કિરીટ રાઠોડ/
માહિતી અધિકાર હેઠળ મળેલ માહિતીમાં મોદીના શાસનની ખુલી પોલ ગઈ છે. રાજ્યમાં દર વર્ષે 18 દલિતોની હત્યા કરવામાં આવે છે, 37 દલિત સ્ત્રી સાથે બળાત્કાર ગુજારવામાં આવે છે, 52 દલિતોને ગભીર ઈજા પહોચાડવામાં આવે છે, 1019 દલિત પરિવાર ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે, અને રાજ્યમાં 11 જીલ્લા દલિતો માટે અત્યાચારમાં સંવેનદનશીલ જાહેર કાયેલા છે.
હાલમાં દેશમાં અબકી બાર મોદી સરકાર, અબ અચ્છે દિન આને વાલે હૈ જેવા નારા વચ્ચે ગુજરાતના મુખ્યપ્રધાન અને ભા.જ.પ ના વડાપ્રધાન પદના ઉમેદવાર પોતે પછાત જાતિના ઉમેદવાર તરીકે પછાત કાર્ડ વાપરીને પોતે રાજકીય અસ્પૃશ્તાનો ભોગ બન્યા હોવાનું વારંવાર કબુલે છે. પણ રાજ્યમાં દલિતો ડગલેને પગલે અસ્પૃશ્યતાનો ભોગ બને છે તેના માટે ક્યારેય નિવેદન આપતા નથી. તેમજ અસ્પૃશ્યતા નાબુદી અંગે બનેલ અત્યાચાર ધારાનો કડક અમલ કરવામાં નિષ્ફળ પુરવાર થયા છે.
આગામી દશકો દલિતો, શોષિતો અને પછાતોનો રહેશે તેવું નરેન્દ્ર મોદી પ્રસ્થાપિત કરી રહ્યા છે. જયારે ગુજરાતમાં તો પાછલા દશ દાયકાથી નરેન્દ્ર મોદી પોતે રાજ્યના મુખ્યપ્રધાન હોવા છતાં દલિતોનો દસકો આવ્યો ન હોઈ ન્યાયથી વંચિત રહ્યા છે.
છેલ્લા બે વર્ષમાં દલિત યુવકને જીવતો સળગાવવા (આકોલાલી,શેખપર, અમરાઈવાડી), પોલીસ ફાયરીંગમાં મોત(થાનગઢ), દલિત યુવકનું સામુહિક હુમલામાં ખૂન(રેથલ,લોલીયા, ટીંબા), ગટર કામદારોના ઝેરી ગેસની ગૂંગળામણથી મોત (ઊંઝા) તેમજ દલિતોનો સામાજિક બહિષ્કાર અને હિજરતના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન.જાતી અત્યાચાર (અટકાવ) અધિનિયમ – ૧૯૮૯ અને તેના નિયમો- ૧૯૯૫ ની કલમ – ૧૬ હેઠળ રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિની બેઠક દર વર્ષે બે વખત બોલાવવી ફરજીયાત છે.
પરંતુ ૧૩ વર્ષના શાસનમાં ૨૬ મીટીંગની જગ્યાએ ફક્ત ૬ મીટીંગો બોલાવીને નરેન્દ્ર મોદી દ્વારા અત્યાચાર ધારાનો જાણી બુજીને લૂલો અમલ કરીને બંધારણીય ફરજનો ખુલ્લે આમ ભંગ કરેલ છે.
સુશાસન અને સુરક્ષાની દુહાઈ દેતા મોદી રાજમાં દબંગોના ત્રાસથી ૧૦૯ ગામોમાં દલિતો પોલીસ રક્ષણ હેઠળ જીવન જીવવા મજબુર થયા છે.
રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સુચનાથી બીજા રાજ્યોમાં અત્યાચાર ધારાનો કડક અમલ થતો હોઈ તે રાજ્યની મુલાકાત લઈને સમીક્ષા કરવાનું ઠરાવેલ હોઈ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકાર દ્વારા અત્યાચાર ધારાના અમલીકરણ અંગેના સરકારી અહેવાલ મુજબ મધ્યપ્રદેશ રાજ્ય જેમ ગુજરાતમાં દલિતો ઉપર થતા અત્યાચાર ધારાનો કડક અમલ માટે અલગ પોલીસ સ્ટેશનની રચના કરવાની ભલામણ વર્ષ – ૨૦૦૬ થી અનિર્ણિત છે.
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ – ૧૯૮૯ હેઠળ જિલ્લા કક્ષાએ મંજુર થયેલ પોલીસ મહેકમની વિગત દર્શાવે છે હાલની સ્થિતિએ મંજુર થયેલ કુલ પોલીસ મહેકમ સામે ૫૩.૭૧ % મહેકમ ખાલી છે. જેમાં DYSP (ના.પો.અધિક્ષક) ની ૩૨ માંથી ૨૨ જગ્યાઓ ખાલી છે.
દરેક જીલ્લા કક્ષાએ જીલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરીમાંથી કુલ ૨૪ માંથી ૨૩ જગ્યાઓ PSI ની જગ્યાઓ વર્ષોથી ભરાતી નથી.
રાજસ્થાન રાજ્યમાં અત્યાચાર ધારા હેઠળના કેશો ચલાવવા માટે ખાસ કોર્ટ (સ્પે.કોર્ટ) ની રચના કરેલ છે. જયારે ગુજરાતમાં અત્યાચાર ધારા હેઠળ જયારે કેશ કોર્ટમાં ચાલે છે ત્યારે તે કોર્ટને ખાસ કોર્ટ (સ્પે.કોર્ટ) ગણવામાં આવે છે.
અનુસૂચિત જાતિ સામેના એટ્રોસિટીના કેશોમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયા બાદ વધુમાં વધુ એક માસમાં કેશ સેશનકોર્ટમાં ચલાવવા માટે તબદીલ કરવો જોઈએ તેવી ભલામણ રાજસ્થાન રાજ્યના અભ્યાસ અહેવાલમાં કરવામાં આવી છે.
જયારે બીજી બાજુ ગુજરાતમાં કુલ પડતર કેશો ૪૪૮૩ ની સામે ૩ વર્ષ થી ૧૦ વર્ષ ઉપરના કોર્ટમાં પડતર કેશોનું પ્રમાણ ૪૨.૪૭ % છે. જેથી સાબિત થાય છે કે રાજ્યની ખાસ કોર્ટોમાં એટ્રોસિટીના કેશોનો ઝડપથી નિકાલ થતો નથી.
દલિત અત્યાચારના બનાવોમાં મધ્યપ્રદેશ રાજ્યમાં ૨૯ % અને રાજસ્થાન રાજ્યમાં ૪૧ % સજાનું પ્રમાણ છે. તેના સામે સરકારી અહેવાલ પ્રમાણે ગુજરાત રાજ્યમાં ૭.૮૦ % સજાનું નહિવત પ્રમાણ છે.