ઘરમાથી કાઢી મુકાયેલી કે અસુરક્ષાથી પીડાયેલી બહેનો પાસે રેશન કાર્ડ ક્યાથી હોય?

તૃપ્તિ શાહ, રીટા ચોક્સી, રેશ્મા વ્હોરા, સુનંદા તાયડે અને કમલ ઠાકર*/

રાજકીય પક્ષો “સ્ત્રીઓના અપમાન”ના નામે બીજા પક્ષોના નેતાઓના સ્ત્રી વિરોધી ઉચ્ચારો સામે અને “સ્ત્રીઓની સલામતી”ના નામે સરઘસો કાઢી બૂમાબૂમ કરી રહયા છે ત્યારે ભા.જ.પ., કોંગ્રેસ, સમાજવાદી પક્ષ સહિતના તમામ પક્ષોને જણાવવાનું કે તમારી આ નારાબાજીથી સ્ત્રીઓ હવે છેતરાય તેમ નથી. ભા.જ.પની મહિલા પાંખ કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીના સ્ત્રી વિરોધી ઉચ્ચારો સામે મોરચા કાઢે છે પણ પોતાના પક્ષના પરેશ રાવલના વાણી વિલાસ સામે સદંતર ચૂપ છે. કોંગ્રેસ અને બીજા પક્ષો પણ આમ જ કરે છે.

તેમના મહિલા મોરચાઓ દેશની સામાન્ય સ્ત્રીઓના અપમાન કે અસુરક્ષિતતા સામે ક્યારેય રસ્તા પર આવ્યા નથી તે બધી જ સ્ત્રીઓ જાણે છે. ગુજરાતમાં સ્ત્રીઓ સામે થયેલ ગુનાઓના કેસ ૨૦૧૧માં ૮૮૧૫ અને ૨૦૧૨માં ૯૬૬૧ જેટલા નોધાયા હતા. ૨૦૧૨માં બળાત્કારના ૪૭૩ અને છેડતી તેમજ જાતિય સતામણીના ૮૪૭ કેસ નોધાયેલા હતા. ના નોધાયેલા કેસની સંખ્યા તો અનેક ઘણી હશે. આમાના કેટલા કેસમાં ભા.જ.પ. અને કોંગ્રેસે મોરચા કાઢ્યા?

ગુજરાત સરકારે ‘ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫’ના અધકચરા અમલ માટે નિમેલ અપૂરતા સુરક્ષા અધિકારીઓ પાસે માત્ર ફરિયાદ નોધાવવા માટે પણ ૧ થી ૩ મહિનાની મુદત પડે છે અને કેસ ચાલવા કે વચગાળાની રાહત મેળવવામાં વર્ષો નીકળી જાય છે. વડોદરા જેવા કેટલાક જિલ્લાઓમાં તો ફરિયાદ નોંધવા માટે પણ સુરક્ષા અધિકારી ફરિયાદી બહેન પાસે રેશન કાર્ડની માગણી કરે છે. જે માંગણી ગેરકાયદેસર છે. ઘરમાથી કાઢી મુકાયેલી કે અસુરક્ષાને કારણે ઘર છોડવાની જેને ફરજ પડે છે તેવી બહેનો પાસે રેશન કાર્ડ ક્યાથી હોય?

આજે સ્ત્રીઓ તમામ રાજકીય પક્ષો અને નેતાઓ પાસે જવાબ માંગે છે કે તેઓ ઓછામાં ઓછું નીચે જણાવેલ પગલાં અંગે તેમના ચૂંટણી મેનિફેસ્ટોમાં સ્પષ્ટતા કેમ કરતાં નથી ? તેઓ આટલા પગલાં તો તાત્કાલિક ભરશે જ તેવી ખાતરી આપે. અને તે માટે બજેટમાં, કાયદાઓમાં અને નીતિઓમાં કેવા ફેરફાર કરશે ? અમલીકરણ માટે કેવું તંત્ર કેટલા વખતમાં બનાવશે તેની વિગતો જણાવે.

