કિરીટ રાઠોડ/
દલિતો ઉપર થતા અત્યાચાર અને બળાત્કારના કેસોમાં ખાસ સરકારી વકીલોની નિમણુક કરવાના મુદ્દે રાજ્યના કાયદા વિભાગ દ્વારા માહિતી કમિશ્નરના આદેશ છતાં માહિતી નહી આપવામાં આવતા મામલો ગુજરાત હાઇકોર્ટ પહોચ્યો છે. આ કેશની વધુ સુનાવણી ૫/૬/૨૦૧૪ ના રોજ હાથ ધરાશે.
આશ્ચર્યજનક રીતે માહિતી કમિશનરે કાયદા વિભાગને માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો પુરા પડવાના આદેશ સાથે પગલા લેવાની ચીમકી આપી હોવા છતાં કાયદા વિભાગે હુકમની ઐસી તેસી કરી નાખી હતી. આ સમગ્ર મામલાની ગંભીરતા લઈને નવસર્જન ટ્રસ્ટ ના નિયામક મંજુલાબેન પ્રદીપ દ્વારા હાઇકોર્ટના વકીલ શિલ્પાબેન શાહ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે.
રાઈટ ટુઇન્ફોર્મેશન એક્ટ – ૨૦૦૫ ની જોગવાઈ હેઠળ આર.ટી.આઈ કાર્યકર્તા કિરીટ રાઠોડ દ્વારા તા- ૧૮ જાન્યુઆરી ૨૦૦૧૩ના રોજ કાયદા વિભાગના જાહેર માહિતી અધિકારી સમક્ષ માહિતી મેળવવાની અરજી કરી હતી. જેમાં ચાર મુદ્દાને લગતી માહિતી માંગવામાં આવી હતી.
એટ્રોસીટી એક્ટ હેઠળ પીડિત વ્યક્તિ દ્વારા ખાસ સરકારી વકીલની માંગણી કરવામાં આવે ત્યારે કાયદા વિભાગ કઈ પદ્ધતિથી સરકારી વકીલ ફાળવવાનો નિર્ણય કરે છે તથા એટ્રોસિટી એક્ટ – ૧૯૮૯ હેઠળ અનુ.જાતિ અને અનુ.જન.જાતિના અરજદારોને ખાસ સરકારી વકીલ ફાળવવા અંગે કાયદા વિભાગ દ્વારા થયેલા ઠરાવોની માહિતીમાં પ્રથમ બે મુદ્દામાં સમાવેશ થતો હતો. કાયદા વિભાગે આ બંને મુદ્દા અંગેની મહિતી આપી હતી.
બે મુદ્દાઓનો જવાબ આપવાની સાથે અરજીના અન્ય બે મુદ્દાઓ પર વિભાગે કોઈ માહિતી આપી ન હતી. ખાસ સરકારી વકીલની માંગણી કરતી અરજીની નકલો, ફાઈલનોટીંગ, પત્રો સહીત કાયદા વિભાગ દ્વારા ૨૦૦૧ થી ૨૦૧૨ ના વર્ષ દરમ્યાન કેટલા અરજદારોને ખાસ સરકારી વકીલની ફાળવણી કરવામાં આવી અને કેટલાને ખાસ સરકારી વકીલની ફાળવણી ન થઇ તે અંગેની વિગતો વિભાગ તરફથી નહી અપાતા કાયદા વિભાગના અપીલ સત્તાધિકારીએ ૨૦,માર્ચ ૨૦૧૩ ના રોજ ઉપરોક્ત વિગતો વિના મુલ્યે અરજદારને પૂરી પાડવા કાયદા વિભાગના જાહેર માહિતી અધિકારીને નિર્દેશ આપ્યા હતા. આમ છતાં, માહિતી ન મળતા અરજદારે રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર સમક્ષ અરજી કરી હતી. જુન ૨૦૧૩ માં માહિતી કમિશનરે આપેલા હુકમ બાદ પણ માહિતી ન મળતા અરજદારે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.
હાઇકોર્ટ સમક્ષ કરેલી રજુઆતમાં અરજદારે એવો આક્ષેપ કર્યો હતો કે, એટ્રોસિટી એક્ટ હેઠળ ખાસ સરકારી વકીલની નિમણુક કરવાની જોગવાઈ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવતું નથી. આ બેદરકારીને બહાર લાવવા માટે જ એટ્રોસિટી કેશમાં સ્પેશીયલ સરકારી વકીલની નિમણુકની વિગતો માંગવામાં આવી હતી. કેટલાક કિસ્સામાં પીડિત વ્યક્તિઓ અરજી કરવા હોવા છતાં તેમને સ્પેશીયલ સરકારી વકીલ ફાળવતા નથી. જેના કારણે પીડિતોને અન્યાય થાય છે. અરજદારની રજૂઆત ધ્યાને લીધા બાદ હાઈકોર્ટે કાયદા વિભાગના જાહેર માહિતી અધિકારી, કાયદા વિભાગ અને મુખ્ય માહિતી કમિશનરને નોટિસ પાઠવી હતી.
ગુજરાત જેવા રાજ્યમાં તેમાય કાયદા વિભાગ દ્વારા જો માહિતી કાયદાનો ભંગ કરવામાં આવે તે ખુબજ ગંભીર બાબત કહેવાય, આ અંગે રાજ્ય સક્રકારે કડક હાથે કામ લઈને માહિતી કાયદાને અસરકાર બનાવવો જોઈએ.