કિરીટ રાઠોડ/
રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં ગુજરાત સરકારના સુશાશનની વાતો જોર શોરથી કરી રહ્યા છે. ત્યારે રાજ્યના મહત્વના ગણાતા વિભાગ એવા કાયદા વિભાગ પાસે માહિતી પૂરી પાડવા માટે સ્ટાફ અને ઝેરોક્ષ મશીનની અછત હોવાનું ખુદ સરકારી ફાઈલ નોટીંગમાં નોધની વિગતોથી સાબિત થાય છે.
વર્ષ ૨૦૦૧ થી ૨૦૧૨ સુધીના સમયગાળામાં કેટલા અરજદારની માંગણી મુજબ કાયદા વિભાગે સ્પે.પી.પી (ખાસ સરકારી વકીલ) ની નિમણુક કરી તે અંગેની માહિતી મેળવવા માટે વિરમગામના કિરીટ રાઠોડ, (આર.ટી.આઈ કાર્યકર) દ્વારા તા- ૧૮/૦૧/૨૦૧૩ ના રોજ કાયદા વિભાગને અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં નિયત સમય મર્યાદા ૩૦ દિવસમાં જાહેર માહિતી અધિકારી (ડી.એ.વોરા) દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી ન હતી. જેથી આ અંગે તા – ૨૧/૦૩/૨૦૧૩ ના રોજ પ્રથમ અપીલ અધિકારી ( બી.જી.દવે), અને નાયબ સચિવ, કાયદા વિભાગે માંગેલ માહિતી વિના મુલ્યે પૂરી પાડવાનો હુકમ કર્યો હતો.
આ પ્રથમ અપીલ અધિકારીનો હુકમ હોવા છતાં ૯૦ દિવસ સુધી માહિતી ન મળતા બીજી અપીલ ગુજરાત માહિતી આયોગ સમક્ષ કરી હતી. જેથી તા- ૨૧/૦૬/૨૦૧૩ ના રોજ મુખ્ય માહિતી કમિશ્નર શ્રી ડી. રાજગોપાલન, ગુજરાત માહિતી આયોગે દિન-૧૫ માં માહિતી આપવાનો હુકમ કર્યો હતો. તેમજ માહિતી કાયદાની કલમ ૨૦(૧) મુજબ દંડાત્મક પગલા લેવાની વિચારણા કેમ ન કરવા અંગે દિન-૨૧ માં જાહેર માહિતી અધિકારીનો લેખિત ખુલાસો માંગ્યો હતો.
ગુજરાત માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નરના હુકમનો અનાદર કરી આજ દિન સુધી માહિતી પૂરી પાડવામાં આવી નથી. તા- ૧૮/૦૧/૨૦૧૩ અમારી મૂળ અરજીમાં થયેલ ફાઈલ નોટીંગની માહિતી અધિકારમાં માહિતી મેળવતા નીચેની હકીકતોનો પર્દાફાશ થયેલ છે. કાયદા વિભાગની કચેરીમાં સ્ટેશનરી તેમજ ઝેરોક્ષ ઓપરેટરનો અભાવ છે. આ શાખામાં કાર્યબોજ વધુ છે. બે નાયબ સેક્સન અધિકારીની જગ્યા ખાલી છે. સ્પે.પી.પી ની માંગણીની ફાઈલો પેન્ડીંગ છે.
પ્રથમ અપીલ અધિકારીના હુકમને જાહેરમાહિતી અધિકારી ગુજરાત માહિતી આયોગમાં પડકારવાની મંજુરી સામાન્ય વહીવટ વિભાગ પાસે માંગે છે. આ કાયદાની જોગવાઈ વિરુદ્ધની કામગીરીમાં કાયદા વિભાગના સચિવ શ્રી વી.પી.પટેલ પણ મંજુરી આપે છે. આ ફાઈલ નોટીંગની વિગતો સામાન્ય વહીવટ વિભાગ ના મંજુર કરતુ હોવા છતાં માહિતી આપવાને બદલે કાયદા વિભાગની “અ” શાખાનો અભિપ્રાય લેવાની સંમતી કાયદા સચિવ આપે છે.
આ ફાઈલ નોટીંગમાં સેક્શન અધિકારી, ઉપ સચિવ, નાયબ સચિવ, અને સચિવશ્રીની સહીઓ છે. જેથી લાગે છે કે કાયદા વિભાગ જ માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ની જોગવાઈઓનો ખુલ્લે આમ ભંગ કરી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં દરેક કાયદાનું ચુસ્ત પાલન કરવાની જેની પ્રાથમિક ફરજ છે તે કાયદા વિભાગ દ્વારા જ માહિતી કાયદાનો ખુલે આમ ભંગ થઇ રહ્યો છે. ત્યારે હવે એ જોવાનું રહ્યુ કે સુશાશનમાં કોણ કાયદા વિભાગનો કાન આમળશે.