· સમાજમાં સ્ત્રીઓ પર વધતી જતી હિંસા અને દીકરીઓની ઘટતી જતી સંખ્યા બાબતે નીતિ વિષયક, કાયદાની દૃષ્ટિએ તથા સમાજમાં જાગૃતિ લાવવા કેવા કાર્યક્રમો હાથ ધરવા માંગે છે?
· આ માટે કૌટુંબિક હિંસા અધિનિયમ, ૨૦૦૫ તથા ક્રિમિનલ લો અમેન્ડમેંન્ટ એક્ટ, ૨૦૧૩ના અસરકાર અમલ માટે શું કરશે?
· બળાત્કાર, છેડતી, સામૂહિક બળાત્કાર, વધતાં જાય છે ત્યારે સમાજમાં તેમજ કામના સ્થળે સ્ત્રીઓ પર થતી જાતીય હિંસા રોકવા શું પગલાં ભરશે?
· સ્ત્રીઓને ઘર, જમીન અને મિલકતનો સમાન અધિકાર વાસ્તવિકતામાં મળે તે માટે શું પગલાં ભરશે ?
· આવતી કાલના નાગરિકો એવા બાળકોના સ્વસ્થ ઉછેરની જવાબદારી માત્ર માતા કે કુટુંબની જ નથી પરતું સમગ્ર સમાજની છે. માતા પોતાની આજીવિકા માટે નિશ્ચિત થઈને કામ કરી શકે તે માટે પ્રત્યેક કામના સ્થળે, મુખ્ય બજારોમાં તથા પ્રત્યેક આંગણવાડી સાથે ઘોડિયાઘરની વ્યવસ્થા ઊભી કરવા શું પગલાં ભરશે?
ઉપરાંત વંચિતોની વંચિત એવી સ્ત્રીઓને નીચે જણાવેલ તમામ મૂળભૂત જરૂરિયાતોમાં સમાન હિસ્સેદારી કઈ રીતે મળશે તેની નક્કર યોજના જણાવે. કેટલીક પાયાની મૂળભૂત માગણીઓ
· “તમામ હાથને કામ” અને “કામ કરનાર”ને કુટુંબ પોષી શકે તેટલું “વેતન” લાગુ કરવું.
· અનાજ, દૂધ, તેલ ,ગેસ, કેરોસીન તથા જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ સૌને સહેલાઇથી મળે, પેદા કરનાર ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળે અને વાપરનાર ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુઓ મળે તે માટે બજારના અર્થતંત્રને નાથવા શું કરશો?
· સ્વચ્છ અને પૂરતું પીવાનું અને ઘર વપરાશનું પાણી સૌને મળે તે માટે શું વ્યવસ્થા કરશો?
· જીવનના આધાર એવા પાણીની પરિસ્થિતી અંગે દેશની ‘વોટર બેલેન્શિટ’ રજૂ કરી તેના આધારે તેઓ આગળ ઉપર શું પગલાં ભરશો ?
· સૌને સરખું, સારું, મફત શિક્ષણ તથા આરોગ્ય મળે તે માટે તેના ખાનગીકરણ તથા વ્યાપરીકરણને રોકવા શું કરશો ? બાળકોને ટ્યુશન મુક્ત અને લોકોને મેડિકલેમથી મુક્ત કરવા શા પગલાં ભરશો?
· “સૌને રેહવાને ઘર” વ્યાજબી ભાવે મળી રહે તે માટે શું પગલાં ભરશો ?
· માત્ર નેતાઓની સલામતી પાછળ કરોડોનો ખર્ચો કરવાને બદલે તે ખોટા ખર્ચાઓ બંધ કરી સમાજના પ્રત્યેક જૂથની સલામતી માટે શું નક્કર પગલાં ભરશો?
· નીચેથી માંડીને ઉપર સુધી તમામ સ્તરે વ્યાપેલ ભ્રષ્ટાચાર દૂર કરવા શું પગલાં ભરશો?
· તમામ ગુનેગારોને (પછી તે કોઈ પણ નેતા, અભિનેતા, અધિકારી, મંત્રી, મુખ્યમંત્રી, ન્યાયમૂર્તિ કે પૈસાપાત્ર કરોડપતિ વ્યક્તિ કેમ ન હોય) સજા મળે અને સૌને સમયસર ન્યાય, મળે તે માટે કયા પગલાં ભરશે?
· દેશમાં અને ગુજરાતમાં ૯૦% કરતાં વધારે કામદારો અસંગઠીત ક્ષેત્રમાં છે. ગુજરાતમાં તો કુલ સ્ત્રી કામદારોના ૯૭.૫૯% અને પુરુષ કામદારોના ૯૧.૫૯% કામદારો અસંગઠીત ક્ષેત્રમાં છે. જ્યાં રોજગારીની સલામતી નથી અને પૂરતી આવક નથી એવા અસંગઠીત ક્ષેત્રના કામદારો માટે સામાજિક સુરક્ષાના પગલાં, આરોગ્ય, પ્રસૂતિ સહાય મળે તે માટે શું પગલાં ભરશો ?
· સમગ્ર દેશમાં અને ગુજરાતમાં કુપોષણ દૂર કરવા શું કરશો ? ગુજરાતનાં ૪૪.૬% બાળકો કુપોષણ પીડાય છે. ૪૧% ઓછું વજન ધરાવે છે. અને ગુજરાતની ૫૫% કરતાં વધારે સ્ત્રીઓ પાંડુરોગથી પીડાય છે ત્યારે જાહેર વિતરણ વ્યવસ્થાનું સાર્વત્રિકરણ કરી તમામ લોકોને રેશનની દુકાનોથી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળે તે માટે શું પગલાં ભરશો ?
· સામૂહિક કુદરતી સંસાધનો, જંગલ, ગૌચર, પાણી, તળાવ, નદી, વગેરે પર સ્થાનિક લોકોના અંકુશ માટેની તેમજ લેન્ડ યુઝ પોલિસી’ (જમીનના ઉપયોગ નીતિ) જાહેર કરો.
· દલિત, આદિવાસી, લઘુમતી સહિતના તમામ વંચિત સમૂહોની સ્ત્રીઓ માટે શું પગલાં ભરશો?
આ તો કેટલીક જ માંગણીઓ છે પરંતુ આ ઉપરાંત પણ લોકોની બીજી અનેક માંગણીઓ છે જે તમામ સ્ત્રીઓ સુધી પહોચે તેવા પગલાં ભરવાની ખાતરી આપો.

