આખરે અમદાવાદ જીલ્લાના ૩,૧૨૫ દલિત વિધાર્થીઓને ૧૬.૩૯ કરોડો રૂપિયાની શિષ્યવૃતિ ચૂકવી

કિરીટ રાઠોડ/
અમદાવાદ જીલ્લાના જુદા જુદા શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા દલિત વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ન મળવાની ફરિયાદો મળતી હતી. જેથી આ અંગે વધુ માહિતી મેળવવા માટે કિરીટ રાઠોડ, પ્રોગ્રામ ડાયરેક્ટર, નવસર્જન ટ્રસ્ટ દ્વારા જાહેર માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૫ મુજબની અરજી જીલ્લા પછાત વર્ગની કચેરી, અમદાવાદને આપી હતી. તેમ છતાં માહિતી કાયદાની જોગવાઈ મુજબ ૩૦ દિવસના સમયગાળામાં માહિતી આપી ન હતી. અને ઉલટાનું ઉપરના અધિકારી કહેતા હતા કે અમારી ઓફીસમાં સ્ટાફ ઓછો છે. જેથી સમયસર કામગીરી થતી નથી.
અરજદારને માહિતી ન મળતા માહિતી કાયદાની જોગવાઈ મુજબ અપીલ અધિકારી અને નિયામકશ્રી, અનુસુચિત જાતી કલ્યાણ ખાતુ, ગાંધીનગર સમક્ષ પ્રથમ અપીલ કરી હતી. આ અપીલ અધિકારીએ પણ પોતાના તાબાની કચેરીના અધિકારીને બચાવવા માટે માહિતી આપવાનો હુકમ કર્યો નહોતો.
જેથી અરજદારે તારીખ ૨૦.૦૭.૨૦૧૦ ના રોજ ગુજરાત માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ કરી હતી. જેની સુનાવણી શ્રી બલવંત સિંઘ, રાજ્ય માહિતી કમિશ્નર, ગાંધીનગર સમક્ષ ૦૪.૦૪.૨૦૧૩ ના રોજ સુનાવણી રાખી હતી. આ સુનાવણીમાં પણ જાહેર માહિતી અધિકારીએ જણાવેલ કે અમારી કચેરીમાં સ્ટાફ ઓછો હોવાથી અમોએ માહિતી હોવા છતાં અરજદારને આપી ન હતી.
જેથી ગુજરાત માહિતી આયોગે અરજદારની તરફેણમાં ચુકાદો આપીને ૧૫.૫.૨૦૧૩ સુધીમાં મૂળ અરજીમાં માંગેલ માહિતી વિનામૂલ્યે પૂરી પાડવા જણાવ્યું હતું. જેથી ૧૩.૫.૨૦૧૩ થી ઉપરોક્ત જાહેર માહિતી અધિકારીએ અરજદારને જે માહિતી આપી છે તે અધુરી છે.
પણ આ અધુરી માહિતીની વિગતોથી સ્પષ્ટ થાય છે કે ફક્ત અમદાવાદ શહેર અને જીલ્લામાં સાણંદ, બરવાળા, ધંધુકા, માંડલ, વિરમગામ, રાણપુર, દશકોઈ તાલુકાઓની વિવિધ સરકારી અને સ્વનિર્ભર કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ જેવા કે ઇજનેર, ડોક્ટર, નર્સ, જેવા વિવિધ ડીગ્રી મેળવવા માટે અભ્યાસ કરતા દલિત વિધાર્થીઓને રાજ્ય સરકારે કરોડો રૂપિયાની સ્કોલરશીપ ચૂકવી નથી.
આવેલ માહિતીની વિગતો જોતા જણાય છે કે તારીખ ૩૧.૩.૨૦૧૩ પડતર ફોર્મની સંખ્યા ૧,૬૧૩ ની છે. અને ૧૫૧૨ વિધાર્થીઓને સરકારની ગ્રાન્ટના અભાવે બાકી દરખાસ્ત રહી છે.
એક અંદાજ મુજબ આ તમામ વિધાર્થીઓને ૩ કરોડ જેટલી રકમની શિષ્યવૃતિ ચૂકવી નથી.
હજુ આ માહિતી માં ધો-૧ થી ૮ (પ્રાથમિક શાળા) અને ૯ થી ૧૨ (માધ્યમિક શાળા) ની માહિતી તો આ કચેરીએ પૂરી પાડી નથી. જો આ માહિતી આવેતો ઉપરની રકમ વધારે થાય તેમ છે.
આ કામગીરી કરનાર જીલ્લા પછાત કલ્યાણ અધિકારી જ કહે છે કે અમોતો રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગીએ છીએ. પણ ઉપરથી જ ગ્રાન્ટ આપવામાં આવતી નથી.
જયારે બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સદભાવના ઉપવાસ, અને જુદા જુદા મેળાવડાઓ કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે પણ દલિત વિધાર્થીના હક્ક ના નાણા આપવામાં સરકારને રસ નથી.
૧૪ એપ્રિલ ૨૦૧૩ નારોજ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૨મી જન્મ જયંતિની ઉજવણીની જાહેરાતોમાં લોભામણી વિગતો જાહેર કરીને દલિતોને હથેળીમાં ચાંદ બતાવેલ છે.
રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બજેટમાં દલિતો માટે ખાસ અંગભૂત યોજનામાં કરોડો રૂપિયાની જોગવાઈ કર્યાનો દાવો કરવામાં આવે છે. અને બીજી બાજુ હજારો દલિત વિધાર્થીઓને નાણા નહી ચૂકવીને તેમના શિક્ષણ અને કારકિર્દી ઉપર તરાપ મારવાનું કામ કર્યું છે.
આ તો ફક્ત અમદાવાદ જીલ્લાની માહિતી મળી છે. જો બીજા ૨૫ જીલ્લાની માહિતી સરકાર જાહેર કરેતો ખુબ મોટી બેદરકારી બહાર આવે તેમ છે.
માટે અરજદાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીશ્રી રમણલાલ વોરા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને મીડિયાના માધ્યમ થી રજૂઆત કરી છે કે આ અંગે સમગ્ર રાજ્યમાં ૩૧.૩.૨૦૧૩ની સ્થિતિએ ૨૬ જીલ્લામાં કેટલા વિદ્યાર્થીને શિષ્યવૃતિ ચૂકવેલ નથી. તેના કયા કારણો છે? કયા કયા અધિકારીની બેદરકારી છે? આ અંગેની તપાસ કરવા માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિ બનાવવાની માંગણી કરવામાં આવી હતી.
આ સમગ્ર હકીકતોને મીડિયાનો સહકાર મળતા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હી દ્વારા મુખ્ય સચિવ, ગુજરાત સરકારને સુઓમોટો કેસ ગણીને નોટીસ આપી હતી.
તારીખ ૧.૬.૨૦૧૩ ના રોજ નિયામક. અનુસુચિત જાતી કલ્યાણ ખાતું, ગાંધીનગર દ્વારા સરકારને જે અહેવાલ પાઠવ્યો તેમાં કુલ ૧૬.૩૯ કરોડ ફાળવ્યા હોવાનું જણાવેલ છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s