કિરીટ રાઠોડ/
નરેન્દ્ર મોદીના રાજમાં માથેમેલું પ્રતિબંધિત કાયદાનો ખુલ્લે આમ ભંગ થઇ રહ્યો છે. રાજ્યમાં પાછલા ૧૦ વર્ષમાં ૯૮ સફાઈ કામદારોના ગટરમાં ગુંગળામણથી મોત થયા હતા. માહિતી અધિકારમાં મેળવેલ વિગતોમાં આ ચોકાવનારી હકીકત બહાર આવી છે. સરેરાશ દર વર્ષે ૧૦ સફાઈ કામદારોના ગટરમાં મોત થયા છે, અને મેગાસિટી અમદાવાદમાં સૌથી વધુ ૧૮ સફાઈ કામદારોના મોત થયા છે.
રાજ્યમાં સફાઈ કામદારોના ગટરમાં મોતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના સફાઈ કામદાર વિકાસ નિગમે ૯૮માં થી ૫૫ કેસોમાં મોતને લગતી સહાય ચૂકવી છે, પણ ૪૩ કેસોમાં સહાય હજીએ સહાય ચૂકવી નથી. આ ચોકાવનારી હકીકત માહિતી અધિકાર હેઠળ નવસર્જન ટ્રસ્ટને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમે આપી છે. જે ૫૫ કેસોમાં સહાય ચૂકવી છે એની વિગત નીચેના પત્રકમાં આપી છે.
હકીકતો જોતા લાગે છે કે વિકાસશીલ રાજ્યમાં આજે પણ કાયદાથી પ્રતિબંધિત મેલું કામ કરવામાં માટે સફાઈ કામદારોને ગટરમાં મેલું સાફ કરવામાં માટે ઉતારવામાં આવે છે. આ પ્રકારનું કામ ન કરાવવા માટે દેશની સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ મનાઈ ફરમાવેલ છે. તેમ છતાં બેરોકટોક આ કામ ચાલુ હોવાથી દિન પ્રતિ દિન સફાઈ કામદારોના મોતની સંખ્યામાં વધારો થવા પામ્યો છે.
આવા બનાવોમાં સહાય ચુકવવાના ઠરાવમાં જણાવ્યા મુજબ રાજ્યમાં સફાઈની બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિ અને પદ્ધતિને કારણે સફાઈના કામ સાથે સંકળાયેલા લોકોની સારવાર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ગુજરાત રાજ્યમાં આશરે ૫૦,૦૦૦ સફાઈ કામદારો છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સફાઈ કામદારો માટે કરોડો રૂપિયાની જોગવાઈ હોવા છતાં આ દુષણને અટકાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે. વર્ષ – ૨૦૦૫-૦૬ માટે ૧૩,૦૮,૬૨૫ (તેર લાખ આઠ હજાર છસો) અને વર્ષ ૨૦૦૯-૧૦ માટે ૨૦,૦૦૦,૦૦ (વીસ લાખ) વીમા કવચ માટે જોગવાઈ હોવા છતાં ૪૩ કામદારોના મોત પામનાર પરિવારો સહાયથી વંચિત રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં માં ૧૨ ગટર કામદારોના ઝેરી ગેસની ગુંગળામણથી થયા છે. જેની વિગત નીચે મુજબ છે:
તા- 23/3/2013 ગાંધીનગરમાં ૧ કામદાર
તા-20/4/2013 ગોધરામાં ૧ કામદાર
તા-08/06/2013 ગાંધીધામમાં ૧ કામદાર
તા-08/07/2013 મહેસાણામાં ૧ કામદાર
તા-09/07/2013 સુરત શહેરમાં ૩ કામદારો
તા-30/03/2013 ઊંઝા (જી.મહેસાણા), માં ૩ કામદારો
તા-08/04/2013 વીરપુર(જી.ખેડા) માં ૧ કામદાર
સફાઈ કામદારોના મોત ગટર સાફ કરવા મેન હોલમાં ઝેરી ગેસ લાગવાથી અકાળે મૃત્યુ પામેલ છે. આવા બનાવો ગુજરાત હાઇકોર્ટ અને અને સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન નો ખુલ્લે આમ ભંગ ગુજરાત સરકાર કરી રહી છે . તાજેતરમાં ૨૭ માર્ચે દેશની સર્વોચ્ચ અદાલતે ગટર કામદારોને ગટરમાં ઉતારવા ઉપર પ્રતિબંધ મુકેલ છે. તેમજ ૧૯૯૩ પછી સમગ્ર ભારતમાં જેટલા પણ ગટર કામદારોના મોત થયા હોઈ તેવા પરિવારોને ૧૦ – ૧૦ લાખનું વળતર આપી પુનઃવસન કરવો હુકમ થયો છે. આ આદેશ પછી પણ ગુજરાતમાં ૪ ગટર કામદારોના ગેસ ગળતરમાં મોત નીપજ્યા છે.
માથેમેલું પ્રતિબંધિત કાયદો – ૨૦૧૩ સમગ્ર ભારતમાં લાગુ થયો છે. આ કાયદામાં આ પ્રકારના કામને કોગ્નીઝેબલ ગણવામાં આવેલ છે. પરંતુ આ કાયદાનો કડક અમલ કરવામાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગૃહ વિભાગ,શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, કાયદા વિભાગની બેદરકારી ઉડીને આખે વળગે તેવી છે.
આ ૫૫ ગટર કામદારોના વારસદરોને ૫૮ લાખ સહાય ચૂકવેલ છે. આની ઉપરાંત વિલંબના કારણે ના મંજુર થયેલ કેસો ૧૫ છે. સાધનિક કાગળોની પૂર્તતાના આભાવે વિલંબિત થયેલ કેસોની સંખ્યા ૧૬ છે. અને છેલ્લા ૧ વર્ષમાં થયેલ મોતની સંખ્યા ૧૨ છે. આ રીતે કુલ ગટર કામદારોના મોતની સંખ્યા ૯૮ થાય છે.