કિરીટ રાઠોડ/
૧૪ એપ્રિલ ૨૦૧૪ના દિને મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૩મી જન્મ જયંતિની ઉજવણી પુરા રાજ્યમાં થઇ. પણ વર્ષ ૨૦૦૭ થી અમલમાં આવેલી ડો.આંબેડકર ભવન બનાવવાની યોજના ૭ વર્ષ ઉપરનો સમય વીતવા છતાં એકપણ ભવનનું નિર્માણ ના કરીને બાબા સાહેબના નામથી જોડાયેલ મહત્વપૂર્ણ યોજનાના નાણાનો ઉપયોગ દલિત સમાજના ઉત્થાન માટે ન કરીને ડો.આંબેડકર સાહેબનું અપમાન થયો છે.
ડો.બાબાસાહેબ આંબેડકરના નામે ગુજરાત રાજ્યના તમામ ૨૨૫ તાલુકાઓમાં તાલુકા સ્તરે ડો. આંબેડકર ભવન નિર્માણ કરવાની યોજના સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના તારીખ ૨૯/૦૩/૨૦૦૭ ના સરકારી ઠરાવથી તાલુકા સ્તરે ભવન બનાવવા માટે રૂપિયા ૨૨૫.૦૦ લાખની નવી બાબતને વહીવટી મજુરી આપવા છતાં અમદાવાદના નવ તાલુકામાં ડો.આંબેડકર ભવનનું અમલીકરણ કરવામાં સરકારની ઉદાસીનતા આખે ઉડીને વળગે તે નીચેની વિગતોથી દેખાય છે.
આ યોજના અંતર્ગત અમદાવાદ જીલ્લાના ૯ (નવ) તાલુકા સ્તરે ડો.આંબેડકર ભવનની યોજનાનો અમલ કેટલો થયો તે અંગેની વિગતો માહિતી અધિકાર હેઠળ મેળવતા નીચેની ચોકાવનારી હકીકતો પ્રકાશમાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭ થી રાજ્યના તમામ તાલુકામાં તાલુકા સ્તરે ડો.આંબેડકર ભવન બનાવવાની યોજના જાહેર કરી હતી. આ યોજનાના સાત વર્ષ થવા છતાં આજદિન સુધીમાં અમદાવાદ જીલ્લાના કુલ નવ તાલુકામાંથી ત્રણ તાલુકામાં ભવન માટે કલેકટર,અમદાવાદ દ્વારા જમીન ફાળવવામાં આવી છે. અને પાંચ તાલુકામાં હજુ સુધી ભવન માટે જમીન ફાળવવામાં આવી નથી.
વિરમગામ, દેત્રોજ, ધોળકા તાલુકામાં ભવનના નિર્માણ માટે જમીન ફાળવવા છતાં ભવનનું નિર્માણ કરવામાં આવ્યંે નથી.
ડો.આંબેડકરની ૧૨૩મી જન્મ જયંતિ નિમિતે આ સમગ્ર હકીકતોના આધારે ગુજરાત રાજ્યપાલ સમક્ષ માંગણી કરી છે કે અમદાવાદ જીલ્લાના નવ તાલુકામાંથી જે તાલુકામાં ભવન માટે જમીન ફાળવવાની કાર્યવાહી બાકી છે, ત્યાં ઝડપી કાર્યવાહી કરીને જમીન ફાળવીને તાત્કાલિક ધોરણે અમદાવાદના તમામ તાલુકામાં ભવન બાંધવાનું કામ ચાલુ કરવું.