે ભંગિયા, ઢેડાં,
વાઘરાં ભેગા થાય.
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
રૂડકી ઉભૂ એક ખૂણામાં
છોકરાં બઝાડી હાથ,
વાઘરાં કેરા થાય કોલાહલ,
ખોલકાં ભૂંકે સાથ,
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
નાત જમી ત્યાં ઉઠે આખી,
પાન સોપારી વહેંચાય,
વાઘરાં તૂટ્યાં પતરાળાં પર
એઠું ઉપાડી ખાય,
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
રૂડકી દોડે વાઘરાં ભેળી,
લૂંટાલૂંટ થાય,
અર્ધી ખાધેલ પતરાળી
એક હાથ લાવી હરખાય,
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
ચોર્યું, ફેંદ્યું ચુરમુ શાક,
ને ધૂળ ભરેલી દાળ,
રૂડકી કોળિયો છોકરાંને દે,
ઉપરથી દેગાળ,
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
નાતના વાળંદ લાકડી લઇને
મારવા સૌને ધાય,
એ ધમાલમાં રૂડકીના થાળ
કૂતરાં તાણી જાય
ભૂંડી ભટ્ઠ રૂડકી રે….
પાન બીડાં લઈ નાત ઉઠે,
ને રૂડકી ખંખેરે હાથ
દુનિયા કેરી દોરંગી લીલા
દેખે દીનનો નાથ,
ભૂંડી ભટ્ઠ રૂડકી રે…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s