મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મિતાબેન કરશનભાઈ ચૌહાણ, પરકોટા, વિરમગામ, જીલ્લો અમદાવાદનો માનવ અધિકાર ભંગના બનાવમાં કાર્યવાહી કરવા બાબત પત્ર:
અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલ પરકોટા વિસ્તારમાં છેલ્લા ૩૫ વર્ષથી અમારા(અનુસુચિત જાતી) પરિવારના નાના મોટા થઈને ૧૪ સભ્યો વસવાટ કરીએ છીએ. આ વિસ્તારમાં મુખ્યત્વે પટેલ અને અન્ય સમાજની વસ્તી છે.
અમારા પરિવારના મકાનની અડીને પટેલ સમાજની વાડી આવેલી છે, આ વાડીમાં લગ્ન મોડીરાત સુધી મોટે અવાજથી ડી.જે વગાડવા તેમજ દલિત પરિવારના જાહેર રસ્તામાં ગંદકી કરવી જેવા મુદ્દાને લઈને દલિત પરિવાર ઉપર વર્ષોથી અત્યાચાર ગુજારવામાં આવે છે. અમારા ઘરની પાછળ પટેલ સમાજની વાડીની ખુલ્લી જમીન આવેલી છે. જેમાં અમારા ઘરને નુકશાન થાય તે માટે મોટા મોટા વૃક્ષ ઉગાડેલ છે. અમો અનુસુચિત જાતિના પરિવારના હોવાથી અમોને ઘર છોડવા મજબુર કરવામાં આવી રહ્યા છે.
ગઈ તારીખ ૧૯/૦૭/૨૦૧૫ ના રોજ અમો બપોરે ૧ વાગ્યાના સુમારે અમારા ઘરની બાજુમાં પટેલ સમાજની વાડીમાં જમણવાર હોવાથી આવેલ લોકોએ રસ્તામાં અડચણ રૂપ થાય તે રીતે વાહનો મુકેલ હોઈ અમોને આવવા જવામાં તકલીફ પડતી હોઈ આ વાહનોને હટાવવાનું કહેતા રાજુ પેઈન્ટર એકદમ ઉશ્કેરી જઈને કહેવા લાગેલ કે વાડીમાં નાતનું જમણવાર રાખેલ છે. જેથી જમવા આવેલ માણસોએ આ બાઈક મુકેલ છે.
તેમ કહી ભૂંડી ગાળો બોલવા લાગેલ. જેથી મારા ભાણીયા મહેશભાઈ તથા ફેનિલભાઈ તથા ભત્રીજો ધીરજભાઈ તેમજ મારી મમ્મી ચંપાબેન વચ્ચે પડતા તેઓને ગડદા પાટુનો માર મારવા લાગેલ અને તેનું ઉપરાણું લઈને સુરેશભાઈ પટેલ (વિરમગામ મ્યુ. કાઉન્સીલર) તથા બીજા બે માણસો મળીને અમોને ગડદા પાટુનો માર મારી કહેવા લાગેલ કે મહોલ્લામાં તમે એકલા ઢેડા છો અને અમોને હેરાન કરો છો.
તેવું કહેતા પ્રકાશભાઈ ડોક્ટર એકદમ ઉશ્કેરાઈ જઈને મેં પહરેલ ડ્રેસને છાતીના ભાગ સુધી ફાડી નાખેલ અને કહેવા લાગેલા કે સાલા ઢેડાઓ તમને અહિયા રહેવા દેવાના નથી જેવી ધમકીઓ આપેલ. આ બનાવ વખતે લગભગ ૨૦૦ થી ૨૫૦ માણસોનું ટોળુ હતુ. આ બનાવ સમયે અમોએ પોલીસને ફોન કરીને મદદની માંગણી કરી હોવા છતાં અમોને કોઈ પણ મદદ મળી નહોતી.
ઉપરોક્ત બનાવની પોલીસ ફરિયાદ અમોએ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં તા- ૧૯/૦૭/૨૦૧૫ ના રોજ ફસ્ટ ગુ.ર.નં – ૪૩/૧૫ થી IPC ની કલમ ૩૫૪ (એ)૧, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા એટ્રોસિટી એક્ટની કલમ ૩ (૧)૧૦, ૧૧ ,૧૫ મુજબ કુલ પાંચ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાવેલ છે.
આ બનાવ સામુહિક હુમલાનો હોવા છતાં પોલીસે ફક્ત પાંચ આરોપી સામેજ ગુન્હો નોંધ્યો છે.