ગુજરાતમાં સ્ત્રીઓ કેટલી સલામત?

૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાતમાં ૦-૬ વર્ષના બાળકોમાં બાળકીઓનું પ્રમાણ ૧૦૦૦ દીકરાઓ સામે માત્ર ૮૮૬ છે. શહેરી વિસ્તારોમાં માત્ર ૮૫૨ છે. કેટલાય વિસ્તારોમાં ૭૦૦-૭૫૦ જેટલો નીચો સેક્સ રેશિયો જોવા મળે છે.

સંખ્યાની દ્રષ્ટિએ જોઈએતો ૨૦૦૧માં ગુજરાતમાં ૦ થી ૬ વર્ષના બાળકોમાં, છોકરાઓ કરતાં ૪,૪૫,૯૬૪ છોકરીઓ ઓછી હતી જ્યારે ૨૦૧૧ માં આ ફરક વધીને ૪,૫૪, ૩૯૬ થયો છે.

દીકરીઓની ઘટતી સંખ્યાએ પિતૃસત્તાક સમાજના મૂલ્યો સાથે આર્થિક વિકાસના મોડેલની સાંઠગાંઠનું પરિણામ છે. સમાજ વધારેને વધારે હિંસક બનતો ગયો છે અને પરિણામે સ્ત્રીઓ પરની હિંસા પણ વધી જ છે. ઉત્પાદન અને મૂડીરોકાણમાં થતાં વધારાને જ વિકાસનો માપદંડ માનવાને કારણે પૈસાદારો અને મધ્યમ વર્ગમાં વધાતી જતી હરીફાઈ, ઉપભોક્તાવાદ, જલ્દી પૈસાદાર થવાની દોડ અને ગરીબોમા વધતી આર્થિક અસલામતી, રોજગારીનો અભાવ, ગરીબી અને ભૂખમરાને કારણે દીકરીઓને વેચવાની, પૈસા આપીને જ્યાં દીકરીઓનું પ્રમાણ ઓછું છે તેવી નાતમાં તેને પરણાવી દેવાની, સાટા પ્રથા, વગેરે વધી રહ્યા છે.

પોલીસ આંકડા પ્રમાણે ૨૦૦૧માં શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવનાર સ્ત્રીઓની સંખ્યા ૩૧૯૧ હતી તે ૨૦૧૨માં વધીને ૬૬૫૮ થઈ. જો કે પોલીસ સ્ટેશન સુધી ન પહોચી સકતી સ્ત્રીઓની સંખ્યા તેના કરતાં અનેક ઘણી વધારે છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે -૩ મુજબ ગુજરાતની ૨૭%પરણિત સ્ત્રીઓએ જણાવ્યુ કે તેઓ પોતાના પતિ દ્વારા જીવનમાં ક્યારેક તો હિંસાનો ભોગ બની છે. જો ૨૭% સ્ત્રીઓ હિંસાની કબૂલાત કરતી હોય તો તેનું પ્રમાણ અનેક ઘણું વધારે હશે કારણકે મોટાભાગની સ્ત્રીઓને કુટુંબની “ઇજ્જત” ના નામે આ હકીકતને છુપાવવી જોઈએ તેવું શીખવાડવામાં આવે છે.

સહિયર (સ્ત્રી સંગઠન) સ્ત્રીઓને અપીલ કરે છે કે, તમામ ઉમેદવારોને પ્રશ્નો પૂછો. જો આપના મતવિસ્તારમાં કોઈ પણ પક્ષ કે ઉમેદવાર આપણી ઉપરોક્ત માંગણીઓ સ્વીકારી શકે તેવો ના લાગે તો પણ મત આપવા જરૂર જજો. NOTAનું બટન દબાવી મતના અધિકારનો ઉપયોગ કરજો.

વર્ષોના સંઘર્ષ પછી હવે તમામ ઉમેદવારોની યાદી પછી એક છેલ્લું બટન એવું પણ છે કે જે બધાની વિરોધમાં આપનો મત નોધે છે. જેનું નામ છે NOTA (None of the Above). NOTAને આપેલા મત દર્શાવે છે એ મતદાર તમામ ઉમેદવારથી નારાજ છે કારણકે તેઓ તેના હિતનું રક્ષણ કરતાં નથી. આ એક સંદેશો છે કે કેટલા મતદારો રાજકીય વિકલ્પની શોધમાં છે અને યોગ્ય વિકલ્પ ઊભો થાય તેની તરફેણમાં છે.


*સહિયર (સ્ત્રી સંગઠન)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s