આ બનાવ અગાઉ પણ મારી મમ્મી નામે ચંપાબેન કરશનભાઈ દ્વારા તા-૧૧/૦૭/૨૦૧૫ ના રોજ લેખિત ફરિયાદ આપી હોવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નહી અને ફક્ત CRPC – ૧૦૭, ૧૫૧ મુજબ જામીન લઈને રાજુભાઈ પટેલને છોડી મુક્યા હતા. જો ફરિયાદમાં પોલીસ દ્વારા FIR દાખલ કરી હોત અને અમોને પોલીસ રક્ષણ આપ્યું હોત તો ઉપરોક્ત બનાવ ન બન્યો હોત,
આ બનાવ બન્યા પછી પણ પોલીસ રક્ષણ ન આપતા હોવાથી અમોએ તા-૨૦/૭/૨૦૧૫ ના રોજ DYSP – વિરમગામ અને ટાઉન પો.સ્ટેમાં પોલીસ રક્ષણની માંગણી માટે લેખિત રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી અમોને હથિયાર ધારી પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું નથી.
હાલમાં અમો ભયના ઓથારે જીવન જીવી રહ્યા છીએ.
આ માનવ અધિકાર ભંગના બનાવમાં ભારતીય બંધારણની આર્ટીકલ, ૧૪(કાયદા સમક્ષ દરેક સમાન), ૧૫ (જ્ઞાતિના આધારે ભેદભાવ પર પ્રતિબંધ), ૧૭ (અસ્પૃશ્યતા નાબુદી) અને ૨૧ (ગૌરવ પૂર્ણ જીવન જીવવાનો અધિકાર) અને એટ્રોસિટી એક્ટ – ૧૯૮૯ અને તેના નિયમો – ૧૯૯૫ તેમજ નાગરિક હક્ક સરક્ષણ અધિનિયમ અને ભારતીય ફોજદારી અધિનિયમ- ૧૮૬૦ની જુદી જુદી કલમોનો ભંગ થયેલ છે.
ઉપરોક્ત માનવ અધિકાર ભંગના બનાવમાં તાત્કાલિક માનવ અધિકારોની જાળવણીના મુદ્દે નીચે મુજબની માંગણી કરું છુ.
(૧) અમારા માનવ અધિકાર ભંગનો ભોગ બનેલ પરિવારની જીલ્લા મેજીસ્ટ્રેટ અને જીલ્લા પોલીસ વડાએ મુલાકાત લેવી
(૨) અમારા પરિવારના રક્ષણ માટે તાત્કાલિક હથિયાર ધારી SRP પોલીસ રક્ષણ આપવામાં આવે.
(૩) આ બનાવના તમામ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવી
(૪) આરોપીઓની સામે ગુનો દાખલ થયેલ છે જેમાં ગુના ર.નં ૪૩/૧૫ થી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. જેમાં સામુહિક હુમલો થયેલા હોવાથી રાયોટીંગની કલમ ઉમેરવી. તેમજ નાગરિક હક્ક સરક્ષણ અધિનિયમની કલમનો ઉમેરો કરવો.
(૫) તમામ અરોપીઓને ફરીથી અમારી સાથે આજ પ્રકારના અત્યાચાર ના કરે તે માટે અગમચેતીના પગલા લઇ આ જીલ્લા તેમજ નજીકના જીલ્લાઓ માંથી તડીપાર કરવાની કાર્યવાહી કરવી.
(૬) આ માનવ અધિકાર ભંગના બનાવના આરોપી સુરેશભાઈ પટેલ જેઓ નગર પાલિકામાં ચુંટાયેલ સભ્ય હોઈ તેમને નગર પાલિકા અધિનિયમની જોગવાઈ આધીન તાત્કાલીક હોદ્દા પરથી દુર કરવા અમારી માંગણી છે.
(૭) અમારા ઘરની પાછળ ઉગેલા મોટા વૃક્ષોને તાત્કાલિક અસરથી દુર કરવાની કાર્યવાહી કરવી
(૮) અત્યાચારના ભોગ બનેલ પરિવારનું પુનઃ વસન કરવાની કાર્યવાહી કરવી.
અનુસુચિત જાતિના માનવ અધિકારોનો ભંગ થતો અટકાવવા અને દલિતોના માનવ અધિકારો નું રક્ષણ કરવા તાત્કાલિક ઘટતું કરવા વિનંતી છે.